મુખ્ય ચૂંટણી કમિશ્નર અને ચૂંટણી કમિશ્નરની નિયુક્તિ પર સુપ્રીમ કોર્ટમાં થઈ સુનાવણી


નવી દિલ્હી: મુખ્ય ચૂંટણી કમિશ્નર અને ચૂંટણી કમિશ્નરની નિયુક્તિ પ્રક્રિયાને લઈને સુપ્રીમ કોર્ટમાં ગુરુવારે ફરીથી સુનાવણી થઈ હતી. આ દરમિયાન કેન્દ્ર સરકારે સંવિધાન પીઠને અરુણ ગોયલની નિમણૂંક પદ પર નિયુક્તિ પ્રક્રિયા સંબંધિત ફાઈલ સોંપી હતી. જસ્ટિસ કેએમ જોસેફની અધ્યક્ષતાવાળી પાંચ સભ્યોની પીઠે ફાઈલ વાંચ્યા બાદ તેમની નિમણૂંક પ્રક્રિયા પર સવાલો ઊભા કર્યા હતા. આ બેન્ચમાં જસ્ટિસ અજય રસ્તોગી, અનિરુદ્ધ બોસ, ઋષિકેસ રાય અને સીટી રવિકુમાર સામેલ છે. જસ્ટિસ અજય રસ્તોગીએ કેન્દ્ર તરફથી આટલું જલ્દી ગોયલની ફાઈલ આગળ વધારવાનું કારણ પુછ્યું છે. તેમણે પુછ્યું કે, 24 કલાકની અંદર કેવી રીતે તપાસ કરી નાખી? આપની જાણકારી માટે જણાવી દઈએ કે, 3 દિવસ પહેલા ભારતના નવા ચૂંટણી કમિશ્નર તરીકે અરુણ ગોયલની નિયુક્તિ થઈ હતી.

પંજાબ કૈડરના પૂર્વ આઈએએસ અધિકારી ગોયલે 18 નવેમ્બરે ઉદ્યોગ સચિવના પદેથી સ્વૈચ્છિક સેવાનિવૃતિ લીધી હતી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, ચૂંટણી કમિશ્નરે પદની ખાલી જગ્યાની ઘોષણા 15 મેના રોજ કરી અને અરુણ ગોયલની ચૂંટણી કમિશ્નર તરીકે નિયુક્તિવાળી ફાઈલને વિજળી વેગે મંજૂરી આપી દીધી. આ કેવા પ્રકારનું મૂલ્યાંકન છે. અમે ઈસી અરુણ ગોયલની શાખ પર સવાલ નથી ઉઠાવી રહ્યા, પણ તેમની નિયુક્તિ પ્રક્રિયા પર સવાલ ઉઠાવી રહ્યા છીએ. તેના પર અટોર્ની જનરલ આર વેંકટરમણીએ કહ્યું કે, તેઓ તમામ બાબતોના જવાબ આપશે, પણ કોર્ટ તેમને બોલવાનો મોકો તો આપે. અટોર્ની જનરલે વડી અદાલતની સંવિધાન પીઠને કહ્યું કે, વિધિ અને ન્યાય મંત્રાલય જ સંભવિત ઉમેદવારની યાદી બનાવે છે. પછી તેમાં સૌથી યોગ્યની પસંદગી થાય છે. તેમાં પ્રધાનમંત્રીની પણ ભૂમિકા હોય છે.

આ પણ વાંચો: મતદાન જાગૃતિ માટે ચૂંટણીતંત્ર ચલાવશે સહી ઝુંબેશ, જિલ્લાની 18 કોલેજોમાં યોજાશે ખાસ કાર્યક્રમ

આ અગાઉ જસ્ટિસ કેએમ જોસેફની અધ્યક્ષતાવાળી 5 સભ્યોની સંવિધાન પીઠે કાલે થયેલી સુનાવણી દરમિયાન કેન્દ્ર સરકાર તરફથી રજૂ થયેલા અટોર્ની જનરલ આર વેંકટરમણીને કહ્યું હતું કે, અમે જોવા માગીએ છીએ કે, નિયુક્તિ કેવી રીતે થઈ? કઈ પ્રક્રિયાનું પાલન કર્યું છે. કંઈક આમ તેમ તો નથી થયું ને? કારણ કે ગોયલે હાલમાં જ સેવાનિવૃતિ લીધી હતી. નિયુક્તિ કાયદાકીય રીતે યોગ્ય છે, તો ગભરાવાની જરુર નથી. આ વિરોધાત્મક પગલું નથી. અમે તેને ફક્ત રેકોર્ડ માટે રાખીશું. અટોર્ની જનરલ આર વેંકટરમણીએ ફાઈલ જોવા બાબતે સુપ્રીમ કોર્ટના ઈરાદા પર વાંધો ઉઠાવ્યો, પણ વડી અદાલતે તેમના વાંધાને ફગાવી દીધા હતા. તેમણે કહ્યું કે, સુપ્રીમ કોર્ટ ચૂંટણી કમિશ્નર અને મુખ્ય ચૂંટણી કમિશ્નરની નિયુક્તિથી સંબંધિત વ્યાપક મામલાને જોઈ રહી છે. ત્યારે આવા સમયે કોઈ વ્યક્તિગત કેસને જોવા જોઈએ નહીં, મારો તેના પર કડક વાંધો છે.

જેના પર બેન્ચે કહ્યું કે, અમે જાણવા માગીએ છીએ કે, આપનો દાવ સાચો છે કે નહીં, કેમ કે 17 નવેમ્બરથી સુનાવણી કરી રહ્યા છીએ, નિયુક્તિ વચ્ચે 19 નવેમ્બરે આપવામાં આવી. આ એકબીજા સાથે કનેક્ટ થઈ શકે છે. આ દરમિયાન નિયુક્તિ ન કરી હોત તો સારુ રહેતું. અમે જાણવા માગીએ છીએ કે, આ નિયુક્તિ માટે કોણે પ્રેરણા આપી હતી. આર. વેંકેટરમણીએ દલીલ આપી હતી કે, 1991 એક્ટમાં એ નક્કી કર્યુ છે કે ચૂંઠણી પંચ પોતાના સભ્યોના વેતન અને તેમના કાર્યકાળને લઈને સ્વતંત્ર રહેશે. દિનેશ ગોસ્વામીના રિપોર્ટે સંસદને કાયદા દ્વારા પારિત કર્યો છે. ત્યારે આવા સમયે એવું કોઈ કારણ નથી કે સુપ્રીમ કોર્ટ આ મામલામાં દખલ આપે. પાંચ જજોની બેન્ચે કહ્યું કે, સ્વતંત્ર સંસ્થા એવી હોવી જોઈએ જેમાં નિયુક્તિની એન્ટ્રી લેવલ સ્કેન હોય. અમે ઈચ્છીએ છીએ કે, આવી પ્રક્રિયા હોય, જેમાં ચીફ ઈલેક્શન કમિશ્નરની નિયુક્તિમાં ચીફ જસ્ટિસ ઓફ ઈંડિયા પણ સામેલ હોય, જેથી ચૂંટણી પંચની નિષ્પક્ષતા જળવાઈ રહે.

Published by:Pravin Makwana

First published:

Tags: Chief election commissioner, Supreme Court



Source link

Leave a Comment