Dhruvik gondaliya.bhavngar: ભાવનગર શહેરના ફૂલવાડી ચોકથી વડોદરિયા પાર્ક જવાના રસ્તે આવેલ હિલ ડ્રાઇવ વિસ્તારમાં રહેતો 15 વર્ષનો રેહાન મેઘાણી જેણે 50 પાનાનું અંગ્રેજી પુસ્તક લખ્યું છે. રેહાનના પિતાએ ન્યૂઝ 18 સાથે વાત કરતા જણાવ્યું કે રેહાનએ 11 વર્ષની ઉંમરે તિરુપતિ ઓઇલની tv advertisement કરી હતી જેને અભિષેક જૈન એ દિગ્દર્શિત કરી હતી. નાની ઉંમરથી જ એને એક્ટિંગ કરવાનો અને લખવાનો શોખ હતો. હેરી પોટરનો ખુબ મોટો ફેન છે રેહાન અને એણે હેરી પોટરના દરેક પુસ્તક 7-8 વાર વાચ્યા હશે. નાનો હતો ત્યારે ખુબ ફૂટબોલ રમતો અને ફાસ્ટ પિયાનો વગાડવો એને ખૂબ ગમતો. મોટા થઈને સ્પેસમાં જવાની એની ઈચ્છા છે.
હાલ સંદીપ પટેલ દિગ્દર્શિત નવી ફિલ્મ ‘ઓમ મંગલમ્ સિંગલમ્’ 18 નવેમ્બરે રિલીઝ થઈ છે અને અત્યાર સુધી જે લોકો એ ફિલ્મ જોઈએ એ બધાએ ખુબ વખાણી છે. મલ્હાર ઠાકર અને આરોહી પટેલ મુખ્ય અભિનેતા છે અને આ ફિલ્મમાં આરોહીના નાના ભાઈનો રોલ ભાવનગરના લોકમિલાપ પરિવારના અને સિલ્વર બેલ્સ સ્કૂલમાં ધોરણ 10 માં અભ્યાસ કરી રહેલા 15 વર્ષના રેહાન મેઘાણીએ કર્યો છે.
રેહાનની આ બીજી ગુજરાતી ફિલ્મ છે, આ પહેલા વેન્ટિલેટર નામની ગુજરાતી ફિલ્મમાં પ્રતીક ગાંધી અને જેકી શ્રોફ સાથે પણ એણે કામ કર્યું છે અને હાલમાં ત્રીજી ફિલ્મ કે જેમાં, મલ્હાર ઠાકર અને શ્રદ્ધા ડાંગર મુખ્ય કલાકાર છે એનું શૂટિંગ ચાલી રહ્યું છે.
રેહાન એ 10 વર્ષની ઉંમરે 50 પાનાનું અંગ્રેજી પુસ્તક લખ્યું હતું અને હાલમાં થોડો સમય પહેલા જ એણે અને એના મિત્રોએ તૈયાર કરેલ બાળકો માટેનું દ્વીભાષી પુસ્તક પ્રકાશિત થયું છે. રેહાન નાની ઉંમરથી પુસ્તકો વાંચવાનો અને પિયાનો વગાડવાનો શોખીન છે અને એને 3-4 જાહેરાતોમાં પણ કામ કરેલું છે.
આગળ જતાં એને વધુ સુંદર ફિલ્મોમાં કામ કરવું છે અને કમ્પ્યુટર એન્જિનિયરિંગ ભણવાની એની ઈચ્છા છે. રેહાનને ભવિષ્યમાં ફક્ત ભાવનગરના કલાકારોને સાથે રાખીને એક શોર્ટ ફિલ્મ બનાવવાની મહત્વકાંક્ષા છે જેની વાર્તા એ લખશે એવું એણે જણાવ્યું છે.