આ અસાધ્ય રોગ થવાનું જોખમ 70 વર્ષથી વધુ વયના લોકોને વધારે ભારતમાં આયુષ્ય વધતા રોગનું પ્રમાણ વધ્યું છે સૌરાષ્ટ્રમાં પણ દર્દી વધી રહ્યા છે, સારવારથી રોગને આગળ વધવામાં બ્રેક લાગે પણ મટાડી નથી શકાતો, રોગમાં દર્દી સગાને ભુલી જાય છે
રાજકોટ, : વિશ્વભરમાં અસાધ્ય અને ભારે પીડા આપતા ડિમેન્શિયા રોગ ઉપર વિશ્વ આરોગ્ય સંસ્થાએ પ્રથમવાર તાજેતરમાં બ્લુ પ્રિન્ટ જાહેર કરીને આ રોગનો ખતરો દિનપ્રતિદિન, મનુષ્યનું સરેરાશ આયુષ્ય વધવાની સાથે વધી રહ્યો છે તે અંગે ચિંતા વ્યક્ત કરાઈ છે અને તેના સંશોધન પર ભાર મુક્યો છે. આ અસાધ્ય રોગ કે જેમાં વ્યક્તિ બધ્ધુ ભુલવા લાગે છે તે અંગે ઈજીપ્તમાં ત્રણ દિવસ સુધી વિશ્વના તબીબોએ મનોમંથન કર્યું હતું તેમાં ભાગ લેનાર રાજકોટના ન્યુરો સર્જન ડો.હેમાંગ વસાવડાએ જણાવ્યું કે ભારતમાં લોકોનું આયુષ્ય વધ્યું છે તેની સાથે જ આ રોગ વધ્યો છે. કારણ કે આ રોગ મોટી ઉંમરે, આપણા દેશમાં ખાસ કરીને 70 વર્ષની વય પછી થવાનું જોખમ વધારે છે.
માણસોના થતા મૃત્યુનું ડિમેન્શિયા સાતમું કારણ છે. ઈ.સ. 2019માં 16 લાખ લોકો આ રોગથી મૃત્યુ પામ્યા હતા. હાલ 5.52 કરોડથી વધુ દર્દીઓ અને તેમના કરોડો પરિવારજનો પણ રોગની વેદના સહન કરી રહ્યા છે અને વિશ્વના તજજ્ઞાોના અંદાજ મૂજબ ઈ.સ. 2030 સુધીમાં આ દર્દીઓની સંખ્યા 7.80 કરોડે પહોંચવાનો સંભવ છે. ઈ.સ. 2000થી 2019 સુધીમાં આ રોગના દર્દીઓની સંખ્યામાં 188 ટકાનો વધારો નોંધાયો છે. જો કે, હજુ અનેક દેશોમાંથી પર્યાપ્ત આંકડા આવતા નથી.
ન્યુરો સર્જને કહ્યું કે ચાલીસ-પચાસ વર્ષ પહેલા લોકો ઓછુ જીવતા હતા અને આ રોગનું પ્રમાણ પણ ઓછુ હતું, હવે તબીબી સુવિધાઓ વધી છે અને લોકોની ઉંમર પણ વધી છે. સૌરાષ્ટ્રમાં પણ તેના દર્દીઓ વધી રહ્યા છે. અમે જોયું છે કે આ રોગથી દર્દી પર કુટુંબમાં, આર્થિક અને સામાજિક એમ ત્રણ પ્રકારની ગંભીર માઠી અસરો પહોંચે છે. આ રોગના કારણોમાં મુખ્ય એક કારણ અલ્ઝાઈમર છે, ઉપરાંત વાસ્ક્યુલર છે, મગજમાં લોહી ઓછુ પડે, જ્ઞાાનતંતુ સુકાવા લાગે, વાયરલ ઈન્ફેક્શનથી બ્રેઈન પર અસર થાય કે હેડ ઈન્જરી સહિતના કારણો પણ હોય છે પણ આંકડાઓ પરથી એ નક્કી છે કે 40થી 59 વર્ષના દર્દીઓ માત્ર 0.2 ટકા, 60 થી 69 વય જુથના 3.3 ટકા જ્યારે 70થી 79 વર્ષના 11.3 ટકા દર્દીઓ હોય છે. જ્યારે સૌથી વધારે 80 થી 89 વર્ષના 35.5 અને 90 વર્ષથી વધુ વયના 35.9 ટકા દર્દીઓ છે. મતલબ, 70 વર્ષ પછી રોગનો ખતરો વધે છે અને 80 વર્ષ પછી વધુ જોખમ રહે છે.