- ફેડ વ્યાજ વધારશે, ક્રૂડનું ઉત્પાદન ઘટતા વધેલા ભાવ અને દેશની ઉંચી વ્યાપાર ખાધના લીધે રૂપિયામાં અવિરત ઘટાડો
- ડોલર ઇન્ડેક્સ 20 વર્ષની ઉંચી સપાટી 112.47 ઉપર જયારે 2022માં રૂપિયો 10.8 ટકા કે રૂ. 8.10 ઘટયો
- રૂપિયો નબળો પડતા ભારતની આવશ્યક ચીજો ક્રૂડ ઓઈલ, કેમિકલ્સ, ખાધતેલ, દવા બનાવવા માટેનો કાચો માલ સહિતની ચીજો મોંઘી થશે
- આર્થિક વૃદ્ધિ સામે ઘેરાતા જોખમના વાદળો
મુંબઈ : ક્રૂડ ઉત્પાદક ઓપેક રાષ્ટ્રોએ ઉત્પાદન દૈનિક ૨૦ લાખ બેરલ ઘટાડવાના નિર્ણય બાદ, ગુરુવારે ફેડરલ રિઝર્વે અમેરિકામાં વ્યાજ દરમાં હજુ પણ વધારો ચાલુ રહેશે એવા સંકેત આપતા ભારતીય ચલણ રૂપિયો વધુ એક ઐતિહાસિક નીચી સપાટી ૮૨.૩૦ બંધ આવ્યો હતો. ડોલર સામે રૂપિયો આજે ૧૩ પૈસા ઘટી નવા ઐતિહાસિક નીચા સ્તર ૮૨.૩૦ની સપાટીએ બંધ રહ્યો હતો. ગુરુવારે ડોલર સામે રૂપિયો ૫૫ પૈસા ઘટી ૮૨.૧૭ની સપાટીએ બંધ આવ્યો હતો.
આ સપ્તાહમાં ડોલર સામે રૂપિયો ૯૦ પૈસા કે ૧.૧૧ ટકા ઘટયો છે. ભારતની શેરબજારમાં વિદેશી ફંડ્સની ફરી શરૂ થયેલી વેચવાલી અને દેશની ઉંચી વ્યાપાર ખાધના કારણે પણ રૂપિયા ઉપર સતત દબાણ જોવા મળી રહ્યું છે. રૂપિયો નબળો પડતા ભારતની આવશ્યક ચીજો ક્રૂડ ઓઈલ, કેમિકલ્સ, ખાધતેલ, દવા બનાવવા માટેનો કાચો માલ સહિતની ચીજો મોંઘી થશે એટલે દેશ માટે તહેવારો પહેલા જ મોંઘવારી અને આર્થિક વૃદ્ધિ સામે જોખમો ઉભા થયા છે.
બુધવારે ઓપેક રાષ્ટ્રોએ વૈશ્વિક આર્થિક મંદીના ઘેરાયેલા વાદળો સામે રક્ષણ મેળવવા ક્રૂડનો પુરવઠો દૈનિક ૨૦ લાખ બેરલ ઘટાડવાની જાહેરાત કરી હતી. અપેક્ષા કરતા ઊંચા કાપના કારણે ક્રૂડના ભાવ બે દિવસમાં ૮.૭ ટકા કે ૮.૬ ડોલર વધી ગયા છે. ભારત તેની જરૂરીયાતના ૮૫ ટકા ક્રૂડ ઓઈલની આયાત કરે છે એટલે ભારત માટે તે જોખમ છે. બીજી તરફ, ભારતમાં ખાદ્યતેલની આયાત વધે એવી શક્યતાએ પણ મોંઘવારીનું જોખમ છે. ભારત તેની જરૂરીયાતના ૫૦ ટકા તેલ આયાત કરે છે. સપ્ટેમ્બર મહિનામાં ભારતની વ્યાપાર ખાધ (નિકાસ સામે આયાત) ૨૬.૭૨ અબજ ડોલર રહી હતી. આ ઉપરાંત, નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩માં દેશની ખાધ વધી ૧૧૫ અબજ ડોલર રહેવાની ારણા છે. જેટલી આયાત વધારે એટલી ડોલરની માંગ વધે એટલે પણ ડોલર સામે રૂપિયો સતત ઘટી રહ્યો છે.
ગુરુવારે મિનિયાઓપોલીસના ફેડરલ અધ્યક્ષ નીલ કાશ્કરીએ જણાવ્યું પોતાના એક ભાષણમાં જણાવ્યું હતું કે અમેરિકામાં મોંઘવારી માટે હજુ ઘણું કામ બાકી છે અને ફેડરલ રિઝર્વ હજુ વ્યાજ દર સ્થિર રાખે એ સ્થિતિ આવવાને વાર છે. આ નિવેદન પછી અમેરિકન ડોલરમાં ફરી તેજી આવી હતી, બોન્ડના યીલ્ડ વધ્યા હતા અને શેરબજારમાં ઘટાડો જોવા મળ્યો હતો. અગાઉ, એવી ધારણા હતી કે આર્થિક મંદી આવી પડે એ સ્થિતિ નિવારવા હવે ૨૦૨૨ અને ૨૦૨૩માં ફેડરલ રિઝર્વ ધારણા કરતા ઓછા વ્યાજના દર વધારશે અથવા તો તે સ્થિર રાખશે. ડોલર વધતા ફરી રૂપિયા ઉપર આજે દબાણ જોવા મળ્યું હતું. માત્ર રૂપિયો જ નહી પણ ચીનનો યુઆન આજે ૦.૫ ટકા, દક્ષિણ આફ્રિકાનો રેન્ડ અને રશિયન રુબલ પણ અમેરિકન ચલણ સામે ઘટયા હતા.
