કુંભારવાડામાં મોડી રાત્રીના મિત્રએ છરીના ઘા ઝીંકી મિત્રની હત્યા કરી


– બન્ને મિત્ર વચ્ચે બોલાચાલી થતા આવેશમાં આવી શખ્સે જીવલેણ હુમલો કર્યો

– કુંભારવાડાના માઢીયા રોડ પર ઘટી રક્તરંજીત ઘટના, લોકોના ટોળે ટોળા ઉમટી પડયા : મસમોટો પોલીસ કાફલો સ્થળ પર  દોડી ગયો

ભાવનગર : ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારના માઢીયા રોડ પર ગત મોડી રાત્રીના અરસા દરમિયાન બે મિત્ર વચ્ચે બોલાચાલી થતા એક મિત્રએ ઉશ્કેરાઇ મિત્ર ઉપર જીવલેણ હુમલો કરી છરીના ઘા ઝીંકી દઇ કરપીણ હત્યા કરી નાખતા ભારે અરેરાટી મચી જવા પામી હતી અને લોકોના ટોળેટોળા ઉમટી પડયા હતાં. ઘટનાની જાણ થતા પોલીસ કાફલો દોડી ગયો હતો.

બનાવની જાણવા મળતી વિગતો અનુસાર ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં આવેલ માઢીયા રોડ, શેરી નં.૧૫, રામાપીરવાળા ખાંચામાં રહેતા સુરેશભાઇ કાવાભાઇ ગોહેલે બોરતળાવ પોલીસ મથકમાં નીતીન ઉર્ફે લબક મકવાણા (રે.બાનુબેનની વાડી, કુંભારવાડા) વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે, તેઓનો દિકરો સાહિલભાઇ ઉર્ફે ઉધડો અને તેનો મિત્ર નીતીન ઉર્ફે લબક બંને ગત મોડી રાત્રિના ૧૨.૪૫ કલાકના અરસા દરમિયાન કુંભારવાડા વિસ્તારના માઢીયા રોડ, શેરી નં.૭ પાસે આવેલ મેલડીમાંના વંડા નજીક બેઠા હતા તે વેળાએ બંને વચ્ચે કોઇ કારણસર બોલાચાલી થતા નીતીન ઉર્ફે લબકે એકદમ ઉશ્કેરાઇ જઇ સાહિલ ઉપર જીવલેણ હુમલો કરી તેના કબ્જામાં રહેલ છરીના આડેધડ ઘા ઝીંકી દઇ ગંભીર ઇજા પહોંચાડતા સાહિલને ઇજાગ્રસ્ત હાલતે અત્રેની સર ટી. હોસ્પિટલ ખસેડવામાં આવતા ફરજ પરના તબીબે તપાસી મૃત જાહેર કર્યો હતો.

ઉક્ત રક્તરંજીત ઘટનાને લઇ કુંભારવાડામાં લોકોના ટોળેટોળા ઉમટી પડયા હતા અને ભારે અરેરાટી છવાઇ જવા પામી હતી. દરમિયાન બનાવની જાણ થતા બોરતળાવ પોલીસ મથકનો કાફલો ઘટના સ્થળ પર ધસી ગયો હતો અને છાનબીન હાથ ધરી હતી. ઉક્ત ફરિયાદ અનુસંધાને પોલીસે નીતીન ઉર્ફે લબક મકવાણા વિરૂદ્ધ આઇપીસી ૩૦૨, ૩૨૪, જીપીએક્ટ ૧૩૫ મુજબ ગુનો દાખલ કરી ધોરણસર કાર્યવાહી હાથ ધરી હતી.



Source link

Leave a Comment