રાજકોટનાં પોશ અક્ષરનગર માર્ગ પર વહેલી સવારની ઘટના અગાઉ પણ માલવિયાનગર પોલીસની હદમાં વહેલી સવારે મહિલાઓની છેડતી કરતો શખ્સ પકડાયો નથી
રાજકોટ, : શહેરનાં માલવીયાનગર પોલીસની હદમાં એકાદ વર્ષ પહેલા એક શખ્સ સવારે વોકિંગમાં નિકળતી મહિલાઓની પજવણી કરતો હતો જે અંગે મોટાપાયે ફરિયાદો મળ્યા બાદ માલવીયાનગર પોલીસે સવારે પેટ્રોલીંગ શરૂ કરી દીધું હતું. તેને કારણે છેડતીનાં બનાવો તો બંધ થઈ ગયા હતાં. પરંતુ છેડતી કરનાર શખ્સ આજ સુધી પકડાયો નથી. તેવામાં માલવીયાનગર પોલીસની હદમાં ગઈકાલે વહેલી સવારે એક શખ્સે યોગા ટીચરની છેડતી કરી તેની સાથે બિભત્સ ચેનચાળા કરતા ડરી ગયેલી મહિલાએ ફરિયાદ નોંધાવી છે.
નાનામવા વિસ્તારમાં રહેતી 34 વર્ષની મહિલાએ પોલીસને જણાવ્યું કે, તે અક્ષર માર્ગ પર આવેલા એક કલાસીસમાં યોગા ટીચર તરીકે કામ કરે છે. ગઈકાલે વહેલી સવારે ઘરેથી તે પોતાનું ટુ વ્હીલર લઈ કલાસીસમાં ગઈ હતી. તે વખતે કલાસીસની બહાર એક અજાણ્યો શખ્સ માસ્ક પહેરીને પોતાનાં ટુ વ્હીલર પર બેઠો હતો તે પોતાનું ટુ વ્હીલર પાર્ક કરી અંદર જવા રવાના થઈ તે સાથે જ તે શખ્સ તેની પાછળ આવ્યો હતો તે લીફટનો દરવાજો બંધ કરવા જતા તે શખ્સે તેનો હાથ વચ્ચે નાખી લીફટનો દરવાજો બંધ થવા દીધો ન હતો. એટલું જ નહીં અચાનક પોતાનું પેન્ટ ખોલી નાખતા તે યોગા મેટ મેટ આડી નાખી લીફટની બહાર નિકળી ગઈ હતી. સાથોસાથ તે શખ્સને ત્યાંથી જતો રહેવાનું કહેતા તેને સીડી ચડવાનું કહ્યું હતું. જેથી તોણે ફરીથી તે શખ્સને અહીંથી ચાલતો થા, નહીંતર બૂમો પાડીશ તેવી ચિમકી આપી હતી. તે સાથે જ તે શખ્સે તેનાં માથા અને ગાળના ભાગે માર માર્યો હતો. એટલું જ નહીં તેનું ગળું પકડી, તેને ધક્કો મારી ત્યાંથી ભાગી ગયો હતો.
ત્યારબાદ તેણે બૂમાબૂમ કરતાં ચોકીદાર આવી પહોંચ્યો હતો. છેડતી કરનાર શખ્સે મરૂન કલરનું ટી શર્ટ, કાળા કલરનું ટ્રેક પેન્ટ પહેર્યું હતું. ચહેરા પર માસ્ક હતો. માલવીયાનગર પોલીસે ગુનો નોંધી આ ગંભીર ઘટના અંગે તપાસ શરૂ કરી છે. સ્થળ આસપાસનાં સીસીટીવી ફૂટેજ જોઈ અને આસપાસનાં લોકો પાસેથી માહિતી મેળવી પોલીસે આ કૃત્ય કરનાર શખ્સની શોધ શરૂ કરી છે.