ડોલર સામે રૂપિયો તા.૩૧ ડિસેમ્બર ૨૦૨૧ના રોજ ૭૪.૨૯ની સપાટીએ બંધ રહ્યો હતો. આજના ઘટાડા સહીત રૂપિયામાં ચાલુ કેલેન્ડર વર્ષમાં રૂ.૮.૦૧નો કે ૧૦.૮ ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. એ સમયે ડોલર ઇન્ડેક્સ ૯૫.૮૯ની સપાટી ઉપર હતો. ડોલર ઇન્ડેક્સ વિશ્વના છ અગ્રણી ચલણ સામે અમેરિકન ડોલરનું મૂલ્ય નક્કી કરે છે. આજે અમેરિકામાં ટ્રેડીંગ શરુ થયું ત્યારે ડોલર ઇન્ડેક્સ ૧૧૨.૪૭ની સપાટી ઉપર છે એટલે કે ડોલરના મૂલ્યમાં ૧૭.૩ ટકાની વૃદ્ધિ થઇ છે.
ક્રૂડ ઓઈલ અને ખાદ્યતેલ ઉપરાંત ભારત માટે દવા બનાવવાનું મટીરીયલ, મશીનરી, રસાયણો જેવી ચીજો આયાત કરવી પડે છે. ભારતમાં અત્યારે જોવા મળી રહેલા ફુગાવામાં ૬૦ ટકા હિસ્સો આયાતી ચીજો અથવા આયાત આધારિત ચીજોનો છે. ડોલર સામે રૂપિયો ઘટે તો આ ચીજો મોંઘી થઇ શકે છે. બીજી તરફ, વિદેશી સંસ્થાઓએ સપ્ટેમ્બરમાં રૂ.૧૮,૦૫૩ કરોડના શેરની વેચવાલી બાદ આજે વધુ રૂ.૨૨૫૦ કરોડના શેર વેચ્યા હતા જેનાથી ડોલરની માંગ વધે અને રૂપિયો ઘટે છે. વળી, સતત ઘટી રહેલા રૂપિયાના કારણે ભારતની વિદેશી હૂંડિયામણની અનામત ઘટીને બે વર્ષની સૌથી નીચી સપાટીએ જોવા મળી રહી છે. રિઝર્વ બેંક રૂપિયાના મૂલ્યને ઘટતું અટકાવવા ડોલર વેચે અને રૂપિયો ખરીદે છે તેનાથી વધી રહેલા વ્યાજ દરના સમયમાં રૂપિયાની પ્રવાહિતા ઘટે છે.
સતત નવ સપ્તાહથી ફોરેકસ અનામતમાં ઘટાડો, હવે બે વર્ષના તળિયે પહોંચ્યું
શુક્રવારે પૂરા થયેલા સપ્તાહના અંતે ફરી ભારતની વિદેશી હૂંડિયામણની અનામત ૪.૯ ઘટી બે વર્ષના તળિયે પહોંચી ગઈ છે. સતત નવ સપ્તાહથી ભારતના ફોરેકસ રિઝર્વમાં ઘટાડો જોવા મળી રહ્યો છે અને હવે રિઝર્વ ૫૩૨.૬૬ અબજ ડોલર રહ્યા છે જે આગલા સપ્તાહે ૫૩૭.૫૨ અબજ ડોલર હતા.
તા. ૬ ઓગસ્ટના રોજ દેશના ફોરેકસની અનામત ૫૭૩.૮૭ અબજ ડોલર હતી જે નવ સપ્તાહમાં ૪૧.૨૧ અબજ ડોલર ઘટી ગઈ છે. વર્તમાન વૈશ્વિક પરિસ્થિતિ ધ્યાનમાં રાખતા ફોરેક્સ અનામતનો હજુ વધુ ઘટાડો થવાની આશંકા છે.
ખાનગીમાં રૂપિયો વધુ ઘટી 82.63
નોન ડીલીવરી ફોરવર્ડ માર્કેટમાં ભારતમાં ઇન્ટરબેંક ફોરેકસ માર્કેટ બંધ રહ્યા પછી ચાલી રહેલા સોદામાં ડોલર સામે રૂપિયો વધુ ઘટી ગયો હતો. વૈશ્વિક બજારમાં ડોલર વધુને વધુ મજબૂત થઇ રહ્યો છે અને અમેરિકામાં બોન્ડના યીલ્ડ ફરી ચાર ટકા તરફ આગળ વધી રહ્યા હોવાથી ડોલર સામે રૂપિયો ઘટી ૮૨.૬૦ થી ૮૨.૬૩ની સપાટી ઉપર આ લખાય છે ત્યારે જોવા મળી રહ્યો છે..
2022માં રૂપિયાની ઐતિહાસિક નીચી સપાટીઓ
મે |
૭૭.૪૧ |
ઓગસ્ટ |
૮૦.૦૨ |
સપ્ટેમ્બર |
૮૧.૨૩ |
ઓક્ટોબર |
૮૨.૪૦ |