અમદાવાદ: સામાન્ય રીતે એસીબી દ્વારા લાંચ લેતા અધિકારીઓને રંગે હાથ પકડી લેવામાં આવે છે, પરંતુ એસીબીએ એક એવો કેસ કર્યો છે જેમાં લાંચિયા અધિકારી દ્વારા લાંચની રકમ આંગડિયા દ્વારા મંગાવવામાં આવી હતી. સુરતથી ગાંધીનગર આંગડિયા મારફતે લાંચની રકમ મોકલવા માં આવી હતી. આરોપી નિતા પટેલ જે નરખડી ગ્રામ પંચાયત, તા.નાંદોદ, જી.નર્મદામાં તલાટી તરીકે કામ કરે છે. તેમને અને અન્ય એક વ્યક્તિ મહેશ આહજોલીયા જે ખાનગી વ્યક્તિ છે, બન્નેને પકડી લેવામાં આવ્યા છે. આરોપીઓ દ્વારા એક લાખની રકમ લાંચમાં માંગવામાં આવી હતી અને જે સ્વીકારતા બન્નેને પકડી લેવામાં આવ્યા છે.
ઘટનાની વિગતવાર વાત કરીએ તો, ફરીયાદીની નર્મદા જીલ્લાના નાંદોદ તાલુકાના નરખડી ગામમાં ખેતીની જમીન આવેલી છે. જે જમીનની દેખરેખ અને જમીનની લાગત આ કામના ફરીયાદી સંભાળે છે. ઉપરોક્ત ખેતીની જમીનમાં ખેતીને લગત બિયારણ, ખાતર વગેરે સરસામાન મૂકવા તેમજ મજૂરોને રહેવા માટે પતરાના શેડવાળી ઓરડીઓ બનાવેલી છે, જેમાં વીજ મીટરની જરુરીયાત હોવાથી નરખડી ગ્રામપંચાયતમાં ઘર નંબર ફાળવવા અને જરૂરી મંજૂરી મેળવવા અરજી કરેલી હતી.
જે કાર્યવાહી કરવાના અવેજ પેટે આરોપી નીતા પટેલે ફરીયાદી તથા સાહેદ પાસે રૂપિયા 1 લાખની લાંચની માંગણી કરી હતી અને તે લાંચની રકમ આંગડીયા મારફતે ગાંધીનગર આરોપી મહેશને આપવા જણાવ્યું હતું. જે લાંચની રકમ ફરિયાદી આપવા માંગતા નહોતા અને ફરીયાદીએ એસીબીનો સંપર્ક કરી ફરીયાદ આપી હતી. જે ફરિયાદના આધારે 22 સપ્ટેમ્બરના રોજ લાંચના છટકાનું આયોજન કરતા, આ કામના ફરિયાદી સાથે આરોપી નીતાએ અને સાહેદ સાથે આરોપી મહેશે મોબાઇલ ફોન ઉપર હેતુલક્ષી વાતચીત કરી હતી, ફરીયાદીએ સુરતથી આંગડીયા મારફતે મોકલાવેલી રૂપિયા 1 લાખ લાંચની રકમ ગાંધીનગર આંગડીયાની ઓફિસ ખાતેથી આરોપી મહેશે તેના ઓળખીતા બે વ્યક્તિઓ મારફતે લાંચની રકમ સ્વીકારી હતી. લાંચના છટકાની કાર્યવાહી દરમિયાન આરોપી નીતા નર્મદા જીલ્લા ખાતેથી તથા આરોપી મહેશ ગાંધીનગર ખાતેથી મળી આવ્યો છે.