ગઢડા-ભાવનગરની એસ.ટી. બસ બંધ કરી દેવાતા હાલાકી


- વિદ્યાર્થીઓ, નોકરિયાત વર્ગ અને રત્નકલાકારો ખાનગી વાહનમાં જવા મજબૂર

- સવારે 5-45 ની બસ મિની કરી દેવાતા મુસાફરો ઘેટાં-બકરાંની જેમ મુસાફરી કરે છે, ચિક્કાર ટ્રાફિક મળતો હોવા છતાં એસ.ટી. તંત્રની આડોડાઈ

રંઘોળા : ગઢડા એસ.ટી. ડેપોની વહેલી સવારે ઉપડતી ગઢડા-ભાવનગર રૂટની એક બસને એસ.ટી. તંત્રએ બંધ કરી દીધી હોવાથી અપડાઉન કરતા વિદ્યાર્થીઓ, નોકરિયાત વર્ગ અને રત્નકલાકારોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જ્યારે અન્ય એક શિડયૂલમાં રૂટ પર મોટી બસની જગ્યાએ મિની બસ દોડાવવામાં આવી રહી છે. આ કારણે મુસાફરો ઘેટાં-બકરાંની જેમ મુસાફરી કરવા મજબૂર બની રહ્યા છે.

ગઢડા ડેપમાંથી સવારે ૫-૩૦ કલાકે ઉપડતી ગઢડા-ભાવનગર બસને બંધ કરી દેવામાં આવી છે. આ બસ સવારે ૮ કલાક પહેલા ભાવનગર પહોંચી જતી હતી. જેથી ચિરોડા, લીમડા, રંઘોળા, ભૂતિયા, ગઢુલા, ભાવપરા, પાચતલાવડા સહિતના ગામોના વિદ્યાર્થીઓ સવારે સમયસર સવારની શાળા કોલેજે અને રત્નકલાકારો, નોકરિયાતવર્ગ પોતાના કામના સ્થળે પહોંચી શકતા હતા. ત્યારબાદ સવારે ૫-૪૫ કલાકથી ગઢડા-ભાવનગર રૂટમાં અગાઉ મોટી બસ દોડતી હતી. પરંતુ એસ.ટી.ના અણઘણ નિર્ણયથી મિની બસ ચલાવવામાં આવી છે. જેના કારણે રંઘોળા, લીંમડાથી જ બસ હાઉસફૂલ થઈ જતી હોય, લોકોને ઉભા-ઉભા અને ઘેટાં-બકરાંની જેમ ગીર્દીમાં પ્રવાસ કરવો પડી રહ્યો છે. જેના કારણે લોકો નાછુટકે ખાનગી વાહનમાં ઉંચા ભાડા ખર્ચી મુસાફરી કરવા મજબૂર બની રહ્યા છે. ઉલ્લેખનિય છે કે, લીમડા, ઘરવાળા, ઠોંડા, હડમતિયા, રંઘોળા, ભૂતિયા, ગઢુલા સહિતના ગામોમાંથી વિદ્યાર્થિનીઓ સિહોર કોલેજ માટે અપડાઉન કરતી હોવાથી તેમની સ્થિતિ વધુ મુશ્કેલીજનક બની જાય છે. આ ઉપરાંત વિદ્યાર્થીઓ, નોકરિયાતવર્ગ, રત્નકલાકારો સમયસર પહોંચી પણ શકતા નથી. આ બાબતે અનેક વખત ઓનલાઈન ફરિયાદ કરવા છતાં એસ.ટી. તંત્ર દ્વારા ગ્રામ્ય વિસ્તારની જનતાને બસ સેવાનો લાભ મળી રહે તેવા પગલા ભરવામાં આળસ કરવામાં આવી રહી છે. સવારે ૫-૩૦ કલાકની બંધ કરાયેલી ટ્રીપને ફરી શરૂ કરવા અને ૫-૪૫ કલાકે મોટી બસ ફાળવવા રંઘોળાના સરપંચે માંગણી કરી છે.



Source link

Leave a Comment