ઘણા લાંબા સમયથી હતા બીમાર
હમ દિલ દે ચૂકે સનમમાં ઐશ્વર્યાના ઓનસ્ક્રીન પિતાનો કર્યો હતો રોલ
બોલીવુડના દિગ્ગજ અભિનેતાઓમાં જેમની ગણતરી થતી હતી તેવા વિક્રમ ગોખલેનું 77 વર્ષની વયે પુણે ખાતે નિધન થયું છે. તેમના નિધનના સમાચાર આવતા જ બોલીવુડ જગતમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે.
છેલ્લા કેટલાક દિવસથી નાદુરસ્ત તબિયતથી પરેશાન હતા અને પુણેની દિનાનાથ મંગેશકર હૉસ્પિટલમાં સારવાર હેઠળ હતા. ડૉક્ટરોએ તેમને બચાવવામાં કોઇ કચાશ નહોતી છોડી પણ કમનસીબે આજે સાંજે તેમની તબિયત કથળી અને મોડી સાંજે લાઇફ સપોર્ટ કાઢી લેવાની વાત પણ વહેતી થઈ હતી.
બિગ બૉસ સ્પર્ધક અને ટીવી કલાકાર અલી ગોનીએ સૌપ્રથમ આ સમાચાર પોતાના ટ્વીટર પર શેર કર્યા હતા. ત્યાર બાદ અજય દેવગણે પણ પોતાના ટ્વીટર પર આ ન્યૂઝ શેર કરી દુઃખ વ્યક્ત કર્યું હતું ઉલ્લેખનીય છે કે અજય દેવગણે તેમની સાથે હમ દિલ દે ચૂકે સનમ ફિલ્મમાં કામ કર્યું હતું
વિક્રમ ગોખલે પોતાના કરિયર દરમ્યાન હમ દિલ દે ચૂકે સનમ, ભૂલ ભૂલૈયા, દિલ સે, તુમ બિન, હિચકી, મિશન મંગલ જેવી અનેક હિટ ફિલ્મોમાં મહત્વના પાત્ર તરીકે જોવા મળ્યા હતા.
વિક્રમ ગોખલેનો જન્મ 30 ઓક્ટોબર 1947ના રોજ પુણેમાં થયો હતો. તેમના પરદાદી હિન્દી સિનેમાના પ્રથમ ભારતીય કલાકાર હતા જ્યારે તેમના દાદી હિન્દી સિનેમાના પ્રથમ બાળ કલાકાર હતા. વર્ષ 1913માં તેમની દાદી-પરદાદીએ ફિલ્મ મોહિની ભસ્માસુરમાં અભિનય કર્યો હતો. આ ફિલ્મનું દિગ્દર્શન ભારતીય સિનેમાના પિતામહ દાદાસાહેબ ફાળકેએ કર્યું હતું. તેમના પિતા ચંદ્રકાંત ગોખલે મરાઠી પીઢ અભિનેતા અને સ્ટેજ કલાકાર હતા. વિક્રમ ગોખલેએ લગભગ 70 હિન્દી-મરાઠી ફિલ્મોમાં કામ કર્યુ હતું.