નવરંગપુરા સીજી રોડ સ્થિત ટ્રેડીંગ કંપની વિરૂદ્વ ફરિયાદ
સૈજપુર બોઘામાં મેડીકલ પ્રેક્ટીશ કરતા તબીબે વર્ષ ૨૦૧૦ થી વર્ષ ૨૦૧૮ દરમિયાન વિવિધ કંપનીમાં લાંબા સમય માટે રોકાણ કર્યું હતું
અમદાવાદ
શહેરના નવરંગપુરા સીજી રોડ સ્થિત આરકેડીયા શેર એન્ડ સ્ટોક બ્રોકર્સ
કંપનીના માલિકો અને સંંચાલકોએ તબીબના ડીમેટ એકાઉન્ટમાંથી રૂપિયા ૨.૬૫ કરોડની કિંમતના
વિવિધ કંપનીના શેરને બારોબાર વેંચીને છેતરપિંડી કરી હોવાની ફરિયાદ નવરંગપુરા પોલીસ
મથકે નોંધવામાં આવી છે. જેમાં કંપનીના બે સંચાલકો અને એક બ્રોકર સહિત કુલ ત્રણ લોકો
વિરૂદ્વ ફરિયાદ નોંધવામાં આવી છે. આ અગાઉ પણ
બ્રોકર કંપનીએ અનેક લોકો સાથે છેતરપિંડી કર્યાની શક્યતાને આધારે તપાસ શરૂ કરવામાં આવી
છે.સૈજપુર બૌઘા કૃષ્ણ ગોકુલ સોસાયટીમાં રહેતા તબીબ હિતેનભાઇ પરીખ
ઘરેથી રેવા ક્લીનીકના નામે પ્રેક્ટીશ કરે છે. ગત એપ્રિલ ૨૦૧૦ના રોજ તેમને આરકેડીયા
શેર એન્ડ સ્ટોક બ્રોકર્સ લીમીટેડના સેલ્સમેને કોલ કરીને શેર બજારમાં ટ્રેડીંગ કરવા
માટે સારી ઓફર આપી હતી. જેથી વિશ્વાસ કરીને હિતેનભાઇએ ડીમેટ એકાઉન્ટ ખોલાવ્યું હતું.
જે કંપનીની ઓફિસ નવરંગપુરા રેમબ્રેન્ટ બિલ્ડીંગમાં આવેલી છે. જ્યારે કંપનીની બીજી બ્રાંચ
બાપુનગરમાં હતી ત્યાંથી હિતેનભાઇ શેર લે-વેચ કરતા હતા. જે બાદ વર્ષ ૨૦૧૦થી ૨૦૧૮ સુધીમાં તેમણે વિવિધ કંપનીમાં કુલ રૂપિયા ૨.૬૫
કરોડથી વધુના શેર ખરીદી કર્યા હતા. જેનું રોકાણ લાંબાગાળા માટે હતું. જેથી નાણાનું
રોકાણ કરવાનું હોવાની તેમણે બાપુનગર બ્રાંચના શેર બ્રોકર ગીરીશ બારોટને વાત કરી હતી.
જો કે તેમણે ગોળ ગોળ જવાબ આપતા સીજી રોડની ઓફિસ પર બેસતા કંપનીના માલિક નિતીન બારોટનો સંપર્ક
કર્યો હતો. પરંતુ, તેમણે પણ
સંતોષકારક જવાબ આપ્યો નહોતો. બાદમાં કંપનીની બાન્દ્રા મુંબઇ ખાતે કંપનીની મુખ્ય બ્રાંચ
પર સંપર્ક કર્યો ત્યારે હિતેનભાઇ ચોંકી ઉઠયા હતા. કારણ કે તેમના ડીમેટ એકાઉન્ટમાં તેમની
જાણ બહાર તમામ શેર ટ્રાન્સફર કરાવીને વેચી દેવામાં આવ્યા હતા.
બાદમાં તપાસ અન્ય લોકો સાથે પણ આ રીતે છેતરપિંડી થયાનું બહાર
આવ્યું હતું. જે અંગે નવરંગપુરા પોલીસ મથકે અરજી કરવામાં આવી હતી. જેના આધારે પોલીસે
વિવિધ દસ્તાવેજોેને આધારે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.