કોંગ્રેસના શાસનમાં ગુજરાતની ખરાબ દશા હતી : વડાપ્રધાન


- ભાવનગર જિલ્લાની 3 બેઠકના ભાજપના ઉમેદવારો માટે વડાપ્રધાન મોદીએ સભા સંબોધી

- વડાપ્રધાને પાણી, વીજળી, રોજગાર, આવાસ યોજના, આયુષ્યમાન યોજના સહિતના કામોની વાતો કરી

ભાવનગર : કોંગ્રેસના શાસનમાં ગુજરાતની ખરાબ દશા હતી અને પાણીની ખુબ જ સમસ્યા હતી તેમ આજે બુધવારે ભાવનગરમાં ચૂંટણીની જાહેરસભા સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યુ હતું. વડાપ્રધાને ભાજપના શાસનમાં થયેલા વિકાસની વાતો કરી હતી અને કોંગ્રેસની ટીકા કરી હતી. વડાપ્રધાન મોડા આવતા લોકો અકળાયા હતા અને ઘણા લોકો સભામાંથી જતા રહ્યા હતાં.

ભાવનગર શહેરના ચિત્રા માર્કેટીંગ યાર્ડ સામે આવેલ સ્વામિનારાયણ મંદિરની પાછળના મેદાન ખાતે આજે બુધવારે સાંજે પ.૩૦ કલાકે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જાહેરસભા હતી. ભાવનગર પૂર્વ, પશ્ચિમ અને ગ્રામ્ય બેઠકના ઉમેદવારના સમર્થનમાં સભાનુ આયોજન કરવામાં આવ્યુ હતું. વડાપ્રધાન રાત્રીના ૮ કલાકે ભાવનગર આવ્યા હતા અને તેઓએ સભા સંબોધતા જણાવ્યુ હતુ કે, કોંગ્રેસના શાસનમાં કેવી દશા હતી તે જુની પેઢીના લોકો જાણે છે. પાણીની સમસ્યા ખુબ જ હતી. ખરાબ પાણીના કારણે લોકોના હાડકા વાંકા વળી જતા, દાંત ખરાબ થઈ જતા, બિમારી થતી હતી. ભાજપ સરકારે પાણીની મૂશ્કેલી દુર કરી અને સૌની યોજના થકી પાણી પહોંચાડયુ છે. વિકસીત ગુજરાત કરીને રહેવુ છે. દુનીયામાં ગુજરાતનો ડંકો વાગવો જોઈએ. કમળનુ બટન દબાવો વિકસીત ગુજરાતની ગેરેન્ટી હુ આપુ છુ તેમ વડાપ્રધાને જણાવ્યુ હતું.

વડાપ્રધાને પાણી, વીજળી, રોજગાર, આવાસ યોજના, આયુષ્યમાન યોજના, માછીમારો સહિતના વિકાસની વાતો કરી હતી. કોંગ્રેસના શાસનમાં માછીમારોની પરવા ના હતી. દરિયા કાંઠાનો વિકાસ પણ થયો ના હતો. આ કામ ભાજપે કર્યુ છે. ગુજરાતમાં વધુ મતદાન થાય અને તમામ જુના રેકોર્ડ તૂટી જવા જોઈએ તેમ વડાપ્રધાને લોકોને અનુરોધ કરતા જણાવ્યુ હતું. વડાપ્રધાન અઢી કલાક મોડા આવતા સભામાં આવેલ લોકોમાં કચવાટ ફેલાયો હતો અને ઘણા લોકો કંટાળીને જતા રહ્યા હતાં. વડાપ્રધાનની સુરક્ષાને લઈ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.



Source link

Leave a Comment