અમદાવાદ, તા. 20 સપ્ટેમ્બર 2022, મંગળવાર
રાજ્યમાં રખડતા ઢોરનો ત્રાસના કારણે હાઈકોર્ટની લાલઆંખ બાદ સરકારે તાત્કાલિક કાયદો ઘડ્યો હતો. સરકાર તરફ રાહતની અપેક્ષાની સામે સરકારે કડક કાયદાની અમલવારીની જાહેરાત કરતા માલધારી સમાજે સરકાર સામે મોરચો માંડ્યો છે. માલધારી સમાજે 21 તારીખે દૂધની હડતાળ અને 22 તારીખે ગાયને ગોળના લાડવા ખવડાવવાની જાહેરાત કરી છે.
બુધવારે બિગ બાસ્કેટ દૂધ વિતરણ નહિ કરે
એક દિવસ પહેલાં જ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે રખડતા ઢોર નિયંત્રણનું બિલ પરત મોકલ્યું હતુ પરંતુ માલધારી આગેવાનોએ તમામ માંગણીઓ સરકાર સ્વીકારે તો જ આંદોલન પરત ખેંચવાની ચિમકી ઉચ્ચારી છે. હડતાળ વચ્ચે મળતી માહિતી પ્રમાણે બિગ બાસ્કેટ તરફથી સમગ્ર ગુજરાતમાં એક દિવસ દૂધનું વેચાણ કરવામાં નહિ આવે. આ સિવાય ગ્રાહક અન્ય ગ્રોસરી સામાન તેમજ અન્ય શોપિંગ કરી શકશે.માલધારી સમાજે આપેલ બંધના એલાનને પગલે રાજ્યભરમાં દૂધના વિતરણમાં વિક્ષેપ પડશે.
આ પણ વાંચો: માલધારીઓનું એલાન : 21મીએ સમગ્ર ગુજરાતમાં દૂધનું વેચાણ બંધ
માલધારી સમાજના આગેવાન નાગજીભાઇ દેસાઇએ કહ્યું કે, અમારું આંદોલન ચાલુ જ છે અને રહેશે. 21 તારીખે દૂધની હડતાળ પાળવામાં આવશે અને 22 તારીખે ગાયને ગોળના લાડવા ખવડાવવામાં આવશે. આમારી તમામ માગણી નહિ સંતોષાય ત્યાં સુધી આંદોલન યથાવત રહેશે. સરકારે માત્ર એક માંગ સ્વીકારી છે પરંતુ સમાજ ઇચ્છે છે કે અમારી તમામ 11 માંગણીઓ સરકારે સ્વીકારવી પડશે.
આવતીકાલે મળનાર વિધાનસભાના બે દિવસના ટૂંકા વિશેષ સત્રના પ્રથમ દિવસે જ રખડતા ઢોર નિયંત્રણ કાયદા માટેનું આ બિલ પરત ખેંચી લેવામાં આવશે.
આ પણ વાંચો: સરકારે બિલ પાછુ ખેંચ્યું, માલધારીઓ તમામ 11 માંગણીઓ સાથે અડગ