સૌરાષ્ટ્રનો સૌથી મોટો શેત્રુંજી ડેમ છલકાયો, 59 દરવાજા ખોલાયા


- ઉપરવાસમાંથી ૧પ,૩૪૦ ક્યુસેક પાણીની આવક શરૂ, ૧૪૦ ક્યુસેક પાણી કેનાલમાં અને ૧પ,ર૦૦ ક્યુસેક પાણી નદી મારફત દરિયામાં છોડાયું

ભાવનગર

ઉપરવાસમાંથી પાણીની ધસમસતી આવકના પગલે ભાવનગર જિલ્લાની જીવાદોરી સમાન અને સૌરાષ્ટ્રનો સૌથી મોટો શેત્રુંજી ડેમ આજે ગુરૂવારે વહેલી સવારે ઓવરફલો થયો હતો તેથી ડેમના કેટલાક દરવાજા ખોલવામાં આવ્યા હતા પરંતુ ઉપરવાસમાંથી પાણીની આવક વધતા ડેમના તમામ દરવાજા ખોલી નાખવામાં આવ્યા હતાં. શેત્રુંજી ડેમમાં પાણીની આવક-જાવક શરૂ છે. શેત્રુંજી ડેમનુ કેટલુક પાણી કેનાલમાં અને વધુ પાણી નદી મારફત દરિયામાં છોડવામાં આવી રહ્યુ છે. શેત્રુંજી ડેમ ચાલુ વર્ષે પણ છલકાતા લોકોમાં આનંદની લાગણી ફરી વળી છે.

ભાવનગર જિલ્લાના પાલિતાણા તાલુકામાં આવેલ શેત્રુંજી ડેમ સૌરાષ્ટ્રનો સૌથી મોટો ડેમ છે. ઉપરવાસમાંથી શેત્રુંજી ડેમમાં ગઈકાલે બુધવારે રાત્રીના સમયે આશરે ૧૮ હજાર કયુસેક પાણીની આવક હતી પરંતુ ત્યારબાદ પાણીની આવક ઘટીને આશરે ૪ હજાર કયુસેક થઈ ગઈ હતી. શેત્રુંજી ડેમ સવારે પ કલાકે ૩૪ ફૂટ એટલે કે ૧૦૦ ટકા ભરાય ગયો હતો. આશરે ૧૮૦૦ કયુસેક પાણીની આવક શરૂ હતી તેથી ડેમ સવારે ૬ કલાકે છલકાયો હતો અને ડેમના ર૦ દરવાજા ૧ ફૂટ ખોલવામાં આવ્યા હતાં. ત્યારબાદ ડેમમાં ફરી પાણીની આવક વધતા ૪૦ દરવાજા ખોલવામાં આવ્યા હતા અને ૩૬૦૦ કયુસેક પાણીની આવક-જાવક શરૂ હતી. સવારે ૬.૪પ કલાકના સમય આસપાસ શેત્રુંજી ડેમમાં પાણીની આવક વધતા ડેમના તમામ એટલે કે પ૯ દરવાજા ૧ ફૂટ ખોલવામાં આવ્યા હતા અને ડેમમાં પ૩૧૦ કયુસેક પાણીની આવક-જાવક શરૂ હતી. સવારે ૭.ર૪ કલાકે ૯૪૪૦ કયુસેક પાણીની આવક થતા તમામ દરવાજા ૧ ફૂટ ૬ ઇંચ ખોલવામાં આવ્યા હતાં. સવારે ૮.૧૦ કલાકે પાણીની આવક વધીને ૧પ,૩૪૦ કયુસેક થતા પ૯ દરવાજા ર ફૂટ ખોલવામાં આવ્યા હતાં. ૧પ,૩૪૦ કયુસેક પાણીની આવક-જાવક શરૂ હતી. સવારે ૧૦ કલાકના સમય આસપાસ ૧૪૦ કયુસેક પાણી કેનાલમાં છોડવામાં આવ્યુ હતુ અને ૧પ,ર૦૦ પાણી નદી મારફત દરિયામાં છોડવામાં આવ્યુ હતું. આ સ્થિતી સાંજના પ કલાકે પણ હતી તેમ સિંચાઈ વિભાગના સુત્રોએ જણાવેલ છે.

શેત્રુંજી ડેમ ઓવરફલો થતા ખેડૂત સહિતના લોકોમાં આનંદની લાગણી ફરી વળી છે. છેલ્લા કેટલાક વર્ષથી ડેમ ઓવરફલો થઈ રહ્યો છે. ડેમ છલકાતા લોકોમાં ઉત્સાહની લાગણી જોવા મળી રહી છે. ઉલ્લેખનીય છે કે, અમરેલી, જુનાગઢ જિલ્લાના કેટલાક વિસ્તારમાં વરસાદ થાય તેનુ પાણી નદી મારફતે શેત્રુંજી ડેમમાં આવતુ હોય છે. ધારી ખોડીયાર ડેમનુ પાણી શેત્રુંજી ડેમમાં છોડવામાં આવે છે તેથી અમરેલી અને જુનાગઢ પંથકમાં સારો વરસાદ થાય તેનો ફાયદો ભાવનગર જિલ્લાને મળતો હોય છે. ઉલ્લેખનીય છે કે, શેત્રુંજી ડેમ છલકાવાનો હોવાથી સરકારી તંત્ર એલર્ટ થઈ ગયુ હતું. સિંચાઈ વિભાગના અધિકારી આશીષ બાલધીયા, જીગ્નેશ જોષી સહિતના કર્મચારીઓ આખી રાત ફરજ પર હતાં.

