શું કહ્યું જયરાજસિંહ જાડેજાએ કડવા પટેલ સમાજની બેઠકમાં?
જયરાજસિંહ જાડેજાએ બળાપો કાઢતા કહ્યું હતું કે, રાજકારણમાં કાયમી કોઈ પોતાનું શત્રુ કે મિત્ર હોતો નથી. પરંતુ વ્યક્તિને ખબર હોવી જોઈએ કે કોની સાથે બેસવું યોગ્ય છે અને કોની સાથે બેસવું અયોગ્ય છે. અત્યારથી ગોંડલમાં પ્લાનિંગ શરૂ થઈ ગયું છે. જેમાં માર્કેટિંગ યાર્ડના ચેરમેન કોણ? નગરપાલિકાના પ્રમુખ કોણ? તાલુકા પંચાયતની કમાન કોને સોપીશું, નાગરિક બેંક કોને દઈશું, તેવી બધી વાત મને મળી રહી છે. અનિરુદ્ધસિંહ જાડેજાના સુપુત્ર રાજદિપસિંહ અત્યારથી જ ધારાસભ્ય બની ગયા છે. અનિરુદ્ધસિંહ એવું કહી રહ્યા છે કે, યાર્ડનું રક્ષણ હું કરીશ. પરંતુ મારે કહેવું છે કે દૂધની ભલામણ પણ કરવી અને મીંદડી સાથે મિત્રતા પણ કરવી! તમારો લોકર રૂમ હોય તો તેને સ્ટ્રોંગ રાખવો પડે લોકર રૂમના દરવાજાની બહાર ગનમેનને પણ ઉભો રાખવો પડે. રીબડાની અંદર જમીન કેવી રીતે વહેંચાઈ છે. ખરીદાઈ છે. તે બાબતે બધાને ખબર છે. ઉલ્લેખનીય છે કે, કડવા પાટીદાર સમાજના પ્રમુખ પદેથી જયંતીભાઈ ઢોલની હકાલપટ્ટી કરી તેમના સ્થાને નવા પ્રમુખ કિશોરભાઈની વરણી કરવામાં આવી છે.
શા માટે જયરાજસિંહ થયા આકરા પાણીએ?
તાજેતરમાં જ યુદ્ધ એ જ કલ્યાણ ગ્રુપ દ્વારા સેવા સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જે સેવા સન્માન સમારોહમાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહની બાદબાકી કરવામાં આવી હતી. તેમજ વર્તમાન ધારાસભ્ય ગીતાબા જાડેજાની પણ બાદબાકી કરવામાં આવી હતી. તેમજ આ સન્માન સમારોહમાં જયંતીભાઈ ઢોલ, અનિરુદ્ધ સિંહ જાડેજા, નરેશ પટેલ, અલ્પેશ કથીરિયા સહિતના હાજર રહ્યા હતા. ત્યારે યુદ્ધ એ જ કલ્યાણ ગ્રુપ દ્વારા સેવા સન્માનનો કાર્યક્રમ યોજાયો હતો. તે અંતર્ગત વાતચીત કરતા જયરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, સમાજ માટે સારા કામ કરે તેનું સન્માન થવું જ જોઈએ. પરંતુ વેકરીવાળા બડુભાનું સન્માન શા માટે થયું તે મને સમજાયું નથી. યુદ્ધ એ જ કલ્યાણ ગ્રુપના કાર્યક્રમમાં અલ્પેશ કથીરિયાએ નિવેદન આપતા જણાવ્યું હતું કે, નિખિલ દોંગા પર ખોટી રીતે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. નિખિલ દોંગાને બહાર લઈ આવવા માટે તન મન ધનથી પાટીદાર સમાજ પ્રયત્ન કરી રહ્યો છે. નિખિલ સાથે અન્યાય થઈ રહ્યો છે જે ક્યારેય પણ સાખી લેવામાં નહીં આવે.
આ પણ વાંચો: અમદાવાદ: ‘સ્પેશિયલ 26’ ફિલ્મ જેવો કિસ્સો, દિલ્હીની ગેંગે મહિલાના 89 લાખ પડાવ્યા!
