સુરત,તા.25 નવેમ્બર 2022,શુક્રવાર
દરેક શાળામાં દિવસની શરૂઆત પ્રાર્થના થી થાય છે અને સામાન્ય રીતે શાળામાં ૧૦ મિનિટનો સમય પ્રાર્થના માટે ફાળવવામાં આવે છે પરંતુ આ વચ્ચે રાંદેર વિસ્તારની એક નગર પ્રાથમિક શાળામાં ૨૫ મિનિટ પ્રાર્થના થાય છે અને તેમાં પણ પ્રાર્થનાની શરૂઆત ઓમકાર થી કરવામાં આવે છે.
પ્રાર્થના એ વિશ્વાસી જીવનનો આવશ્યક ભાગ છે જેને લઈને એકગ્રતા વધે છે. જેથી શાળામાં ક્લાસની શરૂઆત પહેલા વિદ્યાર્થીઓ પાસે પ્રાર્થના કરાવવામાં આવે છે. સામાન્ય રીતે દરેક શાળામાં પ્રાર્થના માટે ૧૦ થી ૧૫ મિનિટ ફાળવવામાં આવતી હોય છે જેમાં અલગ અલગ પ્રાર્થના વિદ્યાર્થીઓ પાસે કરાવવામાં આવે છે. પરંતુ રાંદેર વિસ્તારમાં આવેલી મનપા સંચાલિત રવિશંકર મહારાજ કન્યાશાળામાં વિદ્યાર્થીનીઓ દ્વારા કરવામાં આવતી પ્રાર્થના હાલ ચર્ચાનું કેન્દ્ર છે. આ વિદ્યાર્થીનીઓ પ્રાર્થના તેમના ક્લાસરૂમમાં નહીં પરંતુ ક્લાસરૂમની બહાર બેસીને કરે છે. વિદ્યાર્થીનીઓના સ્વમુખે ગવાતી આ પ્રાર્થનામાં શરૂઆત ઓમકાર તેમજ અલગ અલગ યોગીક ક્રિયાઓ થી કરવામાં આવે છે.
આ અંગે શાળાના આચાર્ય રોશની ટેલરે કહ્યું કે, પ્રાર્થનાની શરુઆત ધ્યાન - પ્રાણાયામ થી કરવામાં આવે છે. જેમાં ઓમના ઉચ્ચારણ થી તેમની પાસે ધ્યાન કરાવવામાં આવે છે. ગરદનનું પરિભ્રમણ, નેત્રનું પરિભ્રમણ, હાથનું પરિભ્રમણ જેવી અલગ અલગ યોગીક ક્રિયાઓ કરવાઈ છે. બાદમાં પ્રાર્થના ધુન અને ઘડિયા ગાન કરાવવામાં આવે છે. આ ઉપરાંત શાળામાં દિનવિશેષ અને ગુરુવાણી જેવા પ્રોગ્રામ થકી દરરોજ અલગ અલગ શિક્ષકો અલગ અલગ વિષય પર વિદ્યાર્થીનીઓને માહિતી પૂરી પાડે છે.