A quarter lakh Hanuman Chalisa Anushthan Mahayagna will be held at Viramgam GIDC.AGP – News18 Gujarati


Parth Patel, Ahmedabad: અત્યારના આધુનિક યુગમાં સૌથી વધારે કોઈ દેવની પૂજા થતી હોય તો તે હનુમાનજી દાદાની થાય છે. શનિવારના દિવસે ભક્તો ખાસ હનુમાનજીની પૂજા-અર્ચના કરતા હોય છે. આ દિવસે લોકો હનુમાન ચાલીસા, સુંદરકાંડ, રામધૂન વગેરેનું આયોજન કરતા હોય છે. ત્યારે વિરમગામમાં શ્રી બજરંગ મંડળ દ્વારા સવા લાખ હનુમાન ચાલીસા અનુષ્ઠાન મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે.

પંથકની સુખાકારી તેમજ સર્વે પિતૃઓના મોક્ષ અર્થે કરાશે આયોજન

સાક્ષાત હાજરા હજૂર દેવ ગણાતા કષ્ટભંજન દેવના મહિમાની વાત આપણે કરીએ તેટલી ઓછી પડે એમ છે. કારણ કે કળિયુગમાં પણ અનેક ચમત્કારો આપે છે. ત્યારે અમદાવાદ પાસે આવેલા GIDC વિરમગામમાં શ્રી બજરંગ મંડળ દ્વારા વિરમગામ પંથકની સુખ-શાંતિ-સમૃદ્ધિ અને પ્રગતિ માટે તેમજ સર્વે પિતૃઓના મોક્ષ અર્થે સવા લાખ હનુમાન ચાલીસા અનુષ્ઠાન મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે.

245 શનિવારથી ફેકટરીઓમાં થાય છે હનુમાન ચાલીસાના પાઠ અને રામધૂન

ખાસ વાત કરીએ તો શ્રી બજરંગ મંડળ - GIDC વિરમગામ દ્વારા છેલ્લા 5 વર્ષથી (એટલે કે 245 શનિવારથી) GIDC ની અલગ અલગ ફેકટરીમાં નિયમિત દર શનિવારે હનુમાન ચાલીસાના પાઠ અને રામધૂન બપોરે 3 થી 4 વાગ્યે થાય છે. જેમાં ભક્તો દ્વારા હનુમાન ચાલીસાના પાઠ સાથે ભજન-ધૂનનું પણ આયોજન કરવામાં આવે છે.

હનુમાનજીને ભગવાન શિવજીનો અગિયારમો રુદ્ર અવતાર પણ કહેવાય છે. આ સાથે ગામ હોય કે શહેર દરેક જગ્યાએ હનુમાનજીના મંદિરો જોવા મળે છે. હનુમાનજી દાદા એ અસંખ્ય લોકોના દુખડા દૂર કરી લોકોની મનોકામનાઓ પૂરી કરી છે. દરેક લોકો ભાવથી અને શ્રદ્ધાથી તેમને પૂજે છે. હાલમાં પણ ભૂતપ્રેતથી પીડાતી વ્યક્તિ હનુમાનજી દાદા પાસે આવી પોતાની પીડા દૂર કરે છે.

મહાયજ્ઞમાં સંતો-મહંતો પણ રહેશે હાજર

આ હનુમાન ચાલીસા અનુષ્ઠાન મહાયજ્ઞમાં શ્રી દિલીપદાસજી બાપુ (શ્રી જગન્નાથજી મંદિર, અમદાવાદ), શ્રી રામકુમારદાસજી બાપુ (શ્રી રામમહેલ મંદિર, વિરમગામ), શ્રી જાનકીદાસજી બાપુ (શ્રી ભાણ સાહેબની જગ્યા, કમીજલા), શ્રી ભાર્ગવદાસજી બાપુ (શ્રી આનંદ આશ્રમ, વંથલ), શ્રી રઘુવીર સ્વામીજી (શ્રી સ્વામિનારાયણ ગુરૂકુળ, સોકલી), શ્રી રઘુનંદનદાસજી મહારાજ (શ્રી પંચમુખી હનુમાન મંદિર, વિરમગામ) વગેરે મહાન સંતો-મહંતો હાજર રહેશે.

આ અભૂતપૂર્વ ભવ્ય-દિવ્ય આધ્યાતિમક કાર્યક્રમ 25/09/22 ને રવિવારે ભાદરવા વદ અમાસ (સર્વ પિતૃ અમાસ) ના દિવસે આયોજિત કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમના અંતે મંડળ દ્વારા ભોજન પ્રસાદની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.

સ્થળ : શેઠ એમ. જે. હાઈસ્કૂલ, વિરમગામ.

પાર્કિગ વ્યવસ્થા : શ્રી સિધ્ધનાથ મહાદેવ મંદિર, વિરમગામ.

First published:

Tags: Ahmedabad news, Hanuman Pooja, Lord Hanuman



Source link

Leave a Comment