ભાવનગર: ગઇકાલે મોડીરાતે સીદસર નજીક હિટ એન્ડ રનની ઘટના બની હતી. પૂરપાટ ઝડપે આવી રહેલી કારે પગપાળા જતાં વ્યક્તિને અડફેટે લેતાં તેમનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે આગળ જઇને કાર પલટી મારી ગઇ હતી. હાલ પોલીસ દ્વારા અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
પગપાળા જતાં આધેડને અડફેટે લીધા
ગઇકાલે રાત્રે શહેરના સીદસર નજીક હિલપાર્ક ચોકડી પાસે હિટ એન્ડ રનની ઘટના બની હતી. હિલપાર્ક ચોકડીથી એન્જિનિયરીંગ કોલેજ તરફ જવાના રોડ પર અકસ્માત સર્જાયો હતો. અજાણ્યા કારચાલકે પગપાળા જતાં આધેડને અડફેટે લીધા હતા. જેમાં આધેડનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું. કારચાલક અકસ્માત સર્જી ફરાર થઇ ગયો હતો. જ્યારે ફરાર થયેલા કારચાલકને આગળ જતાં અકસ્મતા નડ્યો હતો. ઘટના સ્થળથી એક કિલોમીટર દૂર જઈને કાર પલટી મારી ગઈ હતી.
નોંધનીય છે કે, પૂરપાટ વાહનો દોડાવતાં ચાલકોનો ત્રાસ વધી રહ્યો છે. બેજવાબદાર ડ્રાઇવિંગના કારણે નિર્દોષ લોકો જીવ ગુમાવી રહ્યા છે, ત્યારે હિલપાર્ક ચોકડી પાસે થયેલા હિડ એન્ડ રનમાં પગપાળા જઇ રહેલા આઘેડને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. જોકે, અકસ્માત સર્જ્યા બાદ એક કિલોમીટર દૂર જઇને તેની જ કાર પલટી મારી ગઇ હતી. ઘટનાને પગલે પોલીસ દોડી આવી હતી અને મૃતક આધેડના પીએમની કાર્યવાહી હાથ ધરી હતી, જ્યારે કારચાલક અંગે વધુ તપાસ હાથ ધરી છે.