- ફીફા વર્લ્ડ કપમાં હોસ્પિટલિટી માટે વડોદરા જેવા નાના સિટીમાંથી નિષ્ણાતોની પસંદગી થઈ હોય તેવી પ્રથમ ઘટના
વડોદરા,તા.23 નવેમ્બર 2022,બુધવાર
કતારમાં યોજાઇ રહેલા ફૂટબોલના મહા કુંભ સમાન ફીફા વર્લ્ડ કપને જોવા માટે વિશ્વભરમાંથી લાખો લોકો કતારમાં ઉમટી પડ્યા છે અહીં આઠ સ્ટેડિયમ પર થઈ રહેલા ફૂટબોલ મુકાબલાને જોવા માટે લાખો ફૂટબોલ પ્રેમીઓની સાથે દુનિયાભરમાંથી આવેલા રાજદ્વારી લોકો, ઉદ્યોગ જગતના માંધાતાઓ જેવા વીવીઆઈપીઓ પણ આવેલા છે.
વિશ્વભરના આ વીવીઆઈપી મહેમાનોની સરભરા માટે જે ચુનીંદા લોકોની પસંદગી કરવામાં આવી છે તેમાં વડોદરાના 20 યુવાઓનો પણ સમાવેશ થાય છે
આ પ્રથમ વખત બની રહ્યું છે કે ફીફા જેવી પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય ઇવેન્ટમાં હોસ્પિટલિટી માટે વડોદરા જેવા નાના શહેરમાંથી ટીમની પસંદગી કરવામાં આવી હોય આ 20 લોકોને ટીમમાં એક યુવતીનો પણ સમાવેશ થાય છે તેઓએ ત્યાં ડ્યુટી જોઈન કરી લીધી છે અને અન્ય દેશોમાંથી આવેલા તેના જેવા યુવા યુવતીઓ સાથે કિચન હોટલ અને સ્ટેડિયમના વીવીઆઈપી એરિયામાં ચાર્જ પણ સંભાળી લીધો છે.