રિચા ચઢ્ઢા પર સેનાના અપમાનનો આરોપ
ફિલ્મ કલાકારો હંમેશા કોઈને કોઈ વિવાદો સાથે જોડાયેલા રહે છે. ઘણી વખત કલાકારો એવી વાતો કહે છે, જેનાથી લોકોની ભાવનાઓને ઠેસ પહોંચે છે. આવું જ કંઈક રિચા ચઢ્ઢાના “ગલવાન’ પરના ટ્વિટ સાથે થયું છે. આ હંગામો ત્યારે શરૂ થયો જ્યારે રિચાએ ઉત્તરી આર્મી કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીના શબ્દો સામે પોતાની વાત રાખી હતી. તેણે ટ્વિટ કર્યું કે, ‘ગલવાન હાય કહી રહ્યું છે’. રિચાના આ ટ્વિટ બાદ હંગામા થતાં તેણે બીજું એક ટ્વિટ કરી માફી માંગી છે.
ઉત્તરી આર્મી કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીના શબ્દો શેર કરતી વખતે રિચાએ કોમેન્ટ કરી છે. રિચાના આ ટ્વીટ બાદ તેનો વિરોધ શરૂ થયો છે અને તે ઘટના એ એક રાજકીય એન્ગલ લીધો છે. બીજેપી નેતા મનજિંદર સિરસાએ રિચાને પોતાનું નિવેદન પાછું ખેંચવા કહ્યું છે. તે જ સમયે, સામાન્ય લોકોને પણ એવું લાગી રહ્યું છે કે રિચાએ આ ટ્વીટ દ્વારા સેનાનું અપમાન કર્યું છે.
આ ટ્વીટ દ્વારા ભારતીય સેનાની મજાક થઇ છે
ઉત્તરી આર્મી કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ કહ્યું હતું કે, ભારતીય સેના પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરને પરત લેવા જેવા આદેશો મળશે એ મુજબ અમલ કરવા માટે તૈયાર છે. તેના પર રિચાએ લખ્યું હતું કે, ‘ગલવાન હાય કહી રહ્યું છે’. તેમની આ વાતે લોકોની ભાવનાને ઠેસ પહોંચાડી હતી અને તેમને ભારત વિરોધી પણ કહેવામાં આવી રહ્યું હતું. એવું પણ કહેવામાં આવી રહ્યું હતું કે તે સેનાનું સન્માન કરી રહી નથી. તેમજ તે ભારતીય સેનાની મજાક ઉડાવી રહી છે. આ અંગે વધતા જતા વિરોધ બાદ હવે રિચાએ સોશિયલ મીડિયા દ્વારા આ સમગ્ર ઘટના માટે માફી પણ માંગી છે.