જિલ્લામાં શિયાળુ પાકનું વાવેતર ૨૫ ટકાને પાર
ખેડૂતોનો ઉત્સાહ જોઇને રવી મોસમનું વાવેતર ત્રણ વર્ષની સરેરાશ સુધી પહોંચી જવાની તંત્રની ધારણા
ગાંધીનગર : નવેમ્બર મહિનો ઉતરાર્ધે પહોંચવાની સાથે ઠંડીનો ચમકારો શરૃ
થયો છે. ત્યારે જિલ્લામાં રવિ પાકનું વાવેતર ૨૫ ટકાને પાર થવાની સાથે ખેડૂતોનો
ઉત્સાહ જોતા તંત્ર દ્વારા છેલ્લા ત્રણ વર્ષની સરેરાશની સમકક્ષ વાવેતરની ધારણા
બાંધવામાં આવી છે. જિલ્લાનું વાવેતર ૨૧,૧૭૩
હેક્ટર પહોંચ્યું છે. તેમાં ઘઉંનું ૫ હજાર હેક્ટર અને બટાટાનું વાવેતર ૪,૬૦૦ હેક્ટર
ઉપરાંત વિસ્તારમાં થઇ ચૂક્યાના અહેવાલ મળ્યાં છે.
ગાંધીનગર જિલ્લા ખેતીવાડી તંત્રના અધિકારી સુત્રોના જણાવવા
પ્રમાણે ઠંડીની શરૃઆતને રવિ પાકના વાવેતર માટે શુભ સંકેત સમાન ગણીને ખેડૂતો વાવણી
કરવાના કામમાં જોતરાઇ ગયાં છે. પરિણામે જિલ્લામાં સૌથી વધુ ગાંધીનગર તાલુકામાં કુલ
વાવેતર ૭,૪૦૦
હેક્ટર પર પહોંચ્યું છે. જ્યારે માણસા તાલુકામાં ૭ હજાર હેક્ટર આસપાસ વાવેતર થયું
છે. બીજી બાજુ દહેગામ તાલુકામાં ૫ હેક્ટરની વધુ વિસ્તારમાં વાવેતર થઇ ચૂક્યુ છે.
દરમિયાન કલોલ તાલુકામાં શિયાળુ પાકનું
સૌથી ઓછું વાવેતર ૨૨૦૦ હેક્ટર સુધી કરી દેવામાં આવ્યું છે.
રોકડિયા પાક એવા ઘાસચારાનું વાવેતર જિલ્લામાં સોથી વધુ
કરવામાં આવ્યું છે, જેનો
આંકડો ૬૧૦૦ હેક્ટર ઉપરાંતનો છે. બીજા ક્રમે ઘઉંનું વાવેતર૫ હજાર હેક્ટરમાં, ત્રીજા ક્રેમે
બટાટાનું વાવેતર ૪,૬૦૦
હેક્ટરમાં, ચોથા
ક્રમે શાકભાજીનું વાવેતર ૨૬૦૦થી વધુ હેક્ટર વિસ્તારમાં, પાંચમાં ક્રમે
રાઇનું વાવેતર ૧૩૦૦થી વધુ હેક્ટરમાં,
છઠ્ઠા ક્રમે તમાકુનું વાવેતર ૧ હજાર હેક્ટરમાં, સાતમા ક્રમે ચણાનું વાવેતર ૪૫૦ હેક્ટરમાં અને છેલ્લે
વરીયાળીનું વાવેતર ૩૪૮ હેક્ટરમાં થયું છે.