- મોરબી દુર્ઘટના મુદ્દે હાઇકોર્ટે સરકાર-સત્તાધીશોનો ઉધડો લીધો
અમદાવાદ,તા.25 નવેમ્બર 2022,શુક્રવાર
મોરબી પુલ દુર્ઘટના મામલે ગુજરાત હાઇકોર્ટે જાતે જ દાખલ કરેલી સુઓમોટો પીઆઇએલમાં આજે ચીફ જસ્ટિસ અરવિંદકુમારના વડપણ હેઠળની બેંચે રાજય સરકાર, મોરબી નગરપાલિકા, ઓરેવા ગુ્રપ સહિતના સંબંધિત તમામ લોકોનો રીતસરનો ઉધડો લઇ નાંખ્યો હતો. મોરબી નગરપાલિકા કે રાજય સરકાર તરફથી રજૂ કરાયેલા બચાવ અને જવાબને લઇને પણ હાઇકોર્ટે ભારોભાર નારાજગી વ્યકત કરી હતી. હાઇકોર્ટે અલગ-અલગ મુદ્દાઓ પર આજે અનેક મહત્વના નિર્દેશ જારી કર્યા હતા. એક તબક્કે હાઇકોર્ટે સીટનો તપાસ રિપોર્ટ સીલબંધ કવરમાં રજૂ કરવા આદેશ કરવાની સાથે સાથે રાજય સરકારને સાફ શબ્દોમાં સુણાવ્યું હતું કે, તમારા દ્વારા રચાયેલી સીટની તપાસ જો યોગ્ય નહી હોય તો અમે બીજી સ્વતંત્ર તપાસનીશ એજન્સીને સમગ્ર મામલાની તપાસ સોંપી દઇશું. હાઇકોર્ટે સીટને પણ નક્કર તારણો સાથેનો તપાસ અહેવાલ વેળાસર આપવા જણાવ્યું હતું.
મોરબી ન.પા દ્વારા રજૂ થયેલા જવાબ અને સરકારના બચાવને લઇને હાઇકોર્ટેની ભારોભાર નારાજગી : બધાને જોરદાર ઝાટકયા
મોરબી પુલ દુર્ઘટના અંગેની પીઆઇએલમાં મોરબી નગરપાલિકા દ્વારા રજૂ થયેલા જવાબ અને રાજય સરકાર તરફથી કરાયેલા બચાવને લઇને પણ હાઇકોર્ટે ભારોભાર નારાજગી વ્યકત કરી હતી અને તમામ સત્તાધીશોને ભરચક કોર્ટમાં રીતસરના ઝાટકયા હતા. લગભગ અઢી કલાક સુધી ચાલેલી સુનાવણીમાં હાઇકોર્ટે મોરબી ન.પાથી લઇ અજન્ટા(ઓરેવા) ગુ્રપથી લઇ કલેકટર, રાજય સરકાર બધાનો વારો લઇ નાંખ્યો હતો. હાઇકોર્ટે સરકાર દ્વારા મૃતકોના પરિજનોને ચૂકવાયેલા વળતરને લઇને પણ ભારે અસંતોષ વ્યકત કર્યો હતો. હાઇકોર્ટે સરકારને માર્મિક ટકોર કરતાં જણાવ્યું હતંં કે, મૃતકોને ચાર લાખનું વળતર પૂરતું નથી. ૩૦થી ૪૦ વર્ષના ઘણા લોકોએ જીવ ગુમાવ્યા જે ઘરમાં એક માત્ર કમાનાર હોઇ શકે. કોર્ટે ઓછામાં ઓછુ દસ લાખ વળતર ચૂકવવા અને વળતરની રકમ બમણી કરવા પણ સરકારને સૂચન કર્યું હતું. હાઇકોર્ટે આ દુર્ઘટનામાં જે કોઇ ઇજાગ્રસ્ત હોય તેઓની યોગ્ય સારવાર કરવા અને જો તેમને મોટી હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર હોય તો દાખલ કરવા સરકારને તાકીદ કરી હતી.
રાજયના તમામ બ્રીજ ઉપયોગ કરવા યોગ્ય છે તેનો સર્વે કરી રિપોર્ટ આપો
મોરબી પુલ દુર્ઘટનાને લઇ હવે અગમચેતીના પગલારૂપે હાઇકોર્ટે બહુ મહત્વના નિર્દેશમાં રાજય સરકારને રાજયના આ પ્રકારના તમામ બ્રીજનો સર્વે કરવા અને તે તમામ પુલ જાહેરજનતા માટે ઉપયોગ કરવા લાયક ફીટ છે કે કેમ તેનું ફીટનેસ સર્ટિફિકેટ મંગાવી રિપોર્ટ રજૂ કરવા કડક તાકીદ કરી હતી. જે બ્રીજની મરામત કે રીપેરીંગ જરૂરી હોય તે કામગીરી દસ દિવસમાં પૂર્ણ કરી તેનો રિપોર્ટ પણ કોર્ટમાં રજૂ કરવામાં આવે.
અજન્ટા(ઓરેવા) ગુ્રપના સંચાલકો સામે શું પગલા લીધા..? : હાઇકોર્ટ
હાઇકોર્ટે સમગ્ર દુર્ઘટના પ્રકરણમાં અજન્ટા(ઓરેવા) ગુ્રપ અને મોરબી નગરપાલિકાને પણ જોરદાર ફટકાર લગાવી હતી. હાઇકોર્ટે સરકાર પાસેથી જવાબ માંગ્યો હતો કે, ઓરેવા ગુ્રપના સંચાલકો સામે શું પગલાં લેવાયા..? જેથી સરકારે જણાવ્યું કે, અમે સીટ અને એફએસએલના રિપોર્ટની રાહ જાઇ રહ્યા છીએ. કોર્ટે મોરબી નગરપાલિકાને પણ ઝાટકી કે, ઓરેવા ગુ્રપે બ્રીજની મરામત અને દશા અંગે ચેતવ્યા હતા છતાં કેમ તમે તે બાબત અવગણી..?
એગ્રીમેન્ટ વિના સાડા પાંચ વર્ષ સુધી બ્રીજ કેમ ઓરેવા ગુ્રપને વાપરવા દીધો..?
હાઇકોર્ટે રાજય સરકાર અને મોરબી નગપાલિકાને ફટકાર લગાવતાં વેધક સવાલ કર્યો હતો કે, કોઇપણ એગ્રીમેન્ટ વિના સાડા પાંચ વર્ષ સુધી તમે કેમ આ બ્રીજ ઓરેવા ગુ્રપને વાપરવા દીધો..? તમે શું ઉંઘતા હતા…? સરકાર કહે છે કે, પુલના મામલામાં સરકારને કોઇ લેવાદેવા નથી, તે નગરપાલિકા હસ્તક હતો તો, ૨૦૦૮માં કલેકટરે કેમ કોન્ટ્રાક્ટ કર્યો હતો..?
સાત અનાથ બાળકોના કિસ્સામાં રૂ.૩૭ લાખ વળતર ચૂકવાશે : સરકાર
દરમ્યાન રાજય સરકારે મોરબી ઝુલતા પુલ દુર્ઘટનામાં સાત એવા બાળકો કે જેમના માતા-પિતા બંને આ દુર્ઘટનામાં મૃત્યુ પામ્યા હોય તેઓને સરકાર દ્વારા રૂ.૩૭ લાખનું વળતર ચૂકવવામાં આવશે તેવી હાઇકોર્ટ સમક્ષ ખાતરી આપવામાં આવી હતી.
રૂ.૩૦૦૦માં બાળકોના સ્કૂલ યુનિફોર્મ કે પુસ્તકો પણ ના આવે
સરકારે હાઇકોર્ટનો ગરમ મિજાજ શાંત પાડવા જણાવ્યું કે, જે બાળકોના માતા-પિતા ગુજરી ગયા છે તે બાળકોને સરકાર દ્વારા દર મહિને રૂ.૩૦૦૦ની સહાય પણ ચૂકવાશે., જેથી હાઇકોર્ટે સરકારને સ્પષ્ટ પરખાવ્યું કે, રૂ.૩૦૦૦માં તો બાળકોના સ્કૂલ યુનિફોર્મ કે નોટો-ચોપડીઓ પણ ના આવે. તમારા વળતરની રકમ પૂરતી અને યોગ્ય નથી.
મૃતકોની જાતિ જાહેર કરવા મદુે પણ હાઇકોર્ટ સરકારને ઝાટકી
હાઇકોર્ટે મૃતકોના કેસમાં ચૂકવાયેલા વળતરમાં નામોની યાદીમાં તેમની જાતિ જાહેર કરવાને લઇને પણ સરકારને આડા હાથે લીધી હતી કે, આવી કરૂણાંતિકામાં મૃતકોની જાતિ જાહેર કરવાની વાત જ કયાં આવે છે. મૃતકોને એકસમાન ધોરણે ગણી યોગ્ય વળતર ચૂકવાવું જોઇએ.
ટિકિટના ભાવ સિવાય બ્રીજની દશા કે જોખમની તમને ચિંતા ન હતી તેવું સ્પષ્ટ દેખાય છે
હાઇકોર્ટે અજન્ટા(ઓરેવા)ગ્રુપ અને મોરબી નગરપાલિકાને આડા હાથે લેતાં જણાવ્યું કે, બ્રીજની મરામત અંગેના કોન્ટ્રાકટ અને તે અંગેના પત્રવ્યવહારને જોતાં મોરબી ન.પા અને અજન્ટા(ઓરેવા)ગુ્રપને માત્ર ટિકિટના ભાવમાં જ રસ હોય તેવું સ્પષ્ટ ફલિત થાય છે. બ્રીજની દશા કે સંભવિત જોખમ વિશે તમને કોઇ ચિંતા ન હતી તેવું સ્પષ્ટ દેખાઇ રહ્યું છે.