યુદ્ધ એ જ કલ્યાણ ગ્રુપનો ફાઉન્ડર છે નિખિલ દોંગા
યુદ્ધ એ જ કલ્યાણ ગ્રુપનો ફાઉન્ડર નિખિલ દોંગા હાલ ગુજસીટોકના ગુના હેઠળ જેલમાં છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, વર્ષ 2017ની ચૂંટણીમાં નિખિલ દોંગાએ જયરાજસિંહ જાડેજા માટે કામ કર્યું હતું. પરંતુ કાળક્રમે બંને વચ્ચે ગેરસમજણ ઊભી થઈ હતી. ત્યાર બાદ નિખિલ દોંગા અને તેનો ગ્રુપ સતત એવું માની રહ્યું છે કે, તેના અને તેના ગ્રુપ વિરુદ્ધ જે કંઈ પણ પોલીસ ફરિયાદથી માંડી જે કંઈ પણ બનાવો બન્યા છે તે રાજકીય ઈશારે બન્યા છે. બીજી તરફ ચૂંટણી પૂર્વે જો નિખિલ દોંગા કાયદાકીય લડત લડી બહાર આવે તો ચૂંટણીમાં ચોક્કસ તે અને તેનું ગ્રુપ જયરાજસિંહ જાડેજાની સામેના ઉમેદવારને મદદ કરી શકે. કારણ કે ગોંડલ વિધાનસભામાં લેઉવા પાટીદાર મતદાતાઓનું પ્રભુત્વ રહેલું છે. તાજેતરમાં જ સેવા સન્માન સમારોહના અંતે નરેશ પટેલે કહ્યું હતું કે, ગોંડલ વિધાનસભાની ટિકિટ પાટીદાર માટે માંગવાનો અમારો કોઈ ઉદ્દેશ્ય નથી. પરંતુ અંદરખાને સૌ કોઈ જાણે છે કે આ સીટ ઉપર પાટીદારો પોતાનો વ્યક્તિ વર્ષોથી ઈચ્છી રહ્યા છે. પરંતુ સંજોગો વસાત પાટીદારોની મુરાદ અહીં પૂરી નથી થઈ રહી. એક વાત એવી પણ ચર્ચા રહી છે કે ચૂંટણી પૂર્વે નિખિલ દોંગા કાયદાકીય લડત લડી બહાર આવી શકે તેમ છે. ત્યારે જો તે બહાર આવે તો સમજવું કે શાસક પક્ષ ઈચ્છી રહ્યો છે કે, નિખિલ બહાર આવે. નિખિલ માટે છેલ્લા ઘણા સમયથી ખોડલધામ નરેશ પટેલ પણ પ્રયત્નશીલ હોવાનું જાણવા મળી રહ્યું છે. જે બાબતે તેઓ શાસક પક્ષના નેતાઓને રજૂઆત પણ કરી ચૂક્યા છે.
ગોંડલની સીટના લેખાજોખા
ગોંડલ વિધાનસભાની સીટ ઉપર સૌથી વધુ લેઉવા પાટીદાર મતદાતાઓ પ્રભુત્વ ધરાવે છે. જ્યારે કે આ સીટ ઉપર ક્ષત્રિય મતદાતાઓની વાત કરવામાં આવે તો તેમની સંખ્યા 12,000 કરતાં પણ ઓછી છે. આવી સ્થિતિમાં છેલ્લા કેટલાય સમયથી ભારતીય જનતા પાર્ટી ક્ષત્રિય ઉમેદવારને ઉભા રાખે છે અને જે જીતી પણ જાય છે. વર્ષ 1998ની ચૂંટણીમાં પ્રથમ વખત રીબડાના મહિપતસિંહ જાડેજાને જયરાજસિંહ જાડેજાએ હરાવ્યા હતા. વર્ષ 2002ની ચૂંટણીમાં જયરાજસિંહ જાડેજાનો વધુ એક વખત વિજય થયો હતો. 2007ની ચૂંટણીમાં પાટીદાર નેતા ચંદુભાઈ વઘાસીયાએ જયરાજસિંહ જાડેજાને હરાવ્યા હતા. વર્ષ 2012ની ચૂંટણીમાં જયરાજસિંહ જાડેજા ફરી એક વખત ધારાસભ્ય બન્યા હતા. આ સમયે તેમણે ગુજરાતના પૂર્વ ગૃહમંત્રી ગુજરાત પરિવર્તન પાર્ટીના ઉમેદવાર ગોરધન ઝડફિયાને હરાવ્યા હતા. વર્ષ 2017માં જયરાજસિંહ જાડેજાની જગ્યાએ તેમના પત્ની ગીતાબા જાડેજા લડ્યા હતા અને જીત્યા પણ હતા.
પુત્ર રત્ન માટે સીટનો મોહ!
