મુંબઈ, તા. 20 સપ્ટેમ્બર 2022,મંગળવાર
ગુજરાતી મૂળના હોલીવૂડના ફિલ્મ સર્જક અને એક્ટર પાન નલિનની ગુજરાતી ફિલ્મ છેલ્લો શો ભારત તરફથી ઓસ્કરમાં સત્તાવાર એન્ટ્રી તરીકે મોકલાશે.
ફિલ્મ ફેડરેશન ઓફ ઇન્ડિયાએ આજે આ જાહેરાત કરી હતી.
ભારત તરફથી આ વખતે આરઆરઆર અથવા તો કાશ્મીર ફાઈલ્સ ઓસ્કરમાં જઈ શકે છે તેવી અટકળો ચાલતી હતી. જોકે, ભારતીય ફિલ્મ ફેડરેશનની જ્યૂરીએ છેલ્લો શો ની પસંદગી કરીને આશ્ચર્ય સર્જ્યું છે. આ ફિલ્મ અગાઉ જ સંખ્યાબંધ આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલમાં રજૂ થઈ ચુકી છે અને એવોર્ડઝ સાથે પ્રશંસા પામી ચુકી છે. ભારતમાં આ ફિલ્મ આગામી 14મી ઓક્ટોબરે રજૂ થવાની છે. રોબર્ટ દી નીરોના ટ્રિબેકા ફિલ્મ ફેસ્ટિવલમાં તેનું વર્લ્ડ પ્રિમિયર યોજાયું હતું.
છેલ્લો શો પાન નલિનની પોતાની જીવનકથા પરથી પ્રેરિત છે. સૌરાષ્ટ્રના ચલાલા ગામનો નવ વર્ષનો બાળક કેવી રીતે સિનેમા હોલના ટેકનિશિયનને સાધીને ફિલ્મો જુએ છે અને તે રીતે તે ફિલ્મોના પ્રેમમાં પડે છે તેની વાત ફિલ્મમાં બહુ સંવેદનશીલ રીતે કહેવાઈ છે.
ફિલ્મમાં ભાવિન રબારી, ભાવેશ શ્રીમાળી, રીચા મીના , દિપેન રાવલ તથા પરેશ મહેતાએ ભૂમિકા ભજવી છે.