- અશોક ગેહલોતના કહેવા પ્રમાણે રાહુલ ગાંધી કોંગ્રેસ અધ્યક્ષ તરીકે ભારત જોડો યાત્રા કરશે તો પાર્ટી માટે એક અલગ માહોલ બનશે
નવી દિલ્હી, તા. 22 સપ્ટેમ્બર, 2022, ગુરૂવાર
કોંગ્રેસમાં અધ્યક્ષ પદ માટેની ખેંચતાણ વધુ રસાકસીભરી બની રહી છે. પાર્ટીના દિગ્ગજ નેતા દિગ્વિજય સિંહે પણ હવે પાર્ટી અધ્યક્ષ પદની રેસમાં ઝંપલાવ્યું છે. તેઓ આજે દિલ્હી પહોંચી રહ્યા છે અને પાર્ટીના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીને મળવાના છે.
ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસી નેતા શશિ થરૂર અને રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત પણ કોંગ્રેસ અધ્યક્ષ પદની રેસમાં છે. શશિ થરૂરે તો આ મામલે મધુસૂદન મિસ્ત્રીને મળીને ચૂંટણી પ્રક્રિયા અંગે વાતચીત પણ કરી હતી. આમ પાર્ટીમાં અધ્યક્ષ પદ માટેની ખેંચતાણ વધુ તેજ બની છે.
આમ 22 વર્ષ બાદ દેશની સૌથી જૂની પાર્ટીના પ્રમુખને ચૂંટણી દ્વારા પસંદ કરવામાં આવશે. રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીએ ચૂંટણીમાં સહભાગી બનવાનો ઈનકાર કર્યો હતો અને ત્યારથી ચૂંટણીના સંકેતો વધી ગયા છે.
જોકે અશોક ગેહલોતના કહેવા પ્રમાણે રાહુલ ગાંધી કોંગ્રેસ અધ્યક્ષ તરીકે ભારત જોડો યાત્રા કરશે તો પાર્ટી માટે એક અલગ માહોલ બનશે. પરંતુ રાહુલ ગાંધીની અધ્યક્ષ પદ માટેની નીરસતા બાદ પોતે પણ રેસમાં ઉતરવા ઈચ્છે છે અને સાથે જ મુખ્યમંત્રી પદ પણ જાળવી રાખવા ઈચ્છે છે.
વધુ વાંચો : સચિન પાયલટને આગળ વધતા અટકાવવા રાજસ્થાન પણ નથી છોડવું અને પાર્ટી અધ્યક્ષ પણ બનવું છે