તળાજા પંથકમાં ખેતમજૂરોની અછતથી ખેડૂતોને હેરાનગતિ


- શ્રમિકોને વાહનભાડું આપવા છતાં મળતા નથી

- મગફળી, કપાસ, બાજરી અને તલ સહિતના ખેતીપાકની વાવણીથી લઈને ખળા સુધીની માવજત માટે શ્રમિકોની તંગી

તળાજા : તળાજા તાલુકામાં ખેત સમૃધ્ધ ખેડુતોને તેમના ઉભા પાકની માવજત કરવા માટે અનેક સમસ્યાઓ ભોગવવી પડે છે. કુદરતની સામે બાથ ભીડીને કામ કરતા ખેડૂતોને અનેક વિપરીત પરિબળોનો સામનો કરવો પડે છે. આગામી તહેવારો દરમિયાન સમયસર ખેતીકાર્ય નિપટાવવામાં ખેડૂતોને અનેક મોરચે લડવુ પડે છે. કયારેક તો એક ગામથી અન્ય વિસ્તારોમાં ખેત મજુરોને લઈ જવામાં માથાકુટ પણ થતી હોય છે. જે ખેતીકામ માટે મજુરોની ભારે અછત દર્શાવે છે. 

તળાજા તાલુકામાં ખરીફ વાવેતરમાં મગફળી, કપાસ, બાજરી,જુવાર અને તલ સહિતની ખેતીમાં વાવણી, નીંદણ, પિયત દવા છંટકાવ, ખાતર, કપાસ વીણવા, મગફળી ખેંચવી સહિતના અનેક કામો સમયસર પૂર્ણ કરવા માટે કુશળ શ્રમિકોની ભારે તંગી વર્તાઈ રહી છે. વરસાદના વિરામ બાદ ટુંકા સમયમાં તમામ પાકોને તૈયાર કરવા સારી હાથોટીવાળા શ્રમિકોની તાતી જરૂરીયાત રહે છે. વરાપના ટુંકા સમયમાં પારવા માટે કુશળ મજુરોની જરૂરત હોય છે. જયારે આ સમયમાં હાલમાં તળાજા તાલુકામાં ૩૫૦ થી ૪૫૦ રૂપીયાની દૈનિક દાડી આપવા છતાંય વાવણીથી માંડીને ખળા સુધીના કાર્યો સમયસર પૂર્ણ કરવા માટે મજુરો મળતા નથી. તળાજા સહિત જિલ્લામાં સિંચાઈની સુવિધાવાળા મોટા ભાગના ખેડૂતો બારમાસી પાકનું આયોજન કરે છે. જેમાં ખરીફ શિયાળુ, ઉનાળુ સીઝનના સમય ચુસ્તતાથી સચવાય તે માટે સ્થાનિક કક્ષાએ કેળવાયેલ મજુરો મળતા ન હોવાથી તળાજા વિસ્તારમાં શ્રમજીવી વસાહતોવાળા ગામો સરતાનપર, દકાના, ઝાંઝમેર, મધુવન, ગોરખી, દેવલી, તરસરા, ઈસોરા,રાતાખડા, ખંઢેરા, પાવઠી સહિતના દરિયાકાંઠાના ગામોમાંથી મુખ્યત્વે મહિલા, યુવાનો અને શ્રમિકોને સવારથી સાંજ છકડો રીક્ષા અને ટેમ્પો વ.વાહનોમાં લાંબા અંતરના ખેત સમૃધ્ધ ગામોમાં હજારોની સંખ્યામાં મજુરો પુરા પાડવાનો ઠેકેદારીનો ધંધો ફૂલ્યો ફાલ્યો છે. ખેડૂતોને દૂર દૂરના શ્રમજીવીઓના વિસ્તારોમાંથી પાંચથી પચાસ કિ.મી.જેટલા અંતરેથી દૈનિક શ્રમકાર્ય માટે જરૂરી મજુરોના સમુહ માટે વાહનભાડા સાથે વેતન આપવાની શરતો સાથે મજુરો લાવવાની કડાકૂટ વધી જાય છે. 



Source link

Leave a Comment