- સફાઈ કામદારો વર્ષોથી રજુઆત કરે છે પરંતુ પ્રશ્ન હજુ પણ યથાવત
- વારસદારને નોકરી ઉપર લેવા, કોન્ટ્રાકટ પ્રથા રદ કરવી સહિતની માંગણીઓ હલ કરવા મહાપાલિકાના કમિશનરને આવેદન અપાયુ
ભાવનગર : ભાવનગર મનપાના સફાઈ કામદારના પ્રશ્ન ૧૦ દિવસમાં હલ નહી થાય તો આંદોલનની ચીમકી આપવામાં આવી છે. સફાઈ કામદારો વર્ષોથી રજુઆત કરે છે પરંતુ પ્રશ્ન હજુ પણ યથાવત છે. સફાઈ કામદારોએ તાજેતરમાં પડતર પ્રશ્ને મહાપાલિકાના કમિશનરને આવેદન પત્ર આપ્યુ હતુ અને તત્કાલ પ્રશ્ન હલ કરવા માંગણી કરી હતી. પડતર પ્રશ્ન હલ નહી થતા સફાઈ કામદારોમાં રોષ જોવા મળી રહ્યો છે.
મહાપાલિકામાં ફરજ બજાવતા સફાઈ કામદારોના અણ ઉકેલ પ્રશ્નો અંગે વર્ષોથી રજુઆતો કરવા છતા કોઈપણ પ્રશ્નોનુ હકારાત્મક નિવારણ આવેલ નથી. ભુતકાળમાં અનેકવાર આંદોલનો કરવામાં આવેલ છે. મહાપાલિકાના સત્તાધિશોએ મંડળો સાથે સમાધાન કરેલ પરંતુ તેનો અમલ કરવામાં આવેલ નથી. સફાઈ કામદારોની માંગણી છે કે, જયારથી વારસદાર લેવાનુ બંધ કરવામાં આવેલ છે ત્યારથી અત્યાર સુધીના વારસદારો તથા આશ્રિતોને કામ પર લેવા, ડ્રેનેજ વિભાગ, સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ તેમજ કોન્ઝવંશી વિભાગમાં ચાલતા સફાઈ કામોના કોન્ટ્રાકટ રદ કરવા, સેટઅપમાં જે જગ્યાઓ ખાલી પડેલ છે તેમાં બેરોજગારોને નોકરી આપવી, રોજમદાર સફાઈ કામદારોને કાયમીક કરવા, સફાઈ કામદારોની હાજરી ૪ ટાઈમ લેવામાં આવે છે તેના બદલે બે ટાઈમ હાજરી લેવી સહિતના ૧૧ પ્રશ્ન હલ કરવા જરૂરી છે.
પડતર પ્રશ્ન હલ નહી થતા સફાઈ કામદારોમાં કચવાટ ફેલાયો છે. આ બાબતે વાલ્મીકી સમાજ સંઘર્ષ સમિતિ-ભાવનગરના આગેવાનોએ તાજેતરમાં મહાપાલિકાના કમિશનરને રજુઆત કરી હતી અને તત્કાલ યોગ્ય પગલા લેવા માંગણી કરી છે. પ્રશ્ન હલ નહી થાય તો આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી આપવામાં આવી છે. સફાઈ કામદારોના પ્રશ્ને શુ નિર્ણય આવે છે ? તેની રાહ જોવી જ રહી.