વડાપ્રધાન મોદીને મળેલી બહુમૂલ્ય સોગાતોને તમે પણ લાવી શકો છો ઘરે


મુંબઈઃ પોતાના જન્મદિવસના અવસર પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફરી એકવાર ઈ-ઓક્શનના માધ્યમથી દેશની જનતાને મળેલ ભેટ આપવા જઈ રહ્યા છે. ચોથી વખત પીએમને મળેલી ભેટોની ઇ-હરાજી કરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અપાયેલી પ્રસિદ્ધ અને નોંધપાત્ર ભેટોની ઇ-હરાજીનો ચોથો તબક્કો સંસ્કૃતિ મંત્રાલય આગામી 2 ઓક્ટોબર સુધી યોજાશે. આ હરાજીમાં પેઇન્ટિંગ્સ, શિલ્પો, હાથથી બનાવેલી વસ્તુઓ અને લોકકલાકારો સ્મૃતિચિહ્ન મેળવી શકાશે.

કઈ કઈ વસ્તુઓ ખરીદી શકો?

પરંપરાગત અંગવસ્ત્ર, શાલ, પાઘડીઓ અને ઔપચારિક તલવારો જેવી કેટલીક વસ્તુઓ વડાપ્રધાનને અવારનવાર ભેટ તરીકે આપવામાં આવે છે. આ ઉપરાંત વારાણસીમાં કાશી-વિશ્વનાથ મંદિર અને અયોધ્યામાં રામ મંદિરની પ્રતિકૃતિઓ અને મોડેલો જેવી કલાકૃતિઓ પણ ભેટમાં મળી છે. તેમજ રમતગમતની સ્મૃતિચિહ્નોનો નવો સંગ્રહ પણ છે.

પ્રોડક્ટ્સ વેબસાઇટ પર પણ જોઈ શકાય છે

કેન્દ્રીય સંસ્કૃતિ, પર્યટન મંત્રી જી કિશન રેડ્ડીએ મીડિયાને જણાવ્યું હતું કે, આ વસ્તુઓને 2019માં જાહેર બોલી લગાવીને હરાજી માટે મૂકવામાં આવી હતી. તે સમયે હરાજીના પ્રથમ રાઉન્ડમાં 1,805 ગિફ્ટ્સ બિડ માટે મૂકવામાં આવી હતી જ્યારે બીજા રાઉન્ડમાં 2,772 વસ્તુઓ હતી. અગાઉ સપ્ટેમ્બર 2021માં 1,348 વસ્તુઓની ઓનલાઇન હરાજી કરવામાં આવી હતી. ત્યારબાદ વર્ષ 2022માં 1,200 ગિફ્ટની ઓનલાઈન હરાજી થઈ રહી છે. ગિફ્ટ અને મોમેન્ટમ નવી દિલ્હીની નેશનલ ગેલેરી ઓફ મોડર્ન આર્ટમાં પ્રદર્શિત કરવામાં આવ્યા છે. આ પ્રોડક્ટ્સ વેબસાઇટ પર પણ જોઈ શકાય છે.

હરાજીમાં મુકાયેલી સૌથી મોંઘી આઈટમ

હરાજીની સૌથી મોંઘી આઇટમ ટોક્યો 2020 પેરાલિમ્પિક ગેમ્સ ગોલ્ડ મેડલ વિજેતા મનીષ નરવાલ દ્વારા ઓટોગ્રાફ કરાયેલી ટી-શર્ટ છે. તેની બેઝ પ્રાઇઝ રૂ. 10,00,000 છે. મિક્સ્ડ 50 મીટર પિસ્તોલ એસએચ1 ફાઇનલ ગોલ્ડ મેડલ જીતનારા મનીષ નરવાલે પોતાની ટી-શર્ટ આપી હતી. આ સફેદ અને વાદળી રંગની જર્સી પર ભારતીય રાષ્ટ્રધ્વજ અને પેરાલિમ્પિક કમિટી ઓફ ઇન્ડિયાનો લોગો પ્રદર્શિત કરવામાં આવ્યો છે.

સૌથી ઓછી કિંમતની વસ્તુ ભગવાન ગણેશની લઘુચિત્ર છબી છે. જેમાં ભગવાન ગણેશ એક સોનાના છત્રની નીચે ઉભા છે અને યજ્ઞોપવિત ધારણ કરી રહ્યા છે અને ગળામાં હાર પહેરે છે. તેની બેઝ પ્રાઈઝ રૂ.100 છે.

અન્ય મોંઘી વસ્તુઓમાં કોમનવેલ્થ ગેમ્સ 2022 માટે કુસ્તી ટીમના ઓટોગ્રાફેડ ટી-શર્ટ, થોમસ કપ ચેમ્પિયનશિપ 2022ના વિજેતાઓ દ્વારા ઓટોગ્રાફ આપવામાં આવેલી બેડમિન્ટન બેગ, થોમસ કપ ચેમ્પિયનશિપ 2022 ગોલ્ડ મેડલ વિજેતા કે.શ્રીકાંત દ્વારા ઓટોગ્રાફ કરવામાં આવેલ બેડમિન્ટન રેકેટ તેમજ શિલ્પકાર અરુણ યોગીરાજ દ્વારા ભેટમાં અપાયેલી નેતાજી સુભાષચંદ્ર બોઝની આરસપહાણની શિલ્પનો સમાવેશ થાય છે. આ તમામ વસ્તુઓની બેઝ પ્રાઈઝ રૂ. 5,00,000 છે.

2021માં નીરજ ચોપરાના જેવલિનની હરાજી 1.5 કરોડમાં થઈ હતી

અહીં નોંધનીય છે કે, ગત વખતે 2021માં ટોક્યો 2020 ઓલિમ્પિક ગેમ્સમાં નીરજ ચોપરા દ્વારા ઉપયોગમાં લેવામાં આવેલા જેવલિનની હરાજી 1.5 કરોડ રૂપિયામાં કરવામાં આવી હતી. નીરજ ચોપરાએ ટોક્યો 2020 ઓલિમ્પિક ગેમ્સમાં ભાલા ફેંક સ્પર્ધામાં જેવલિન થ્રો ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીતવા માટે આ ભાલાનો ઉપયોગ કર્યો હતો. નીરજ ચોપડાએ આ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ઓટોગ્રાફ વાળી ભાલાની ભેટ આપી હતી.

તમે હરાજીમાં ઉપલબ્ધ બધી વસ્તુઓ પર નજર નાખી શકો છો અને આલિંકપર જઈને તમારી પસંદગીની કોઈપણ ભેટ માટે બોલી લગાવી શકો છો.

Published by:Vrushank Shukla

First published:

Tags: Modi birthday, Modi goverment, Narendra Modi birthday, PM Narenra ModiSource link

Leave a Comment