પહેલા ર૦ દરવાજા, પછી ૪૦ અને ત્યારબાદ પાણીની આવક વધતા પ૯ દરવાજા ઉઘાડી નખાયા

સતત ત્રીજા વર્ષે શેત્રુંજી ડેમ છલકાયો

ભાવનગર જિલ્લાનો શેત્રુંજી ડેમ સતત ત્રીજા વર્ષે છલકાયો છે, જેમાં ગત વર્ષે તા. ર૦ ઓગષ્ટ ર૦ર૦ના રોજ છલકાયો હતો, જયારે ગત વર્ષે તા. ૯ સપ્ટેમ્બર ર૦ર૧ના રોજ ઓવરફલો થયો હતો. ચાલુ વર્ષે શેત્રુંજી ડેમ તા. ૧પ સપ્ટેમ્બર ર૦રરના રોજ છલકાયો છે, તે પહેલા શેત્રુંજી ડેમ ગત વર્ષ ર૦૧પમાં ઓવરફલો થયો હતો એટલે કે વચ્ચેના પ વર્ષ શેત્રુંજી ડેમ ઓવરફલો થયો ના હતો. હાલ શેત્રુંજી ડેમ ઓવરફલો થતા લોકો ગેલમાં આવી ગયા છે.

ડેમ છલકાતા સિંચાઈ અને પીવા માટે પાણીની રાહત

ભાવનગર જિલ્લાનો શેત્રુંજી ડેમ ઓવરફલો થતા તળાજા સહિતના કેટલાક પંથકમાં સિંચાઈનુ પાણી મળી રહેશે, જયારે ભાવનગર શહેરમાં પીવાનુ પાણી મળી રહેશે. શેત્રુુંજી ડેમ છલકાતા ભાવનગર શહેર અને જિલ્લાના મોટાભાગના વિસ્તારને રાહત થઈ જતી હોય છે તેથી શેત્રુંજી ડેમ ઓવરફલો થાય તે માટે ખેડૂત સહિતના લોકો પ્રાર્થના કરતા હોય છે. ચાલુ વર્ષે ભાવનગર શહેરમાં પીવાના પાણીની સમસ્યા નહી રહે તેમ જાણકારો જણાવ્યુ હતું.

શેત્રુંજી ડેમ છલકાતા આશરે પ હજાર લોકો ઉમટી પડયા

ભાવનગર જિલ્લાના પાલિતાણા તાલુકાનો શેત્રુંજી ડેમ આજે છલકાયો છે તેથી લોકોમાં આનંદની લાગણી ફરી વળી છે. શેત્રુંજી ડેમ છલકાયાના મેસેજ ફરતા થતા ડેમની આસપાસના ગામના લોકો તેમજ પાલિતાણા, તળાજા, ભાવનગર સહિતના લોકો ઉમટી પડયા હતાં. શેત્રુંજી ડેમ છલકાતો જોવો એક લાહવો છે તેથી આ લાહવો લેવા માટે લોકો આવતા હોય છે. સાંજના સમયે શેત્રુંજી ડેમે આશરે પ હજાર લોકો હતા તેમ સિંચાઈ વિભાગના સુત્રોએ જણાવ્યુ હતું.

પાણીના વધામણાં કરવા ધારાસભ્યો ડેમે પહોંચ્યા

શેત્રુંજી ડેમ ઓવરફલો થતા રાજકીય લોકો નવા નીરના વધામણા કરવા પહોંચી ગયા હતાં. ભાવનગર જિલ્લાના પાલિતાણાના ધારાસભ્ય અને તળાજાના ધારાસભ્ય પાણીના વધામણા કરવા માટે આવ્યા હોવાનુ સુત્રોએ જણાવ્યુ હતું. મહાપાલિકાના મેયર સહિતના પદાધિકારીઓ પણ પાણીના વધામણા કરવા થોડા દિવસમાં જશે તેમ જાણવા મળેલ છે.

બોરતળાવ ૩૭.૪ ફૂટ અને ખોડિયાર તળાવ ૧૬.૯ ફૂટ ભરાયું

ભાવનગર શહેરમાં આવેલ બોરતળાવના ગૌરીશંકર તળાવમાં છેલ્લા કેટલાક દિવસથી પાણીની આવક શરૂ છે. હાલ ર ફૂટ પાણીની આવક શરૂ છે તેથી ગૌરીશંકર તળાવ ૩૭.૪ ફૂટ ભરાયુ છે. છેલ્લા ર૪ કલાકમાં ૧ ફૂટ પાણીની આવક થઈ છે. પાણીની આવક શરૂ છે તેથી હજુ સપાટી વધવાની શકયતા છે. બોરતળાવ ૪૩ ફૂટે ઓવરફલો થશે તેથી તળાવ ભરાતા હજુ વાર લાગશે તેમ જણાય રહ્યુ છે. રાજપરા ખોડીયાર તળાવ ૧૬.૯ ફૂટ ભરાયુ છે અને પાણીની આવક શરૂ છે. રાજપરા ખોડીયાર તળાવ ૩૦.૬ ફૂટે ભરાશે તેમ મનપાના વોટર વર્કસ વિભાગના અધિકારી દેવમુરારીએ માહિતી આપતા જણાવેલ છે.



Source link

Leave a Comment