સુરત,તા.23 નવેમ્બર 2022,બુધવાર
તાજેતરમાં લવ- જેહાદની ઘટનાને લઈને દેશભરના લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે ત્યારે વેસુ વિસ્તારમાં આવેલી ભગવાન મહાવીર કોલેજમાં વિધર્મી યુવકો પીછો કરી યુવતી સાથે સંપર્ક વધારી અફેર કરી રહ્યા હોવાની ફરિયાદ મળતા વીએચપીના કાર્યકર્તાઓ દ્વારા વિધર્મીઓને મારમારવાની ઘટના સામે આવી છે. જેના વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાઇરલ થઇ રહ્યા છે.
દિલ્હીમાં વિધર્મી યુવક દ્વારા યુવતીના ટુકડા કરીને અંગોને ફેંકી દેવાની ઘટના બાદ હિન્દુઓની અંદર પણ આ બાબતને લઈને હવે આ ગુસ્સો જોવા મળી રહ્યો છે. વેસુ વિસ્તારમાં આવેલી ભગવાન મહાવીર કોલેજમાં કેટલાક વિદ્યાર્થીઓ સક્રિય થઈને હિન્દુ યુવતીઓ સાથે સંપર્ક વધારતા હોય તેવું ધ્યાને આવતા વિવાદ સર્જાયો છે. કોલેજની અંદર લવ જેહાદનું ષડયંત્ર ચાલતું હોવાની શંકા હતી અને વિધર્મી યુવકો દ્વારા હિન્દુ વિદ્યાર્થીનીઓને નિશાના પર લઈને તેમની સાથે પ્રેમ પ્રકરણ આગળ વધારવામાં આવતું હોવા બાબતે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા રેકી કરવામાં આવી હતી. કોલેજમાં હિન્દુ સંગઠનો દ્વારા વિધર્મીઓ હિન્દુ છોકરીઓ સાથે સંપર્ક વધારે રહ્યા હતા અને તેમની સાથે અફેર કરતા હતા. અને આ બે ત્રણ વિધર્મી યુવકો ઓળખવાની છૂપી કરી આ ષડયંત્ર કરતા હોય તેવું ધ્યાને આવતા તેમને ઓળખી વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ દ્વારા કોલેજમાં જ વિદ્યાર્થીને જાહેરમાં માર મરાયો હતો. જેના વિડીયો હાલ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યા છે.
વિશ્વ હિન્દુ પરિષદના રાષ્ટ્રીય ખજાનચી દિનેશ નાવડીયાએ કહ્યું કે, છેલ્લા ઘણા સમયથી લવજેહાદ સમગ્ર દેશમાં અને શહેરમાં પણ વધી રહ્યો છે. વિધર્મીઓ હિન્દુ યુવતીઓને પ્રેમ જાળમાં ફસાવે છે અને આખરે હિન્દુ યુવતીઓએ આપઘાત કરી લેવા સુધીની ફરજ પડે છે. સુરતની ભગવાન મહાવીર કોલેજમાં પણ કેટલાક વિદ્યાર્થીઓ સક્રિય થયા છે અને તેઓ હિન્દુ વિદ્યાર્થીઓનો સંપર્ક વધારે તેમને પ્રેમ જાળમાં ફસાવી રહ્યા હોવાની વિગતો મળી રહી હતી. આ બાબતે વિશ્વ હિન્દુ પરિષદની ટીમ કામે લાગી હતી. આ બાબતમાં તથ્ય છે કે કેમ તેની તપાસમાં જ્યારે પૂરતા પુરાવા મળ્યા કે આ વિધર્મી યુવકો હિન્દુ યુવતીઓને પ્રેમ જાળમાં ફસાવવાનો પ્રયાસ કરવાનું એક આખું ષડયંત્ર કરી રહ્યા છે. ત્યારે અમે કાર્યવાહી કરી છે. જેથી કરીને વિધર્મીઓ સુરત શહેરમાં નહીં પરંતુ દેશમાં પણ આ પ્રકારની ઘટનાઓને અંજામ ના આપે. આવી ઘટનાને અટકાવવા માટે વિશ્વ હિન્દુ પરિષદ કામ કરી રહ્યું છે.