જાણો ભગવતી બહુચરની પ્રાગટ્ય ગાથા, ધાડપાડુથી જીવ બચાવવા જાતે જ સ્તન કાપી નાંખ્યા


બેચરાજીઃ આજે વાત કરવી છે ભગવતી બહુચર માતાના પ્રાગટ્ય વિશે. બહુચર માતા, બહુચરાજી કે બેચર મા હિંદુ દેવી છે, જેમની આરાધના ખાસ કરીને ગુજરાતીઓ કરતા હોય છે.

ચૈત્ર સુદ પૂનમ પ્રાગટ્ય દિવસ

બહુચર માના પ્રાગટ્ય વિશે અનેક લોકકથાઓ મળે છે. એક લોકવાયકા પ્રમાણે ગુજરાતના હળવદ તાલુકામાં આવેલા સાપકડા ગામમાં દેવલ આઈ અને બાપલ દેથા નામના ચારણને ઘરે ચાર દેવી બુટભવાની, બલાડ, બહુચર અને બાલવીનો વિક્રમ સંવત 1451, ઈસવીસન 1395, શક સંવત 1317, અષાઢ સુદ બીજના દિવસે જન્મ થયો હતો અને તેમના પ્રાગટ્ય દિવસ તરીકે ચૈત્ર સુદ પૂનમને ઉજવવામાં આવે છે.

બહુચર માતાના કાફલા પર ધાડપાડુનો હુમલો

એક વાર બહુચર માતાજી તેમની બહેન સાથે વણજાર સાથે જતા હતા. ત્યારે બાપીયા નામક ધાડપાડુએ તેમના કાફલા પર હુમલો કર્યો હતો. ચારણોની સામાન્ય પરંપરા પ્રમાણે જ્યારે કોઈ શક્તિશાળી શત્રુનો સામનો કરવાનો હોય ત્યારે અંતિમ પગલાં તરીકે તેઓ દુશ્મનને શરણે જવાને બદલે જાતે જ પોતાનો જીવ લઈ લે છે, જેને ‘ત્રાગું’ કહેવાય છે.

માતાજીએ સ્તન કાપી બાપીયાને શાપિત કર્યો

ચારણનું લોહી છંટાવું તેને ઘોર પાપ માનવામાં આવે છે. અહીં પણ ધાડપાડુઓને શરણે થવાને બદલે બહુચર માતા અને તેમની બહેને ત્રાગું કર્યું અને પોતાનાં સ્તન જાતે જ વાઢી નાખ્યાં. લોકવાયકા એમ કહે છે કે, આ કારણથી ધાડપાડુ બાપીયો શાપિત થયો અને નપુંસક (નામર્દ) બની ગયો હતો. જ્યારે બાપીયાએ સ્ત્રીઓનાં વસ્ત્ર-આભૂષણો ધારણ કરી બહુચર માતાની આરાધના કરી હતી. ત્યારે માતાજી પ્રગટ થયા હતા અને તેને શાપમાંથી મુક્ત થયો હતો. હાલમાં ભારતમાં કિન્નર જાતિના લોકો ઘણા ભાવપૂર્વક બહુચર માતાની ભક્તિ કરે છે, તેમને પોતાના આરાધ્ય દેવી માને છે.

આ પણ વાંચોઃ રાજાએ મહાકાળીનો પાલવ પકડ્યોને ભવાનીએ ગુસ્સે થઈ શ્રાપ આપ્યો કે…

દરેક પૂનમે અહીં મેળાનું આયોજન થાય છે

અહીંયા દરેક પૂનમે મેળો ભરાય છે. દરેક પૂનમે રાત્રે 9.30 વાગ્યે માતાજીની સવારી ચાંદીની પાલખીમાં નીકળે છે અને ચૈત્રી પૂનમ તથા આસો પૂનમ એટલે કે શરદ પૂનમના દિવસે રાત્રે પાલખી બહુચર માતાના નિજ મંદિરેથી નીકળીને બહુચરાજીથી આશરે 3 કિલોમીટર દૂર આવેલા શંખલપુર ગામે જાય છે, જે માતાજીનું પ્રાગટ્ય સ્થાન માનવામાં આવે છે. અહીં માતાજીની પાલખીને આખા શંખલપુર ગામમાં ફેરવવામાં આવે છે અને મોડી રાત્રે માતાજી નિજ મંદિર બહુચરાજીમાં પરત આવે છે. માતાજીની આ પાલખી જોવા અનેક શ્રદ્ધાળુઓ દૂરદૂરથી આવે છે.

આ પણ વાંચોઃ આ ગામના બ્રાહ્મણોને શ્રીરામે આપ્યો હતો શ્રાપ

માતાજીને દશેરાએ નવલખો હાર પહેરાવાય છે

ઘણાં લોકોના બાળકોને કોઈ ખામી હોય જેમ કે, બહેરાશ હોય, તોતડું બોલતા હોય વગેરે તે પોતાના બાળકો ઝડપથી સારા થઈ જાય તે માટે માતાજીની માનતા માને છે અને તે માનતા પૂર્ણ થયા બાદ અહીંયા શરીરનું તે અંગ ચાંદીમાં બનાવીને માતાજીને ચઢાવે છે. આ ઉપરાંત નવરાત્રિ દરમિયાન ખૂબ જ મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડે છે. દશેરાના દિવસે સવારે માતાજીની પાલખી નીકળે છે. માતાજી નિજ મંદિરેથી નીકળીને બહુચરાજી પાસે આવેલ સમીવૃક્ષ પાસે લઈ જવામાં આવે છે. ત્યાં માતાજીના શસ્ત્રોની પૂજા કરવામાં આવે છે. આ દિવસે માતાજીને ગાયકવાડ રાજાએ ચઢાવેલો નવલખો હાર પહેરાવવામાં આવે છે.

આ મંદિર મોઢેરાથી પંદર કિલોમીટરને અંતરે આવેલું છે. ત્યારબાદ જૂનુ શંખલપુર પણ અહીંથી પાંચ કિલોમીટરને અંતરે આવેલું છે. આ મંદિર ખૂબ જ જૂનું હોવાને લીધે કેટલાયે ગરબા, ગીતો અને ભજનો લખાયા છે.

Published by:Vivek Chudasma

First published:

Tags: Bahucharaji, Dharm Bhakti, Dharm bhakti newsSource link

Leave a Comment