- કારમાંથી કોંગ્રેસના પાર્કિંગ પાસ પણ મળી આવ્યા
સુરત, તા. 23 નવેમ્બર 2022, બુધવાર
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ગુજરાતમાં ચૂંટણી માહોલ જામ્યો છે. દરેક પાર્ટી પ્રચાર કરવામાં વ્યસ્ત છે. ત્યારે સુરતમાં એક કારમાંથી 75 લાખની રોકડ મળી આવી છે. લાખોની રોકડ મળી આવતા ચકચાર મચી જવા પામ્યો છે. મહિધરપુરા પોલીસ સ્ટેશન નજીક SST ટીમે રોકડ સીઝ કરી વધુ તપાસ હાથ ધરી છે. ચૂંટણી સમયે રોકડ કે દારૂની ઘૂસણખોરી પર પોલીસ દ્વારા ખાસ નજર રાખવામાં આવી રહી છે, ત્યારે લાખોની રોકડ હાથ લાગતાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
મોડી રાત્રે ચેકિંગ દરમિયાન કાર પકડાઈ હતી. કારમાં 3 લોકો સવાર હતા જેમાંથી એક ભાગી ગયો હતો. બે લોકોની પૂછપરછ કરવામાં આવી છે. પ્રાથમિક માહિતી અનુસાર, કારમાંથી કોંગ્રેસના પાર્કિંગ પાસ પણ મળી આવ્યા છે. આવામાં પોલીસ દ્વારા રોકડ કોની છે અને કોને આપવાની હતી તે સહિતના તમામ પાસાની તપાસ કરવામાં આવી રહી છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે આ રોકડ ધારા આંગડિયા મારફતે આવી હતી. કાર મહારાષ્ટ્ર પાસીંગ છે. તથા તે વિનાયક ટ્રાવેલ્સના નામે છે. આવક વેરાની ટીમ પણ આ મામલે તપાસમાં જોડાઈ છે.
ઉદય ગુર્જર અને મોહમ્મદ ફેઝને પકડવામાં આવ્યા છે. જ્યારે સંદીપ નામનો યુવક ફરાર છે જે કર્ણાટકનો રહેવાસી છે. આ મામલે કોંગ્રેસ પ્રવક્તા નૈસદ દેસાઈએ નિવેદન આપ્યું છે કે, આ મામલે કોઈ સત્તાવાર માહિતી નથી મળી. આ એક કાવતરું ઘડવાનો પ્રયત્ન છે. કારનો મિસ યુઝ કરવામાં આવ્યો છે. કોંગ્રેસને ખોટી રીતે બદનામ કરવાનું કાવતરું છે. તેમણે કહ્યું કે, કોંગ્રેસના સાહિત્ય બધે જ છે તે કોઈ પણ સ્થળે મળી શકે છે.