નવેમ્બરથી ભાવનગરથી મુંબઈ, પુના હવાઈ સેવાને તાળા મારવાની તૈયારી


- ફરી એક વખત એર કનેક્ટીવીટી મામલે ભાવનગર સાથે હળાહળ અન્યાય

- પૂરતો ટ્રાફિક મળતો ન હોવાનો કારણ આગળ ધરી બન્ને ફ્લાઈટ બંધ કરવા સ્પાઈસ જેટનો નિર્ણય

- અત્યારે જે ફ્લાઈટોનું ટેકઓફ-લેન્ડીંગ થાય છે તે પણ ડચકાં ખાતું, નવેમ્બરના બુકીંગ બંધ કરી દીધા

ભાવનગર

ભાવનગરથી મુંબઈ અને પુનાની ડચકાં ખાતી એર કનેક્ટીવીટીને નવેમ્બરથી બંધ કરી દેવાનો તખ્તો ઘડાઈ ગયો છે. અત્યારે ડેઈલીના બદલે બન્ને ફ્લાઈટ અઠવાડિયામાં ત્રણ-ચાર દિવસ માંડ ટેકઓફ કરે છે. જેથી દિવાળી બાદ ભાવનગરવાસીઓને હવાઈ સેવાથી હાથ ધોવા પડશે તેવી પૂરી સંભાવનાઓ વ્યક્ત કરાઈ રહી છે. વળી, ફ્લાઈટ ઓપરેટ કરતી કંપનીએ પણ બુકીંગ બંધ કરી દીધા છે. જે હવાઈ સેવાને તાળા મારવાની તૈયારીના એંધાણ દર્શાવી રહ્યા છે.

ભાવનગર પાસે પોતાનું એરપોર્ટ છે, પણ દેશના અન્ય મુખ્ય શહેરો સાથે જોડતી ફ્લાઈટ માટે વર્ષોથી લાચારી જ વેઠવી પડે છે. તેમાં પણ ૨૦૨૨નું વર્ષ તો એર કનેક્ટીવીટીના મામલે વારંવાર હળાહળ અન્યાયભર્યું જ રહ્યું છે. અગાઉ બે કંપની ફ્લાઈટ ઓપરેટ કરતી હતી. પછી એક સાથે બન્ને કંપનીએ ફ્લાઈટો બંધ કરી દીધી. ત્યારપછી ઘણી બધી આજીજી, વિનંતી, રજૂઆતો થતાં સ્પાઈસ જેટે બોમ્બે અને પુનાની બે ફ્લાઈટ શરૂ કરી હતી. તે પણ સમ ખાવા પૂરતી જ હોય તેમ છેલ્લા થોડા દિવસોથી તો બન્ને ફ્લાઈટને ડચકાં ખાતી જ ઓપરેટ કરવામાં આવે છે. અઠવાડિયામાં ત્રણ દિવસ ફ્લાઈટ ટેકઓફ જ નથી થતી. જેના કારણે હવે સ્પાઈસ જેટે વિમાની સેવાના વાવટા સંકેલી લેવા મન બનાવી જ લીધું હોય તેમ નવેમ્બર માસથી મુંબઈ અને પુનાની ફ્લાઈટના બુકીંગ બંધ કરી દીધા છે.

ભાવનગરથી મુંબઈ અને પુના વચ્ચેની એર કનેક્ટીવીટીને બંધ કરવા પાછળ પૂરતો ટ્રાફિક મળતો ન હોવાનું કારણ આગળ ધરી દેવાયું છે. પૂરતો ટ્રાફિક ન હોવાના કારણે હવાઈ સેવા ખોટમાં ચાલી રહી છે. જેથી બન્ને ફ્લાઈટ બંધ કરવા નિર્ણય લીધો હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. હવે ભાવનગર પાસેથી હવાઈ સેવા ન છીનવાઈ તે માટે મહાજન મંડળો, રાજકીય આગેવાનોએ અવાજ ઉઠાવવાનો સમય આવી ચુક્યો છે.



Source link

Leave a Comment