સી.જી.એસ.ટી.ની પુછપરછમાં એક જ જવાબ 'મને ખબર નથી'


- વલી હાલારી જેલ હવાલે કરાયો

- માર માર્યાના આક્ષેપ બાદ એફ.એસ.એલ. રીપોર્ટમાં જાતે નિશાન ઉભા કરાયા : રૂા. 10 કરોડની ખોટી વેરા શાખાના મામલે સજાની કાર્યવાહી હાથ ધરાશે

ભાવનગર : રૂા. ૧૦.૫૦ કરોડની ખોટી વેરાશાખા મેળવનાર અને ૫૦ કરોડથી વધુના બોગસ બિલીંગ કરનાર વલી હાલારીની ધરપકડ થયા બાદ સીજીએસટીીની કસ્ટડીમાં કોઈપણ પ્રશ્નનો ઉત્તર આપવાનું તેણે ટાળ્યું હતું. જ્યારે પોતાને માર મરાયો હોવાના આક્ષેપો થતા ફોરેન્સીક તપાસ સીજીએસટીએ માંગી હતી અને તે મારના નિશાન પોતાની જાતે ઉભા કરાયા હોવાનું જીએસટીના સુત્રોએ રીપોર્ટ આધારે જણાવ્યુ ંહતું. જ્યારે મગનું નામ મરી નહી પાડનાર વલી હાલારીને અંતે જેલ હવાલે કરાયો હોવાનું જણાયું છે.

સીજીએસટીની ટીમ ઉપર ગત તા. ૧૩ના રોજ નવાપરા સ્થિત મહેક એપાર્ટમેન્ટમાં સર્ચ દરમ્યાન થયેલ ચકચારી હુમલા પ્રકરણે હુમલા ખોર વલી હાલારીની તાજેતરમાં બાતમી આધારે લોકલ ક્રાઈમ બ્રાંચે ધરપકડ કરી હતી. જેને કોર્ટમાં રજુ કર્યા બાદ સીજીએસટીને સોંપાતા પોતાની તબીયત સારી ન હોવાનું જણાવતા સર ટી. હોસ્પિટલ ખસેડાયેલ જ્યાં તેના તમામ રીપોર્ટ નોર્મલ આવતા ઉપરાંત સીજીએસટીના અધિકારી પર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે તેણે લાકડી વતી માર મારેલ જોકે સીજીએસટીના સુત્રોના જણાવ્યા મુજબ ઉક્ત આક્ષેપનાં પગલે એફએસએલ રીપોર્ટની માંગણી કરાઈ હતી જેમાં પણ શરીર પર મળી આવેલ નિશાન પોતે જાતે લગાવ્યા હોવાનું ફલીત થયું હતું. જ્યારે પુછપરછ દરમ્યાન કશુ બોલે જ નહીં અને પોતે કશું જાણતો ન હોવાનું જણાવ્યું હતું અને કોઈ જ પ્રકારનું કો-ઓપરેટ કરેલ ન હતું. જોકે આ બોગસ બીલીંગ પ્રકરણે સીજીએસટી દ્વારા જપ્ત કરેલ દસ્તાવેજી પુરાવા ચેક કરતા અંદાજે ૫૦ કરોડથી વધુના બોગસ બીલો બનાવી ૧૦.૫૦ કરોડની ખોટી વેરાશાખ મેળવી હોવાનું ફલીત થતાં આગામી દિવસોમાં સજા માટેની કાર્યવાહી હાથ ધરાશે. હાલ વલી હાલારીને જેલ હવાલે કરેલ હોવાનું જણાયું છે. સાથો સાથ બોગસ બીલીંગ સાથે સંકળાયેલ અન્ય પેઢીઓની શોધખોળ કરી પગલા ભરવા સીજીએસટીએ કમર કસી છે.



Source link

Leave a Comment