અભિનેત્રી તબ્બુ અજય દેવગણ સાથેની આગામી ફિલ્મ ‘ભોલા’ને કારણે ચર્ચામાં છે. ફિલ્મનું શૂટિંગ શરૂ થઈ ગયું છે. આ દરમિયાન તબ્બુએ દિવંગત અભિનેતા ઈરફાન ખાન સાથે કામ કરવા અંગેની પોતાની લાગણી શેર કરી અને જણાવ્યું કે, દિવંગત અભિનેતા સાથે કામ કર્યા બાદ તે ઘણી બદલાઈ ગઈ છે. તબ્બુએ કહ્યું કે, ઇરફાને જ તેણીને તેના પાત્રો અને પોતાની જાત પ્રત્યે પ્રમાણિક રહેવાનું શીખવ્યું હતું. અભિનેત્રીએ એ પણ સ્વીકાર્યું હતું કે તેણે સ્ક્રીન પર ઇરફાન સાથે જે પણ શેર કર્યું છે તે કદાચ તે અન્ય કોઈ સાથે શેર નહીં કરે.
તમને જણાવી દઈએ કે, તબ્બુએ ઈરફાન ખાન સાથે ‘મકબૂલ’ અને ‘ધ નેમસેક’માં કામ કર્યું હતું. આ બંને ફિલ્મો દર્શકોને ખૂબ પસંદ આવી હતી. આ સાથે જ ફિલ્મમાં બંનેની કેમેસ્ટ્રી લોકોને પસંદ આવી હતી. બંને સ્ટાર્સે પોતાની શાનદાર એક્ટિંગથી લોકોને પોતાના ફેન બનાવી દીધા હતા.
ઈરફાન ખાનને કર્યા યાદ
ઈરફાન ખાન વિશે વાત કરતાં, તેણે ફિલ્મ કમ્પેનિયનને કહ્યું, “તેણે મને ખૂબ પ્રભાવિત કરી છે અને તેની સાથે કામ કર્યા પછી હું ઘણી બદલાઈ ગઈ છું. તે એ લોકો જેવા જ છે જેઓ તમારા જીવનમાં આવે છે અને તમારા જીવનને ફરીથી વ્યાખ્યાયિત કરે છે અને તમને અલગ રીતે જુએ છે. હું મારા પાત્રો અને મારી જાત પ્રત્યે સંપૂર્ણ રીતે સાચી રહેવાનું શીખી અને મારા કામમાં પ્રયાસ કર્યો.”
બોલિવૂડની સાથે સાથે હોલીવુડમાં પણ સક્રિય
તમને જણાવી દઈએ કે, 29 એપ્રિલ 2020 ના રોજ જ્યારે ઈરફાન ખાને આ દુનિયા છોડી દીધી ત્યારે ચાહકોની સાથે બોલિવૂડને પણ ખૂબ જ આઘાત લાગ્યો હતો. કારણ કે આ ઈન્ડસ્ટ્રીએ એક તેજસ્વી સિત્તારો ગુમાવ્યો હતો. ઈરફાન ખાન કેન્સરથી પીડિત હતો. ઈરફાન ખાને પોતાના કરિયરમાં અનેક યાદગાર ફિલ્મોમાં કામ કર્યું છે. બોલિવૂડની સાથે ઈરફાન હોલીવુડમાં પણ સક્રિય હતા. તે ‘સ્પાઈડર મેન’, ‘જુરાસિક વર્લ્ડ’ અને ‘ઈન્ફર્નો’ જેવી ફિલ્મોમાં પણ કામ કર્યું હતું.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર