41 વર્ષીય જોન મેકફોલે 19 વર્ષની ઉંમરે જ જમણો પગ ગુમાવ્યો હતો. તેમણે કહ્યું કે તેમની પસંદગી “ઇતિહાસમાં મોટું ઉદાહરણ સાબિત થશે. યુરોપિયન સ્પેસ એજન્સી શારિરીક રીતે વિકલાંગ અવકાશયાત્રીને અવકાશમાં (Disabled Person in space) મોકલવા માટે પ્રતિબદ્ધ છે. કોઈ અવકાશ એજન્સીએ આ પ્રકારનો પ્રોજેક્ટ હાથ ધરવાનો પ્રયાસ કર્યો હોય તેવું પહેલી વાર બન્યું છે અને ખરેખર માનવતાના નામે એક મોટો સંદેશ આપ્યો છે.’
‘હું કંઇ પણ કરી શકું છું’
મેકફોલે કહ્યું કે, મને મારા પર ભરોસો છે. લગભગ 20 વર્ષ પહેલા મેં મારો પગ ગુમાવ્યો હતો. મને પેરાલિમ્પિક્સમાં જવાની તક મળી હતી અને ભાવનાત્મક રીતે હું ઘણો સારો થઈ ગયો હતો. જીવનના દરેક પડકારે મને આત્મવિશ્વાસ અને શક્તિ આપી. મને મારી જાતમાં વિશ્વાસ રાખવાની શક્તિ મળી કે હું કંઈ પણ કરી શકું છું. મેં ક્યારેય અવકાશયાત્રી બનવાનું સપનું જોયું ન હતું. જ્યારે ઇસીએએ જાહેરાત કરી કે તેઓ એક પહેલ માટે દિવ્યાંગ વ્યક્તિને શોધી રહ્યા છે ત્યારે જ મને તેમાં રસ જાગ્યો હતો.
3 વર્ષ સુધી ચાલશે અભ્યાસ
આ પહેલને સાકાર કરવા ત્રણ વર્ષ સુધી અભ્યાસ ચાલશે. ‘પેરાસ્ટ્રોનોટ’ (દિવ્યાંગ અવકાશયાત્રી) માટે મૂળભૂત સમસ્યાઓ વિશે સંશોધન કરવામાં આવશે. જેમાં શારીરિક વિકલાંગતા મિશન તાલીમને કેવી રીતે અસર કરી શકે છે અને જો ‘સ્પેસસૂટ’ અને વિમાનમાં કોઈ ખાસ ફેરફારની જરૂર પડશે, તો તેની પણ શોધ કરવામાં આવશે.
પ્રથમ વખત ‘પેરાસ્ટ્રોનોટ’ શબ્દનો ઉપયોગ
ઇએસએના માનવ અને રોબોટિક સંશોધનના ડિરેક્ટર ડેવિડ પાર્કરે જણાવ્યું હતું કે, હજી “લાંબી સફર કાપવાની બાકી છે”. જો કે, તેમણે આ નવી ભરતીને એક મહત્વાકાંક્ષી પ્રોજેક્ટનો ભાગ ગણાવ્યો હતો. પાર્કરે કહ્યું હતું કે કદાચ પ્રથમ વખત ‘પેરાસ્ટ્રોનોટ’ શબ્દનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, પરંતુ હું આ શબ્દ પર મારા અધિકારનો દાવો કરતો નથી.”
અંતરિક્ષમાં જવા માટે પાંચ વર્ષ જેટલો સમય લાગી શકે
તેમણે કહ્યું કે, મિશન સફળ થાય તો પણ મેકફોલને અંતરિક્ષમાં જવા માટે પાંચ વર્ષ જેટલો સમય લાગી શકે છે. પેરિસમાં પ્રેસ કોન્ફરન્સમાં મેકફોલ સહિત પાંચ અવકાશયાત્રીઓના ગૃપની જાહેરાત કરવામાં આવી હતી. આ યાદીમાં બે મહિલાઓ - ફ્રાંસની સોફી એડનોટ અને બ્રિટનની રોઝમેરી કૂગનનો પણ સમાવેશ થાય છે.
નાસાએ પણ દાખવ્યો પ્રોજેક્ટમાં રસ
નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન (નાસા)ના પ્રવક્તા ડેન હુઓતે જણાવ્યું હતું કે, નાસા ઇસીએના પેરાએસ્ટ્રોનોટની પસંદગીને ખૂબ જ રસપ્રદ રીતે જોઈ રહ્યું છે.’ તેમણે જણાવ્યું હતું કે, જો કે નાસાની પસંદગી પ્રક્રિયા હજી પણ સમાન છે, એજન્સી ભવિષ્યમાં ઇએસએ જેવા ભાગીદારો પાસેથી આવતા નવા અવકાશયાત્રીઓ સાથે કામ કરવા માટે ઉત્સુક છે.
તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, નાસા અવકાશયાત્રીઓની સલામતીને સર્વોચ્ચ મહત્વ માને છે અને કોઈપણ તબીબી સ્થિતિ જોખમી સાબિત થઈ શકે છે. જો કે, હુઓતે જણાવ્યું હતું કે “સહાયક તકનીક” સાથે “આવા ઉમેદવારો”ની સલામતીને સંપૂર્ણપણે સુનિશ્ચિત કરીને ભવિષ્યમાં પરિસ્થિતિ બદલાઈ શકે છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Astronaut, Space Travel, Space અંતરિક્ષ, દિવ્યાંગ