અભિનેતા વિક્રમ ગોખલેની હજુ સ્થિતિ નાજુક, પત્નીએ મોતના સમાચારોને ગણાવ્યા ખોટા


– છેલ્લા કેટલાક દિવસથી નાદુરસ્ત તબિયતના કારણે તેઓ પુણેની દિનાનાથ મંગેશકર હોસ્પિટલમાં સારવાર હેઠળ છે

મુંબઈ, તા. 24 નવેમ્બર 2022, ગુરૂવાર

બોલીવુડના દિગ્ગજ અભિનેતાઓમાં જેમની ગણતરી થાય છે તેવા વિક્રમ ગોખલેની સ્થિતિ હજુ નાજુક છે. છેલ્લા કેટલાક દિવસથી નાદુરસ્ત તબિયતના કારણે તેઓ પુણેની દિનાનાથ મંગેશકર હૉસ્પિટલમાં સારવાર હેઠળ છે. તેઓ ડૉક્ટરોની દેખરેખ હેઠળ છે. ગઈ કાલે મોડી સાંજે લાઈફ સપોર્ટ કાઢી લેવાની વાત પણ વહેતી થઈ હતી. દિગ્ગજ અભિનેતા વિક્રમ ગોખલે વિશે ગઈકાલે રાતથી એવા સમાચાર વહેતા થયા હતા કે, તેમણે 77 વર્ષની વયે દુનિયાને અલવિદા કહી દીધું છે. પરંતુ તેમની પત્નીએ આ સમાચારને ખોટા ઠેરવ્યા છે.  થોડા સમય પહેલા જ દિગ્ગજ અભિનેતાના પત્ની અને પુત્રીનું નિવેદન સામે આવ્યું છે કે, તેઓ જીવિત છે અને તેમની હાલત નાજુક છે. આ સમાચાર આવતા જ સિનેમા જગતના લોકોએ અને વિક્રમના પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો છે.

જણાવી દઈએ કે, ગત રાતથી સોશિયલ મીડિયા પર સેલેબ્સથી લઈને ફેન્સ વિક્રમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા હતા અને તેમને યાદ કરી રહ્યા હતા. નવાઝુદ્દીન સિદ્દીકી, રિતેશ દેશમુખ, અલી ગોની, અજય દેવગન, મધુર ભંડારકર સહિત ઘણા સ્ટાર્સે વિક્રમને શ્રદ્ધાંજલિ આપી હતી. પરંતુ તેમની પત્ની અને પુત્રીએ એ સમાચાર આપ્યા છે કે, તેઓ જીવિત છે. 

વિક્રમ ગોખલેનો જન્મ 30 ઓક્ટોબર 1947ના રોજ પુણેમાં થયો હતો. તેમના પરદાદી હિન્દી સિનેમાના પ્રથમ ભારતીય કલાકાર હતા જ્યારે તેમના દાદી હિન્દી સિનેમાના પ્રથમ બાળ કલાકાર હતા. વર્ષ 1913માં તેમની દાદી-પરદાદીએ ફિલ્મ મોહિની ભસ્માસુરમાં અભિનય કર્યો હતો. આ ફિલ્મનું દિગ્દર્શન ભારતીય સિનેમાના પિતામહ દાદાસાહેબ ફાળકેએ કર્યું હતું. તેમના પિતા ચંદ્રકાંત ગોખલે મરાઠી પીઢ અભિનેતા અને સ્ટેજ કલાકાર હતા. વિક્રમ ગોખલેએ લગભગ 70 હિન્દી-મરાઠી ફિલ્મોમાં કામ કર્યુ છે.Source link

Leave a Comment