બ્રિટિશ લાઇબ્રેરીમાં સચવાયો છે ઇ.સ 1830 નો સુરતનો પેનોરમા સ્કેચ


સુરત,તા.21 નવેમ્બર 2022,સોમવાર

હાલમાં હેરિટેજ વીક ચાલી રહ્યું છે. ત્યારે સુરતમાં પણ હજુ ઘણી એતિહાસિક ઇમારતો અને વસ્તુઓ સચવાયેલી છે. અને તેમાંનો એક સુરતનો ઇ.સ 1830 નો પેનોરમા સ્કેચ. બ્રિટીશ લાઈબ્રેરીમાં હાલમાં પણ તે સચવાયો છે

૧૭ મી અને ૧૮ મી સદીમાં સુરત એક આંતરરાષ્ટ્રિય બંદર તરીકે જગમશહૂર હતું અને દેશવિદેશથી આવતા વહાણો કિલ્લાની નજીકમાં આવેલા જકાતનાકા નજીક નાંગરવામાં આવતા હતાં. જેથી કિલ્લો એ સુરતની ઓળખ માટે કેન્દ્ર સ્થાને હતો અને આ જ કારણસર કિલ્લાની સામેના કિનારેથી જુદા જુદા દેશના પ્રવાસીઓ દ્વારા સુંદર ચિત્રો દોરવામાં આવતા હતા. જેમાંથી એક જ ચિત્રમાં ઘણાં બધાં મહત્વનાં સ્થળો દર્શાવતું ઈ.સ ૧૮૩૦ માં બનેલું સુરતનું પેનોરમા ચિત્ર ખૂબ જ પ્રસિધ્ધ છે. જેની લીથો પ્રિન્ટ અને સુરતના કેટલાક દુલર્ભ પુસ્તકો સુરતના એક સમયનાં કોટવાળ બેજનજી પાલનજી કોટવાલનાનું મકાન વેચાયા બાદ મળી આવ્યા હતાં.

આ અંગે ઈતિહાસકાર સંજય ચોકસીએ કહ્યું કે, આ સ્કેચની પ્રિન્ટ મળી ત્યારે તે ખૂબ જર્જરિત અવસ્થામાં ત્રણ ભાગમાં હતી. જે સુરતનાં એન્ટિક ડીલર ધનપાલભાઈ અને રોહિતભાઈ વકીલ દ્વારા તેને ડીજીટલાઈઝડ રીસ્ટોરેશન કરી તેની ડીજીટલ પ્રિન્ટ તૈયાર કરવામાં આવી. મૂળ એક ફૂટ બાય સાત ફૂટ લંબાઈની સાઈઝનાં આ સ્કેચની લંબાઈ ત્રણ ગણી વધારે કરીને કેટલીક જગ્યાઓ ઉપર પ્રદર્શિત પણ કરવામાં આવ્યો છે. સ્કેચ અંગ્રેજ લશ્કરનાં બોમ્બે નેટિવ ઇન્ફેન્ટ્રીનાં સૈનિક થોમસ પોસ્ટન દ્વારા ઈ.સ ૧૮૩૦ માં તૈયાર કરવામાં આવ્યો છે જેને આલ્ફ્રેડ રોબર્ટ ફ્રીબેર્ન દ્વારા કોતરકામ કરવામાં આવ્યો અને ત્યારબાદ બોમ્બે પ્રોવિન્સમાં ૨૧ માર્ચ ૧૮૩૧ થી ૧૦ માર્ચ ૧૮૩૫ સુધી ગવર્નર પદ પર રહેલાં દુબઈનાં ગવર્નર અર્લ ઓફ કલેરને સુપરત કરવામાં આવ્યો હતો. થોમસ પોસ્ટને મુંબઈ ઇન્ફેન્ટ્રીની નિમણૂંક દરમિયાન ગુજરાત ભ્રમણ કર્યુ હતું અને સુરત ઉપરાંત તેમણે કચ્છ પ્રવાસ દરમ્યાન ચિત્રો દોર્યા હોવાનો ઉલ્લેખ મળે છે. આ સ્કેચ પર લખવામાં આવ્યું છે ‘ મુઘલસરાઈ ધ સીટી ઓફ સુરત ’તેમજ સ્કેચમાં મુન્સફ હાઉસ, દરિયા મહલ, બેસિન દરિયા મહલ, જુના ફૂ, ચોકબજારનો કિલ્લો કે જેની પર બ્રિટિશ ધ્વજ લહેરાય છે. ડક્કા ઓવારા, ડચ બંદર ઓવારા, એન્જિયર ઓફિસ, ટ્રાવેલર્સ બંગલો, જુની ટેલિગ્રાફ ઓફિસ, અદાલત બિલ્ડીંગ સહિત મુઘલસરાઈ અને અંગ્રેજ કોઠી સુધીનાં સમગ્ર વિસ્તારને કંડારવામાં આવ્યો છે. સ્કેચમાં તેનાં પ્રમાણનો ખૂબ જ ખ્યાલ રાખવામાં આવ્યો છે તેમજ ઓવારા પર નદીકિનારે ઊભેલા લોકોનો પહેરવેશ પણ નિહાળી શકાય છે. તેમજ તેમની પ્રવૃત્તિનો પણ આછો ખ્યાલ આવે છે. આ સ્કેચ બેજનજી કોટવાલના દ્વારા વર્ષો સુધી સાચવવામાં આવ્યો હતો. બેજનજી કોટવાલનાને નિયમિત રીતે ડાયરીમાં દૈનિક નોંધ લખવાની ટેવ હતી. એમણે ટી.સી.હોપ સાહેબ સાથે પણ કામ કર્યુ હતું જેની વિગતો તેમની ડાયરીઓની નોંધમાંથી પ્રાપ્ત થાય છે.



Source link

Leave a Comment