પગાર લોકોની સેવા પાછળ ખર્ચશે
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને રાજકારણ ગરમાયું છે. ઉમેદવારો મતદારોને રિઝવવા અનેક પ્રયાસો કરી એડીચોંટીનું જોર લગાવી રહ્યા છે, ત્યારે વિધાનસભાના ગૃહમાં છેલ્લા એક દશકમાં માત્ર એક જ મુસદ્દો કોઈપણ વિરોધ વગર બહુમતી સાથે પસાર થયો હતો અને એ મુસદ્દો હતો ધારાસભ્યના પગારમાં મસમોટો વધારો કરવાનો. સોશિયલ મીડિયામાં લોકો ધારાસભ્યોને મળતી ફ્રી સુવિધાઓ અને અધધ પગાર વિશે પ્રશ્ન પૂછતા જોવા મળે છે, ત્યારે તાલાલામાં કોંગ્રેસના વિધાનસભાના ઉમેદવાર માનસિંહ ડોડીયાએ પોતાના ચૂંટણી પ્રચાર સમયે દરેક ગામમાં લોકોને વચન આપ્યું છે કે, પોતે ધારાસભ્ય તરીકેના પગારનો એક પણ રૂપિયો નહીં લે. માનસિંહ ડોડીયા પોતાનો ધારાસભ્ય તરીકેનો પગાર ગરીબ લોકોના કામ માટે, કન્યાઓ માટે, સારું શિક્ષણ તેમજ આરોગ્યની સુવિધાઓ સક્ષમ બનાવવા આપશે.
આ પણ વાંચો: દાહોદમાં સભા માઇક બગડતા બચુ ખાબડની રમૂજ, કોંગ્રેસ-આપ પર કર્યો કટાક્ષ
તાલાલા બેઠક કે જે આમ તો કોંગ્રેસનો ગઢ મનાય છે અને ભગવાન બારડ કોંગ્રેસમાંથી ચૂંટાય આવ્યા હતા, પરંતુ ભગવાન બારડે પક્ષ પલટો કર્યો એ સમયે લોકોને લાગી રહ્યું હતું કે તાલાલામાં કોંગ્રેસ નબળી પડશે. પરંતુ માનસિંહ ડોડિયાએ યુવા કોંગ્રેસના અને વિવિધ રાજ્યોમાં કરેલા પ્રચારના અનુભવની મદદથી સંગઠન અને મતદારોમાં નવો જોશ જગાવ્યો છે.
ગામોમાં ફરીને પોતાનો સંદેશ સચોટ રીતે લોકો સમક્ષ રજૂ કર્યો
તાલાલા બેઠક પર માનસિંહ ડોડિયાએ ઝંઝાવાતી પ્રચાર આદર્યો છે. 75 જેટલા ગામોમાં આટલા ટૂંકા ગાળામાં ફરીને પોતાનો સંદેશ સચોટ રીતે લોકો સમક્ષ રજૂ કર્યો છે. બીજી તરફ, તાલાલા બેઠક પર સૌથી વધુ પ્રભુત્વ ધરાવતા કોળી મતદારો નિર્ણાયક રહેતા હોય છે, ત્યારે તાલાલા કોળી સમાજના અગ્રણી અને દાયકાઓથી ભાજપ માટે કામ કરતા અને બે ટમ જિલ્લા પંચાયતના સભ્ય રહી ચૂકેલા કોળી અગ્રણી રાજાભાઈ ચારિયા ભાજપ છોડી કોંગ્રેસનો હાથ પકડતા તાલાલા બેઠક પર કોંગ્રેસ વધુ મજબૂત થતી હોવાનું મનાય રહ્યું છે. કોળી સમાજ તાલાલા બેઠક પર કિંગ મેકરની ભૂમિકા ભજવતો હોય છે, ત્યારે કોળી સમાજના અગ્રણી અને પૂર્વ જિલ્લા પંચાયતના સભ્ય રાજાભાઈ ચારિયા સાથે પોતાના ટેકેદારોનો મોટી સંખ્યામાં કોંગ્રેસ તરફ ઝુકાવ ભાજપના ઉમેદવાર ભગવાન બારડ અને જિલ્લા ભાજપ સંગઠનની ચિંતા વધારી રહ્યો છે.
યુવા કોંગ્રેસનો અનુભવ ધરાવતા શિક્ષિત ઉમેદવાર માનસિંહ ડોડિયા
ઉલ્લેખનીય છે કે, માનસિંહ ડોડિયા ગુજરાત યુવા કોંગ્રેસના પ્રમુખ રહી ચૂક્યા છે. સાથે જ હાલ મહામંત્રીની જવાબદારી સંભાળે છે. માનસિંહ રાહુલ ગાંધીના નજીકના ગુજરાતી નેતાઓમાંના એક ગણાય છે. તેઓ અન્ય રાજ્યોમાં પણ ચૂંટણીની કામગીરી સંભાળી ચૂક્યા છે, ત્યારે તાલાલામાં કોંગ્રેસના મેન્ડેડ પર ચૂંટાયેલા ધારાસભ્ય ભગવાન બારડે ચૂંટણીના અંતિમ સમયે પક્ષ પલ્ટો કરતા કોંગ્રેસને ઉમેદવારની ખોજ હતી અને તાલાલામાં કોંગ્રેસના દિગ્ગજ રહેલા ભગવાન બારડ સામે ચૂંટણીમાં બાથ ભીડવા યુવા કોંગ્રેસનો અનુભવ ધરાવતા શિક્ષિત ઉમેદવાર માનસિંહ ડોડિયાને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. આગામી દિવસોમાં પક્ષ પલ્ટો કરેલા ધારાસભ્ય ભગવાન બારડને લોકો કમળના નિશાન સાથે ચૂંટે છે કે પછી કોંગ્રેસના યુવા ઉમેદવાર માનસિંહ ડોડિયાના હાથે પંજાનો સાથ આપે છે એ આઠમી ડિસેમ્બરે જ ખબર પડશે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર