Mustufa Lakdawala,Rajkot : અજાણ્યા નંબર પરથી કોઈનો ફોન આવે અને કહે કે તમારે ક્રેડિટકાર્ડની લિમીટ વધારવી છે તો ઘસીને ના પાડી ફોન કટ કરી દેજો. શક્ય હોય તો આવા નંબર જ બ્લોક કરવાની ટેવ પાડજો. કારણ કે, રાજકોટમાં એક વેપારીને એક આવો જ ફોન આવ્યો અને કહ્યું કે તમારે ક્રેડિટ કાર્ડની લિમીટ વધારવી છે. આ લાલચમાં વેપારી એવા ફસાયા કે તેમને થોડી જ વારમાં 1.29 લાખ ગુમાવવાનો વારો આવ્યો હતો. બાદમાં વેપારીએ સાયબર ક્રાઈમમાં અરજી કરી અને સુખદ અંત આવ્યો હતો.
કેવી રીતે વેપારી ફસાયા
વાત એવી છે કે, રાજકોટના સંતકબીર રોડ પર કૈલાસધારા સોસાયટીમાં શેરી નં.1માં શ્રી ગેલકૃપા નામના મકાનમાં રહેતા બિપીનભાઇ શામજીભાઇ અજાણીને અજાણ્યા નંબર પરથી કોલ આવ્યો હતો. જેમાં સામેવાળી વ્યક્તિએ બિપીનભાઈને ક્રેડિટકાર્ડની લિમીટ વધારવાની લાલચ આપી હતી. બાદમાં આ શખસે બિપીનભાઈને ટેક્સ મેસેજ દ્વારા લિંક મોકલી હતી. આ લિંક ખોલી બિપીનભાઈએ તમામ OTP સહિતની વિગત ભરી હતી. બાદમાં બિપીનભાઈના બેંક એકાઉન્ટમાંથી પળવારમાં રૂ.1,29,075 ઉપડી ગયા હતા.
સાયબર ક્રાઈમની કાબિલેદાદ કામગીરી
બાદમાં બિપીનભાઈને લાગ્યું કે મારી સાથે છેતરપિંડી થઈ છે એટલે તેઓએ તાત્કાલિક રાજકોટ સાયબર ક્રાઈમમાં એક અરજી કરી હતી. સાયબર ક્રાઈમની ટીમે અરજીના આધારે ટેકનિકલ એનાલિસિસ, અને બેંક નોડલ ઓફિસરનો સંપર્ક કરી બિપીનભાઈએ ગુમાવેલા રૂ.1,29,075 પૂરેપૂરી રકમ પરત અપાવી હતી. બાદમાં બિપીનભાઈએ સાયબર ક્રાઈમની ટીમનો આભાર માન્યો હતો અને લોકોને અપીલ કરી હતી કે, મારી જેમ કોઈ આવી લાલચમાં આવતા નહીં. કારણ કે આવી છેતરપિંડી રોજેરોજ વધી રહી છે.
આવા ફોન અને મેસેજથી દૂર રહો
રાજકોટ શહેરની આમ જનતા સાથે સોશિયલ મિડિયા તથા ઇલેક્ટ્રોનિક(મોબાઇલ) દ્વારા લાલચ તથા અલગ-અલગ રીત તથા કિમીયાઓ વડે રાજકોટ શહેરની ભોળી પ્રજા સાથે છેતરપીંડી કરી નાણા પડાવતા શખસોની વિરૂદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવા ઉપરી અધીકારીઓ દ્વારા થયેલ સુચન મુજબ રાજકોટ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની ટીમ સતત પ્રયત્નશીલ રહે છે. રાજકોટ સાયબર ક્રાઈમમાં રોજની આવી અઢળક અરજીઓ આવે છે. જેને સોલ્વ પણ કરી બતાવે છે. સાયબર ક્રાઈમ પણ અપીલ કરે છે કે, આવા અજાણ્યા નંબર પરથી ફોન આવે તો કટ કરો અને વાત ન કરો.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: CYBER CRIME, Cyber crime branch, રાજકોટ