સરકાર સામે 18 જેટલા આંદોલનનું ચક્રવ્યૂહ જોવા મળી રહ્યું છે. જેમાં વર્ગ 3 અને 4ના કર્મચારીઓનું આંદોલન, VCE કર્મચારીઓનું આંદોલન, LRD મહિલા ઉમેદવારો મેદાને, કોન્ટ્રાક્ટ આધારિત કર્મચારીઓનો વિરોધ, ST અને બોર્ડ નિગમના કર્મચારીઓનો વિરોધ, મધ્યાહન ભોજનના કર્મચારીઓના પણ ધરણાનો સમાવેશ થાય છે.
કર્મચારીઓએ પોતાની જોબ સિક્યોરિટી, કાયમી કરવાની માગણીઓ મામલે ગાંધીનગરમાં ધામા નાખ્યા છે. વન રક્ષકો અને વનપાલ પણ તેમની ગ્રેડ પે, રજાના દિવસે કામનો પગાર, પીટીએ, ભરતી-બઢતીનો રેશિયો 1:3 કરવો, નોકરીનો સમયગાળો નક્કી કરવો સહિતની માગણીઓ સાથે દેખાવો કરી રહ્યા છે. તે સિવાય સરકારી વર્ગ-4ના કર્મચારીઓ પણ તેમની 14 જેટલી માગણીઓ સાથે દેખાવો કરી રહ્યા છે. રાજ્યભરની સરકારી શાળાઓમાં શિક્ષકો સહિત અન્ય સરકારી કર્મચારીઓ માસ સીએલ ઉપર ઉતરી પડયા હતા. ગાંધીનગરના જૂના સચિવાલયમાં પણ કર્મચારીઓએ સરકાર વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કરીને દેખાવો કર્યા હતા. ત્યારે રાજ્ય મહેસૂલી કર્મચારી મંડળ દ્વારા પણ જૂની પેન્શન યોજના સહિતની માગણીઓ સંદર્ભે ચાલી રહેલા આંદોલનને ટેકો આપવામાં આવ્યો છે. કર્મચારીઓનું કહેવું છે કે અનેક વાર રજૂઆત કરી પરંતુ કોઈ નિરાકરણ આવ્યુ નથી.
આ પણ વાંચો: જાણો શા માટે ગોંડલના રાજકારણમાં આવ્યો ગરમાવો? શા માટે જયરાજસિંહ આકરા પાણીએ?
રાજ્યમાં જંગલ ખાતામાં વન રક્ષક અને વનપાલ તરીકે મોટી સંખ્યામાં નાના કર્મચારીઓ નોકરી કરી રહ્યા છે. તેમને હાલ મામુલી વેતન મળતું હોવાથી જેની સામે કામગીરી જેટલું સન્માનજનક વળતરરૂપી પગાર મળે તે માટે સામુહિક રીતે આ વર્ગના કર્મચારીઓ આંદોલનના માર્ગે છે. ગુજરાતની રાજધાની ગાંધીનગરમાં તેઓ ધરણા પ્રદર્શન કરી રહ્યા છે. વનરક્ષકની માગ અંગે વાત કરીએ તો, વનરક્ષકને રૂ. 2,800નો ગ્રેડ પે આપવા માગ, વનપાલ કર્મચારીઓને રૂ. 4200નો ગ્રેડ પે આપવા માંગ, રાજાના દિવસનો પગાર આપવા માગ, ડ્યુટીના કલાકો નક્કી કરવા માગ કરાઇ રહી છે. આ પ્રકારની માગણીઓ વનરક્ષકોએ રાજ્ય સરકાર સમક્ષ મૂકી છે. છેલ્લા ઘણા મહિનાઓથી તેઓ મગાણીઓ કરી રહ્યા છે પરંતુ તેમની માગણીઓનું કોઈ નિરાકરણ આવતું નથી.
આમ ચૂંટણી નજીક આવવાની સાથે જ સરકારી કર્મચારીઓના આંદોલનોને વેગ મળ્યો છે અને તેઓ પોતાની વિવિધ માગણીઓ મુદ્દે સરકારનું નાક દબાવવા પ્રયત્નો કરી રહ્યા છે. ભાજપ આ ચૂંટણીમાં કોઈપણ કસર છોડવા નથી માંગતું અને આ વખતે તેમના સામે પડકાર માત્ર કોંગ્રેસ જ નહીં પરંતુ આમ આદમી પાર્ટી પણ છે, ત્યારે આંદોલન મામલે કોંગ્રેસે પણ સરકારને ધેરવાનો પ્રયત્ન કર્યો છે. જોકે, આંદોલનો ઉગ્ર ન બને તે માટે આંદોલન નગરી બનેલું ગાંધીનગર હાલ પોલીસની કિલ્લેબંધીમાં ફેરવાઈ ગયું છે. હવે જોવું રસપ્રદ બનશે કે સરકાર આ આંદોલનને ઠારવામા સફળ રહેશે કે નહીં? શું સરકાર આ આંદોલનના પ્રતિનિધિઓને મનાવી શકશે?
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Andolan, Gujarat Assembly Election 2022, Gujarat Government, Gujarat Politics