ભારતીય જનતા પાર્ટી ભલે એવા દાવાઓ કરી રહી હોય કે, તેમની પાર્ટીમાં પરિવારવાદ નથી ચાલતો. તેમ છતાં ઘણીવાર એક જ પરિવારના વ્યક્તિઓને ટિકિટ તેમજ હોદ્દાઓ મળ્યા હોવાનું સામે આવ્યું છે. જયરાજસિંહ જાડેજા બાદ તેમના ધર્મ પત્ની ગીતાબા જાડેજાને ટિકિટ મળી હતી. આજે તેઓ ગોંડલના ધારાસભ્ય તરીકે યથાવત છે. ત્યારે આગામી સમયમાં પોતાને નહીં તો પોતાના પુત્રને ટિકિટ મળે તે બાબતે પણ તેઓ પ્રયત્નશીલ હોવાની માહિતી મળી છે. કારણ કે તાજેતરમાં જ લોકાર્પણના કાર્યક્રમમાં જયરાજસિંહ જાડેજા કે ગીતાબા જાડેજા સ્ટેજ પર હાજર નહોતા. પરંતુ સાંસદ રમેશ ધડુક સાથે જયરાજસિંહ જાડેજા ના પુત્ર ગણેશ હાજર રહ્યા હતા. પોતાનો પુત્ર ચૂંટણી લડી શકે તે માટે ઉંમરમાં પણ ફેરફાર કરાવ્યો હોવાની ઘટના પણ અગાઉ પ્રકાશમાં આવી ચૂકી છે. જે મામલે કોંગ્રેસના નેતાઓએ વિરોધ પણ નોંધાવ્યો છે. જે રીતે જયરાજસિંહ જાડેજાએ કડવા પાટીદાર સમાજની બેઠકમાં જણાવ્યું કે, અનિરુદ્ધ ભાઈના સુપુત્ર રાજદીપસિંહ જાડેજા અત્યારથી જ ધારાસભ્ય છે. તો બીજી તરફ જયરાજસિંહ પોતે પણ પોતાના પુત્રની રાજકીય કારકિર્દી બનાવવા માટે ઈચ્છુક હોય તેવું જાણવા મળી રહ્યું છે. આમ અનિરુદ્ધસિંહ અને જયરાજસિંહ બંને પોતાના પુત્રની રાજકીય કારકિર્દી બનાવવા માટે મથામણ કરી રહ્યા હોવાનું ચર્ચાઈ રહ્યું છે. પરંતુ રાજકીય સૂત્રોનું માનીએ તો આગામી ચૂંટણીમાં ગોંડલ વિધાનસભા સીટ ઉપર ગણેશ તેમજ રાજદીપસિંહને ટિકિટ મળી શકે તેવા કોઈ ઉજળા સંજોગો દેખાઈ રહ્યા નથી. આ વાત ખુદ રીબડા ગ્રુપને પણ ખબર છે. પરંતુ આજે વાવેતર કરે તો આગામી પાંચથી દસ વર્ષ બાદ તેના ફળ ચાખી શકાય તે માટે ચળવળ શરૂ કરી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. અગાઉની ચૂંટણીમાં પણ ચૂંટણી પૂર્વે રીબડા અનિરુદ્ધસિંહ જાડેજાનું ગ્રુપ અને જયરાજસિંહ જાડેજાનું ગ્રુપ આમને સામને આવી ગયું હતું. પરંતુ આખરે ચૂંટણી નજીક આવતા ઘીના ઠામમાંથી પડતું નજરે પડે છે. તેની સાબિતી ભૂણાંવા ગામડા તેમજ રીબડાના ગામડામાંથી મળતી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને લીડ છે. જ્યારે આ વખતે ઘીના ઠામમાં ઘી પડે છે કે કેમ તે પણ જોવું અતિ મહત્વનું બની રહેશે. બંને ગ્રુપ વચ્ચે સમાધાન થાય તે માટે રાજ્યના પૂર્વ કેબિનેટ કક્ષાના મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા પણ મહેનત કરી ગયા હોવાનું રાજકીય સૂત્રો જણાવી રહ્યા છે. જોકે, ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની મધ્યસ્થી કારગત ન નીવડી હોવાનું પણ જાણવા મળ્યું છે.
કડવા પાટીદાર સમાજની બેઠક બાદ આગામી સમયમાં જયરાજસિંહ જાડેજા ગ્રુપના લેઉવા પાટીદાર સમાજના આગેવાનો પણ પોતાના સમાજની બેઠક બોલાવશે. જે બેઠકમાં જયરાજસિંહ જાડેજા પણ હાજરી આપશે. કારણ કે ચૂંટણી પૂર્વે તમામ સમાજને પોતાના તરફથી કરવા ઉમેદવાર માટે જરૂરી બની જતું હોય છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Gujarat Assembly Election 2022, Gujarat Politics, Rajkot News