- દરેક પ્રકારના દાખલાઓ કાઢી આપવાની કાર્યવાહી ઠપ્પ
- ગામડામાં વીસીએ, નાયબ મામલદારોની માસ સી.એલ.ને લઈ બંને કચેરીઓમાં અલીગઢી તાળા જેવી સ્થિતિ
તળાજા : આંદોલનની મૌસમ ખીલી છે, જેના પગલે વિદ્યાર્થીઓથી લઇ આમ નાગરિક હોય કે તવંગર સૌ કોઈને કોઈ ક્યાંક તકલીફમાં મુકાઈ રહ્યા છે. આજે સોમવારે તળાજા મામલતદાર અને પ્રાંત અધિકારીની કચેરીમાં કર્મચારીઓની હડતાલના પગલે અલિગઢી તાળા માર્યા હોય તેવો માહોલ જોવા મળ્યો હતો.
તળાજાની બંને કચેરીઓ થઈ વીસ જેટલા કોન્ટ્રાક્ટ બેઇઝ કર્મીઓ છે, જે કોમ્પ્યુટર ઓપરેટર સહિત વિવિધ પ્રકારના દાખલાઓ પણ અરજદારને કાઢી આપવાની કાર્યવાહી કરે છે. આ કર્મીઓ ગત શનિવારથી હડતાલ પર છે. આજે આખો દિવસ હડતાલ પર રહી પોતાની માગ સંતોષવા આવેદનપત્ર આપ્યું હતું. હાથમાં બેનર રાખી શોષણ બંધ કરોના સુત્રોચ્ચાર કર્યા હતાં. આ ઉપરાંત આજે નાયબ મામલદારો પણ પોતાની માગને લઈ એક દિવસીય માસ સી.એલ પર ગયા હતા, જેને લઇ અહીં આવનાર અરજદારો ખાસ કરીને ઇમરજન્સી જોઈતા દાખલાઓ માટે પરેશાન થઈ ગયા હતાં.
હડતાલ પર ઉતરેલા કર્મીઓએ જણાવ્યું હતું કે, એટીવિટી, આવક જાતિ, ડોમીસાઇલ, સોગંદનામાં, આધારકાર્ડ, પુરવઠા, રેશનીંગ, સમાજ સુરક્ષા, વિધવા સહાય, તમામ નોંધની કામગીરી ઠપ્પ થઈ ગઈ હતી. ગામડાઓમાં વિસીએ હડતાલ પર જતા ગામડાઓના લોકોની હાલત પણ કફોડી થઈ રહી છે.
દવાખાનાનું કામ હોય માનવતા દાખવી
કોન્ટ્રાક્ટ બેઝ વીસ જેટલા કર્મીઓ હડતાળ પર હોવા છતાંય આજે બે દાખલાઓ કાઢી દીધા હતાં. એક કર્મીએ જણાવ્યું હતું કે, દવાખાનાનું ઇમરજન્સી કામ માટે જોઈતો દાખલો કાઢી આપી માનવતા ભૂલ્યા ન હતાં.
આજે તળાજા, મહુવા, પાલીતાણાની કલેકટર મુલાકાત લેશે
કોન્ટ્રાક્ટ બેઝ કર્મીઓ હડતાળ પર જતા ખાસ કરીને કોમ્પ્યુટર વર્ક બંધ છે. આથી મોટા ભાગનું કામ ઠપ્પ છે, જેની અસર સામાન્ય જનતા પર પડી રહી છે. લોકો પરેશાન થતા કલેકટર કચેરીએ આજે ફોનની ઘંટડી રણકાવી હતી. કોન્ટ્રાક્ટ બેઝ કર્મીઓએ જણાવ્યું હતું કે, આવતીકાલ મંગળવારે કલેકટર તળાજા, પાલીતાણા અને મહુવાની પ્રાંત અને મામલતદાર કચેરીની મુલાકાત કરશે. કલેકટરનુ જો દબાણ હશે તો લગભગ બધા જ કર્મચારીઓ હડતાલ સમેટીને કામ પર લાગી જશે.