મેંગલુરુ: રિક્ષા બ્લાસ્ટમાં ઘાયલ મોહમ્મદ શરીક જ આરોપી, NIAને સોંપવામાં આવી શકે છે તપાસ


મેંગલુરુમાં શનિવારે સાંજે લગભગ 5 વાગ્યે એક રિક્ષામાં વિસ્ફોટ થયો હતો, જેમાં બે લોકો ઘાયલ થયા હતા. કર્ણાટકના ગૃહમંત્રી અરાગા જ્ઞાનેન્દ્રએ રવિવારે કહ્યું હતું કે, આશંકા વર્તાઈ રહી છે કે આ આતંકી ઘટના છે. રાજ્ય પોલીસ હવે કેન્દ્રીય એજન્સીઓ સાથે મળીને ઝીણવટભરી તપાસ કરી. આ વિસ્ફોટમાં એક ઓટો રિક્ષા ચાલક અને અન્ય એક વ્યક્તિ ઘાયલ થયા છે, જેના પર મેંગલુરુ વિસ્ફોટને અંજામ આપવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. તેની ઓળખ કર્ણાટકના તીર્થહલ્લીના રહેવાસી મોહમ્મદ શારિક (24) તરીકે થઈ છે. તે સપ્ટેમ્બર 2022થી ફરાર હતો.

તપાસ ટીમના જણાવ્યા અનુસાર, PFI (પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા)એ પોતાના પર થયેલી કાર્યવાહી પછી ISIS (ઈસ્લામિક સ્ટેટ ઓફ ઈરાક એન્ડ સીરિયા) સાથે ગઠબંધન કરી દક્ષિણ ભારતમાં આતંકવાદી હુમલાની યોજના કરવાનું કાવતરું હતું. ISIS અને PFIના કેડર મળીને એક મોટું કાવતરું ઘડી રહ્યા છે. મેંગલુરુ બ્લાસ્ટમાં પકડાયેલા ઘાયલ સંદિગ્ધ મોહમ્મદ શારિકની પ્રારંભિક પૂછપરછમાં આ માહિતી સામે આવી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર મોહમ્મદ શારિક કટ્ટરવાદની વિચારધારાથી ખૂબ પ્રભાવિત છે. તે ભીડવાળી જગ્યાએ બ્લાસ્ટ કરવાનો હતો, સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ મામલાની તપાસ ટૂંક સમયમાં NIAને સોંપવામાં આવી શકે છે.

તમને જણાવી દઈએ કે શંકાસ્પદ આતંકવાદી ગતિવિધિઓમાં સામેલ થવાને કારણે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે થોડા સમય પહેલા PFI પર પ્રતિબંધ લગાવી દીધો હતો. આ કેસના શંકાસ્પદ શારિકને મેંગલુરુની ફાધર મુલર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. તેના પરિવારજનોની પણ પૂછપરછ કરવામાં આવશે. પરિવારના 1 પુરુષ અને 3 મહિલા સભ્યો રવિવારે હોસ્પિટલ પહોંચ્યા અને તેમને મળ્યા.

આ પણ વાંચોઃ કોર્ટની સુનાવણી દરમિયાન અચાનક એડલ્ટ વીડિયો પ્લે થયો, ગુસ્સે ભરાયેલા જજે કેસ જ બંધ કરી દીધો

આ પહેલા કર્ણાટકના પોલીસ મહાનિર્દેશક પ્રવીણ સૂદે રવિવારે કહ્યું હતું કે, ‘ઓટો રિક્ષામાં વિસ્ફોટ કોઈ નાની ઘટના નથી, તે આતંકવાદી કૃત્ય છે. તેનો હેતુ ભારે નુકસાન પહોંચાડવાનો હતો. કેસની તપાસમાં કેન્દ્રીય એજન્સીઓ (NIA અને IB)ની પણ મદદ લેવામાં આવી રહી છે. એક તપાસ અધિકારીના જણાવ્યા અનુસાર, ઓટો રિક્ષાની અંદરથી મળેલી સામગ્રી પરથી ઈમ્પ્રુવાઇઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઈસ (IED)ના ઉપયોગની પુષ્ટિ થઈ છે. શોધ દરમિયાન, પોલીસને ઓટોમાંથી બળી ગયેલું પ્રેશર કુકર અને ઈલેક્ટ્રોનિક ઉપકરણ સાથે જોડાયેલ બેટરી મળી આવી હતી.

