ભાવનગરમાં તોફાની પવન સાથે અડધો કલાકમાં દોઢ ઈંચ વરસાદ


– ધોધમાર વરસાદના કારણે રસ્તાઓ જળમગ્ન, પગથિયા ડૂબ્યાં

– સિહોર, વલ્લભીપુર, પાલિતાણામાં અડધો ઈંચ, જેસરમાં પોણો અને પાલિતાણા, ઘોઘામાં પા ઈંચ મેઘમહેર વરસી 

ભાવનગર

ભાવનગરમાં સતત બીજા દિવસે મેઘરાજાની સટ્ટાસટી જારી રહી હતી. બપોરે તોફાની પવન સાથે માત્ર અડધો કલાકમાં જ સવાથી દોઢ ઈંચ ધોધમાર વરસાદ ખાબકી જતાં રસ્તાઓ જળમગ્ન થઈ ગયા હતા. સર્વત્ર પાણી, પાણીથી લોકોના ઘરના પગથિયા પણ પાણીમાં ડૂબી ગયા હતા. ભાવનગર ઉપરાંત જિલ્લાના છ તાલુકામાં પા ઈંચથી લઈ પોણો ઈંચ વરસાદ ખાબકી જતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.

ભાવનગર જિલ્લામાં આજે વહેલી સવારથી જ વરસાદી માહોલ જોવા મળ્યો હતો. દરમિયાનમાં ભાવનગર શહેરમાં બપોરે સાડા ત્રણ કલાક આસપાસ આકાશમાં ઘેરાયેલા કાળાડિબાંગ વાદળોના કારણે અંધકાર છવાયો હોય તેવું વાતાવરણ સર્જાયું હતું. ત્યારબાદ તોફાની પવન સાથે મેઘરાજા એકાએક ધોધમાર વરસી પડતા અડધો કલાકમાં સત્તાવાર રીતે સવા ઈંચ જ્યારે બિનસત્તાવાર રીતે દોઢ ઈંચથી વધુ વરસાદ ખાબકી ગયો હતો. વરસાદના પગલે શહેરના ક.પરા, નવાપરા, કુંભારવાડા સહિતના અનેક વિસ્તારોમાં ગોઠણ સમા પાણી ભરાયા હતા. ઘણી જગ્યાએ લોકોના ઘરમાં વરસાદી પાણી ઘૂસ્યા હતા. તો મકાનના પગથિયા પણ પાણીમાં ગરકાવ થયાના દ્રશ્યો જોવા મળ્યા હતાં. અડધો કલાક ધોધમાર મહેર બાદ રાત સુધી છુટોછવાયો ઝરમર વરસાદ વરસવાનું શરૂ રહ્યું હતું. જેના કારણે રાત્રિના આઠ કલાક સુધીમાં ભાવનગરમાં ૩૪ મિ.મી. પાણી વરસ્યાનું ફ્લડ કંટ્રોલ વિભાગમાં નોંધાયું છે.

આ ઉપરાંત જેસરમાં પણ ગઈકાલની ધોધમાર ઈનિંગ બાદ મેઘરાજાએ આજે પોણો ઈંચ (૧૭ મિ.મી.) પાણી વરસાવ્યું હતું. જ્યારે વલ્લભીપુરમાં અડધો ઈંચથી વધુ ૧૫ મિ.મી., સિહોરમાં ૧૧ મિ.મી., ગારિયાધારમાં ૧૦ મિ.મી., ઘોઘામાં ૦૬ મિ.મી. અને પાલિતાણામાં ૦૫ મિ.મી. વરસાદ નોંધાયો છે. 

ભાવનગર જિલ્લાનો રંઘોળા ડેમ ૮૦ ટકા ભરાયો

બોટાદ જિલ્લાનો ઘેલો ઈતરીયા ડેમ છલકાયો 

રંઘોળા ડેમમાં એક ઇંચ અને લાખણકા ડેમમાં અડધો ઇંચ વરસાદ : લીંબાળી સહિતના કેટલાક ડેમમાં પાણીની આવક શરૂ 

બોટાદ જિલ્લાનો ઘેલો ઈતરીયા ડેમ ગઈકાલે બુધવારે રાત્રીના સમયે છલકાયો હતો, જયારે ભાવનગર જિલ્લાનો રંઘોળા ડેમ આજે ગુરૂવારે ૮૦ ટકા ભરાય ગયો છે. આજે રંઘોળા ડેમમાં આશરે એક ઇંચ અને લાખણકા ડેમમાં અડધો ઇંચ વરસાદ વરસ્યો હતો. લીંબાળી સહિતના કેટલાક ડેમમાં પાણીની આવક શરૂ હતી. 

મેઘરાજાની મહેર યથાવત છે તેથી બોટાદ જિલ્લાનો ઘેલો ઈતરીયા ડેમ ગઈકાલે બુધવારે રાત્રીના ૧૦ કલાકના સમય આસપાસ છલકાય ગયો હતો. આ ડેમમાં આજે ગુરૂવારે સાંજે પણ ૩૮૪ કયુસેક પાણીની આવક-જાવક શરૂ હતી. ભાવનગર જિલ્લાનો રંઘોળા ડેમ આજે ગુરૂવારે ૮૦ ટકા ભરાય ગયો છે અને આ ડેમમાં ૧૩ર૦ કયુસેક પાણીની આવક શરૂ છે. આ ડેમમાં પાણીની આવક શરૂ રહેશે તો ડેમ ગમે ત્યારે છલકાવાની શકયતા છે. આજે રંઘોળા ડેમમાં ર૦ મીલીમીટર એટલે કે આશરે ૧ ઇંચ અને લાખણકા ડેમમાં ૯ મીલીમીટર એટલે કે આશરે અડધો ઇંચ વરસાદ વરસ્યો હતો. 

લીંબાળી ડેમમાં આજે ૧૮૮ કયુસેક પાણીની આવક શરૂ હતી. કેટલાક ડેમ અગાઉ છલકાય ગયા હોવાથી ડેમમાં પાણીની આવક-જાવક શરૂ છે, જેમાં કાળુભાર ડેમમાં ર૩૪૬ કયુસેક, બગડ ડેમમાં પ૩ કયુસેક અને રોજકી ડેમમાં ૧૧ કયુસેક પાણીની આવક-જાવક શરૂ હતી. આગામી દિવસોમાં હજુ વરસાદ શરૂ રહેશે તો કેટલાક ડેમ છલકાશે તેમ જણાય રહ્યુ છે. કેટલાક ડેમ છલકાય ગયા જતા આસપાસ ખેડૂતોને રાહત થઈ ગઈ છે. Source link

Leave a Comment