આરટીઓ કચેરીમાં એકાએક રામ રાજ્ય : કેટલુ ટકશે તે રામ જાણે


– વોટ્સએપ પર એપ્લીકેશન નંબરના આધારે સેટીંગ થતુ હતું

– સેટીંગના ભાવ વધારવા બાબતે આંતરીક વિખવાદ : છાના ખુણે ચાલતું સેટીંગ અઠવાડીયાથી બંધ

ભાવનગર : ભાવનગર આરટીઓ કચેરીમાં લાયસન્સ મેળવવા અરજદારોને ધરાર વચેટીયાનો આશરો લેવો પડે તેવી સ્થિતિ સર્જાઇ છે. જ્યારે સેટીંગ અંગે સ્થાનિક અધિકારી કડક થવા છતાં છાના ખુણે આ કાર્યવાહી વોટ્સએપના માધ્યમથી ચાલતી હતી પરંતુ ચર્ચાયા મુજબ સેટીંગના ભાવ વધારવાના મુદ્દે આંતરીક વિવાદ સર્જાતા હાલ આ સેટીંગ પણ બંધ થયું છે અને જાણે કચેરીમાં રામનો (સત્ય)નો વાસ થયો છે જે ક્યા સુધી ટકે છે તે જોવું રહ્યું.

એકવાર ઉપરની મલાઇ મેળવેલ વ્યક્તિની લાલચ તેનો પીછો છોડતું નથી. આરટીઓ કચેરીમાં ચાલતા લાયસન્સના સેટીંગ અંગે અવાર નવાર ફરિયાદો ઉઠતી રહી છે અને આજ મુદ્દે અધિકારી દ્વારા પણ કડક સુચના અપાઇ હતી અને લેખીતમાં પણ તમામ સહ કર્મચારીને જણાવાયું હતું તેમ છતાં ચોક્કસ અધિકારીઓ દ્વારા છાના ખુણે સેટીંગનો ખેલ પાડી દેતા હતા. જ્યારે દિવાળી પર્વે પણ એક અધિકારી દ્વારા અગાઉના, હાલના અને આવનારા કેસોની એપોઇમેન્ટ એન્ટ્રી આધારે સવાંગ વહીવટ કર્યાની પણ ચર્ચા વ્યાપક જાગી હતી. આમ અનેક સમજાવટ બાદ પણ જે ગેરરીતિ બંધ નહોતી થતી તે સેટીંગના ભાવ વધારાના મુદ્દે એક જ ઝાટકે છેલ્લા એક સપ્તાહથી સદંતર બંધ થઇ જવા પામી છે. આનુ નામ “કીધે કુંભાર ગધેડે ન ચડે’ જે થયુ છે તેની લાંબા સમયથી માંગણી છે અને આ સાતત્ય જાળવી રાખવાથી સમાજનું અને રાહદારીઓનું ચોક્કસ ભલુ થશે. સાથોસાથ રોડ સેફ્ટીનો ખરા અર્થમાં કાર્યવાહી સાર્થક બની ગણાશે. પરંતુ અગાઉ કીધુ તે પ્રમાણે ઉપરની મલાઇ ચાવી ગયેલને ક્યારે ફરી ચટાકો જાગે તે કહેવું મુશ્કેલ છે.Source link

Leave a Comment