પોલીસે જણાવ્યું હતું કે કોલ ડિટેલ રેકોર્ડ (સીડીઆર) પરથી જાણવા મળ્યું છે કે આ ફોનનો ઉપયોગ મૈસુરમાં એક મહિનાથી વધુ સમયથી કરવામાં આવ્યો હતો. તે તમિલનાડુમાં નોંધાયેલા મોબાઈલ નંબર પરથી ચલાવવામાં આવી રહ્યો હતો. નંબર ચોરાયેલા આધાર કાર્ડમાંથી ખરીદ્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, ઓટો રિક્ષાની અંદરથી એક આધાર કાર્ડ પણ મળી આવ્યું હતું, જે હુબલી જિલ્લાના પ્રેમરાજ હુતગીના નામનું હતું. પ્રેમરાજને ટ્રેસ કરવા પર જાણવા મળ્યું કે તે તુમકુરમાં રેલ્વેમાં ગ્રુપ ડીનો કર્મચારી છે. તેણે કહ્યું કે તેનું આધાર કાર્ડ ખોવાઈ ગયું છે, તેણે નવા માટે અરજી કરી છે. આધાર કાર્ડમાં પ્રેમરાજની વિગતો હતી, પરંતુ ફોટો અલગ હતો પોલીસના જણાવ્યા અનુસાર, મોહમ્મદ શારિક તેનો દુરઉપયોગ કરી રહ્યો હતો. તે તેના પિતા સાથે રેડીમેડ કપડાની દુકાન ચલાવતો હતો. મોહમ્મદ શારિક સૌપ્રથમ કર્ણાટક પોલીસના રડાર હેઠળ આવ્યો જ્યારે તેની નવેમ્બર 2020માં મેંગલુરુમાં આતંકવાદ તરફી ગ્રેફિટી દોરવા બદલ ધરપકડ કરવામાં આવી હતી.

મેંગલુરુમાં દિવાલો પર આતંકવાદ તરફી ગ્રેફિટી દોરવા બદલ શેરીક પર ગેરકાનૂની પ્રવૃત્તિઓ (પ્રિવેન્શન) એક્ટ (UAPA) હેઠળ કેસ કરવામાં આવ્યો હતો. હાલ તે જામીન પર બહાર છે. એટલું જ નહીં, તે અન્ય એક આતંકી કેસમાં પણ ફરાર હતો. પોલીસ તેને શોધી રહી હતી. આ વર્ષે સપ્ટેમ્બરમાં, પોલીસે ભદ્રાવતીમાંથી માજર અને યાસીન નામના બે લોકોની ધરપકડ કરી હતી અને તેમના ઘરમાંથી વિસ્ફોટક સામગ્રી મળી આવી હતી. પોલીસને શંકા છે કે બંને આરોપીઓ મોહમ્મદ શારિક માટે કામ કરતા હતા. પોલીસે આ મામલે પૂછપરછ માટે શરીકને પકડવાનો પ્રયાસ કર્યો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર, શરિક શનિવારે મેંગલુરુ પાછો આવ્યો અને નકલી આધાર કાર્ડનો ઉપયોગ કરીને તેની યોજનાને અંજામ આપવાનો પ્રયાસ કર્યો. શનિવારે ઓટોમાં થયેલા વિસ્ફોટમાં 40 ટકા સુધીનો ભાગ બળી ગયો છે. એફએસએલની ટીમે તેના ઘરમાંથી વિસ્ફોટક બનાવવા માટે વપરાતી જિલેટીન પાવડર, સર્કિટ બોર્ડ, નાના બોલ્ટ, બેટરી, મોબાઈલ, લાકડાની ભૂકી વગેરે જપ્ત કર્યા છે.

Published by:Priyanka Panchal

First published:

Tags: ISIS K, Karnataka news, Serial BlastsSource link

Leave a Comment