- આઇબીએના રશિયન પ્રમુખે ઓલિમ્પિક કમિટિના સૂચનને ફગાવ્યું
- યુક્રેનનું ફેડરેશન સસ્પેન્ડ : બોક્સરોને તક મળશે
મોસ્કો, તા. ૫
એમેચ્યોર
બોક્સિંગની સર્વોચ્ચ સંસ્થા આંતરરાષ્ટ્રીય બોક્સિંગ એસોસિએશનને (આઇબીએ) રશિયા અને
બેલારૃસ પરનો પ્રતિબંધ પાછો ખેંચવાનો નિર્ણય લીધો છે. આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક
કમિટિએ યુક્રેન પર હુમલો કરનારા રશિયા અને બેલારૃસ પર પ્રતિબંધ મૂકવા માટે તમામ
રમતની સર્વોચ્ચ સંસ્થાઓને જણાવ્યું છે. જોકે આઇબીએ ઓલિમ્પિક કમિટિના સૂચનને ફગાવી
દીધું છે.
હવે
આંતરરાષ્ટ્રીય બોક્સિંગ એસોસિએશનની ટુર્નામેન્ટ્સમાં રશિયા અને બેલારૃસના ખેલાડીઓ
તેમના દેશના રાષ્ટ્રધ્વજ અને રાષ્ટ્રગીત સાથે ભાગ લઈ શકે. જ્યારે આઇબીએ દ્વારા
યુક્રેનને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું છે. જોકે તેના ખેલાડીઓને તેમના દેશના
રાષ્ટ્રધ્વજ કે રાષ્ટ્રગીત વિના સ્પર્ધામાં ભાગ લેવાની છુટ આપી છે.
નોંધપાત્ર
છે કે, આઇબીએના
પ્રમુખ તરીકે રશિયાના ઉમર ક્રેમ્લેવ જવાબદારી સંભાળી રહ્યા છે. જ્યારે તેમના મુખ્ય
પ્રાયોજક તરીકે રશિયન સરકારની માલિકીની ગાઝપ્રોમ નામની ગેસ કંપની છે.
આઇબીએ
દ્વારા શરૃઆતમાં તો આઇઓસી (આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક કમિટિ)ના દિશાનિર્દેશ અનુસાર
રશિયા અને બેલારૃસ પર પ્રતિબંધ મૂકવાની જાહેરાત કરવામાં આવી હતી. જે પછી અચાનક જ
તેણે યુ ટર્ન લીધો હતો અને રશિયા-બેેલારુસ પરનો પ્રતિબંધ દૂર કર્યો હતો અને
યુક્રેનને બૅન કરી દીધું હતુ.