આ ચૂંટણી ભાજપ અને કોંગ્રેસે હાલના અને પૂર્વ ધારાસભ્યોના પુત્રોને ટિકિટ આપી છે
182 બેઠકોમાંથી 20 બેઠકો પર બંને પક્ષોએ તેમના નેતાઓના પુત્રો પર વિશ્વાસ મુક્યો છે
અમદાવાદ,તા.21 નવેમ્બર-2022, સોમવાર
ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસે ઓછામાં ઓછા 20 સીટો પર હાલના ધારાસભ્ય અને પૂર્વ ધારાસભ્યઓના પુત્રને એક સાથે મેદાનમાં ઉતાર્યા છે. આ ચૂંટણીમાં કોંગ્રેસે 13 નેતાઓના પુત્રોને તો ભાજપે 7 નેતાઓના પુત્રો પર કિસ્મત અજમાવી છે. આમ તો વર્ષોથી પરિવારવાદ પર મુદ્દાઓ ચર્ચાતા રહ્યા છે. અગાઉ પણ પક્ષો એક બીજા પર પરિવારમાં જ ટિકિટ આપવા અંગેના વિરોધો કરતા રહ્યા છે. જોકે આ વખતે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષોએ નેતાઓના પરિવારને ટિકિટ આપી ચૂપ થઈ ગયા છે.
ક્યાંક દબાણથી તો ક્યાં વર્ચસ્વના કારણે મળી નેતાઓના પુત્રનો ટિકિટ
દરમિયાન પક્ષોના નેતાઓ દ્વારા પણ તેમના પરિવારમાં જ ટિકિટ આપવા દબાણ કરવામાં આવે છે. પક્ષો પણ તેવા નેતાઓના વર્ચસ્વને ધ્યાને રાખી તેમની વાત માની પરિવારમાં જ ટિકિટ આપી દેતા હોય છે. રાજકીય પક્ષોમાં કેટલાક એવા નેતાઓ છે જે તેમની મનગમતી બેઠકોને પોતાનો વારસો માની લે છે. જોકે આ બેઠકો પર પણ આવા નેતાઓનું વર્ષોથી પ્રભુત્વ અને વર્ચસ્વ હોવાથી બેઠકો પર વધુ અસર જોવા મળે છે તેથી પક્ષો પણ આ નેતાઓનો વિકલ્પ શોધવામાં નિષ્ફળ જતા હોય છે. જો આ વર્ચસ્વ ધરાવતા નેતાઓના સ્થાને અન્યોને ટિકિટ અપાય તો પક્ષોને પણ નુકસાન થઈ શકે છે.
રાજ્યની આ બેઠકો પર નેતાઓના પુત્રોને અપાઈ ટિકિટ
- આ ચૂંટણીમાં ભાજપ દ્વારા છોટા ઉદેપુર બેઠક પરથી મોહનસિંહ રાઠવાના પુત્ર રાજેન્દ્રસિંહ રાઠવાને ટિકિટ અપાઈ છે. મોહનસિંહ રાઠવા આદિવાસી નેતા અને 10 વાર કોંગ્રેસના ધારાસભ્ય રહી ચુક્યા છે અને ગત વર્ષે જ તેઓ ભાજપમાં જોડાયા હતા. તો આ બેઠક પર કોંગ્રેસે પણ સંગ્રામસિંહ રાઠવાને ટિકિટ આપી છે અને સંગ્રામસિંહ પૂર્વ રેલવે મંત્રી નારણ રાઠવાના પુત્ર છે.
- અમદાવાદ જિલ્લાની સાણંદ બેઠકની વાત કરીએ તો અહીં ભાજપે હાલના ધારાસભ્ય કનુ પટેલને ફરી ટિકિટ આપી છે. કનુ પટેલ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય કરણસિંહ પટેલના પુત્ર છે. જોકે કરણસિંહ પટેલ 2017માં જ ભાજપમાં સામેલ થાય હતા.
- ખેડા જિલ્લાની ઠાસરા બેઠક પર ભાજપે યોગેન્દ્ર પરમારને ઉમેદવાર બનાવ્યા છે. યોગેન્દ્ર કોંગ્રેસમાં રહીને બે વાર ધારાસભ્ય બનેલા રામસિંહ પરમારના પુત્ર છે. રામસિંહ પરમારે 2017માં પક્ષ છોડ્યો તે પહેલા 2007 અને 2012માં કોંગ્રેસની ટિકિટ પર જીત મેળવી હતી જોકે તેઓ 2017માં તેઓ ભાજપ સામે હારી ગયા હતા.
- અમદાવાદની દાણીલીમડા બેઠક પર કોંગ્રેસે શૈલેષ પરમારને ટિકિટ આપી છે. શૈલેષ પરમાર પૂર્વ ધારાસભ્ય મનુભાઈ પરમારના પુત્ર છે. આગામી ચૂંટણી માટે કોંગ્રેસે ફરી શૈલેષ પરમાર પર વિશ્વાસ મૂક્યો છે.
- તો રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાના પુત્રને પણ ટિકિટ મળી છે. જોકે આ વખતે મહેન્દ્રસિંહ વાઘેલા કોંગ્રેસ માટે મેદાનમાં ઉતર્યા છે. મહેન્દ્રસિંહ વાઘેલા બે વખત ધારાસભ્ય પણ રહી ચુક્યા છે. મહેન્દ્રસિંહ ગત મહિને જ કોંગ્રેસમાં જોડાયા હતા અને કોંગ્રેસે તેમના પર વિશ્વાસ મૂકી ટીકીટ પણ આપી છે. આ વખતે મહેન્દ્રસિંહ વાઘેલાએ અરવલ્લીની બાયડ બેઠક પરથી ચૂંટણીમાં ઝંપલાવ્યું છે. મહેન્દ્રસિંહ વાઘેલાએ કોંગ્રેસમાં રહીને 2012 અને 2017માં ચૂંટણી જીતી ધારાસભ્ય બન્યા હતા. ત્યારબાદ તેઓ 2019માં ભાજપમાં જતા રહ્યા અને ફરી તેઓ ગત મહિને જ કોંગ્રેસમાં આવી ગયા.
- કોંગ્રેસના પૂર્વ મુખ્યમંત્રી અમરસિંહ ચૌધરીના પુત્રએ પણ ચૂંટણી મેદાનમાં પોતાની કિસ્મત અજમાવી રહ્યા છે. અમરસિંહના પુત્ર તુષાર ચૌધરી અનુસૂચિત જનજાતિ માટેની ફાળવાયેલી બેઠક બારડોલીમાંથી ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે. તેમણે 2004 અને 2009 દરમિયાન માંડવી અને 2009 અને 2014 સુધી બારડોલીમાં સાંસદ રૂપે કામગીરી કરી છે.
- તો પોરબંદર બેઠક પર ભાજપના પૂર્વ સાંસદ સ્વ. વિઠ્ઠલ રાદડિયાના પુત્ર જયેશ રાદડિયાને ભાજપે જેતપુર બેઠકની ટીકીટ આપી છે. જોકે જયેશ રાદડિયાએ 2012ની ચૂંટણીમાં જેતપુર બઠક પર કોંગ્રેસના ધારાસભ્ય તરીકે જીત મેળવી હતી. જયેશ અને તેમના પિતાએ વર્ષ 2013માં કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું હતું, ત્યારબાદ 2017ની ચૂંટણીમાં જયેશ રાદડિયાને ભાજપે જેતપુર બેઠકની ટિકિટ આપી છે.