- જે.આર. મિલમાં બૉયલરમાં આગ લાગતા જુદા જુદા ફાયર સ્ટેશનથી કાફલો ઘટના સ્થળે પહોંચ્યો
સુરત,તા.25 નવેમ્બર 2022,શુક્રવાર
પાંડેસરા જીઆઇડીસીમાં છેલ્લા કેટલાક સમયથી મિલોમાં અવાર નવાર સામાન્ય તેમજ ભીષણ આગ લાગવાના બનાવો બનતા હોય છે. તેવા સમયે ગુરુવારે સવારે આકૃતિ ડાઇંગ મિલમાં ભીષણ આગ લાગવાના બનાવમાં બે જણા દાઝી ગયા હતા. ત્યારબાદ ગુરુવારે સાંજે પાંડેસરાની વધુ એક મીલમાં આગ લાગવાથી ભાગદોડ થઈ જવા પામી હતી.
ફાયર બ્રિગેડ પાસેથી મળેલી વિગત મુજબ પાંડેસરા જીઆઈડીસીમાં જે.આર.સિન્થેટિક મિલમાં ગુરુવારે સાંજે બોયલરમાં પાઇપ માંથી ઓઇલ લીકેજ થવાને પગલે આગ ભડકી ઉઠી હતી. જેના લીધે આગને પગલે ત્યાં કામ કરતા કારીગરો બહાર દોડી આવ્યા હતા બાદમાં ત્યાં આજુબાજુના લોકોમાં નાશભાગ અને અફડાતફડી મચી ગઈ હતી.
ત્યારે ત્યાં કેટલાક કારીગરોએ આગને જાતે જ કાબુમાં લેવાના પ્રયત્નો કર્યા હતા આ અંગે ફાયર બ્રિગેડને જાણ થતા ભેસ્તાન,માનદરવાજા,અને ડિંડોલી ફાયર સ્ટેશનની ગાડી અને ફાયર બ્રિગેડનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને પાણીનો છંટકાવ કરી થોડા સમયમાં આગ પર કાબુ મેળવ્યો હતો. આ ઘટના સામાન્ય હતી અને અર્ધો કલાકની અંદર જ બધું કંટ્રોલમાં લઇ લેવામાં આવ્યું હતું. કોઈ મોટું નુકશાન કે જાનહાની નહીં થઇ હતી. એવું ફાયર ઓફિસર દિનેશ પટેલે જણાવ્યું હતું.