અમદાવાદ તા.23 સપ્ટેમ્બર 2022,શુક્રવાર
અત્યારે નાણાકીય એસેટ્સ શેર, રૂપિયો, ક્રિપ્ટો કે બોન્ડ અને કોમોડિટીઝ જેવી કે સોનું, ક્રૂડ, ખાદ્યતેલ વગેરેમાં હાજર અને વાયદામાં એક્સચેન્જ ઉપર ટ્રેડિંગ થઈ રહ્યું છે એમ આગામી દિવસોમાં પાણી હાજર અને વાયદામાં ટ્રેડ થાય એવી શક્યતા છે.
ભારત સરકારના નીતિ આયોગ દ્વારા પાણીમાં આ પ્રકારના ટ્રેડિંગ માટે એક ચર્ચા પત્ર ઉપર કામગીરી ચાલી રહી છે. આ પત્ર ઉપર લોકોના પ્રતિભાવના આધારે ભવિષ્યમાં સરકાર પાણીમાં ટ્રેડિંગ કરવા માટે ખાસ એક્સચેન્જ શરૂ કરે અથવા તો વર્તમાન એક્સચેન્જમાં જ પરવાનગી આપે તેવી શક્યતા છે.
કોઈપણ વાયદામાં (ફ્યુચર) કોઈ ટ્રેડર ભવિષ્યમાં ભાવ વધશે એવી ધારણા એ ખરીદી કરે છે જ્યારે સામે કોઈ વ્યક્તિ ભાવ ઘટશે કે પોતે નફો મેળવી રહ્યા છે એવી ધારણાએ વેચાણ કરશે. ફ્યુચરમાં મુદ્દત નક્કી હોય છે, ડિલિવરી ક્યાં મળશે એ નક્કી હોય છે અને કેટલાક વાયદામાં ડિલિવરી હોતી જ નથી. માત્ર નફો કે નુકસાનની ભરપાઈ કરી રોકડમાં પતાવટ કરવામાં આવે છે.
હાલ અમેરિકામાં શિકાગોમાં પાણીના વાયદા ચાલે છે. ઓસ્ટ્રેલિયામાં પણ આ રીતે પાણીમાં ટ્રેડિંગ થાય છે.
ભારતમાં કૃષિ, ઉદ્યોગો અને ઘર વપરાશ માટે પાણીનો ઉપયોગ થાય છે. પણ પાણીના બગાડ, ગંદા પાણીના નિકાલ માટેની નબળી નીતિ અને અન્ય સમસ્યાના કારણે પાણીની અછત રહે છે. પાણી માટે બજાર ઉભી કરવામાં આવે અને જેને જરૂર છે તે તેની કિંમત ચૂકવવા તૈયાર થાય તો પાણીના સંગ્રહ, ગંદા પાણીને રીસાયકલ કરી તેનો ફરી ઉપયોગ કરવો જેવા ક્ષેત્રે રોકાણકારો પણ આવી શકે છે.
વધુ વાંચો : રૂપિયામાં ઘસારો યથવાત, આજે 81.09 ખુલ્યો, સૌથી નીચી સપાટી