Dussehra 2022 ravana-mannequin-fell-on-people-gathered-during-ravan-dahan-in-yamunanagar - સળગતું રાવણનું પૂતળું લોકો પર પડ્યું – News18 Gujarati


હરિયાણા: યમુનાનગર શહેરમાં બુધવારે સાંજે રાવણ દહન દરમિયાન મોટો અકસ્માત થયો હતો. શહેરના દશેરા ગ્રાઉન્ડમાં દહન દરમિયાન રાવણનું 80 ફૂટ ઊંચું પૂતળું અચાનક તૂટી પડ્યું અને નીચે હાજર ભીડની ઉપર સીધું પડ્યું હતું. જેના કારણે ઘણા લોકો ઘાયલ થયા છે, જ્યારે ઘણા લોકોની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે. જો કે હજુ સુધી મૃતકો અથવા ઘાયલોની પુષ્ટિ થઈ નથી, પરંતુ કેટલાક મીડિયા અહેવાલોમાં 7 થી 12 લોકો ઘાયલ થયા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. અહેવાલોમાં જણાવવામાં આવ્યું છે કે, પૂતળાની નીચે દબાયેલા ત્રણ લોકોની હાલત ગંભીર છે, તેમનું માથું ફાટી ગયું હોવાની પણ વાત સામે આવી રહી છે, જ્યારે કપડામાં આગ લાગવાને કારણે 2 લોકો દાઝી ગયા છે. સળગતા પૂતળામાંથી વિસ્ફોટ થતા ફટાકડાના કારણે અન્ય લોકો ઘાયલ થયા હતા. જિલ્લા પ્રશાસનના અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને રાહત અને બચાવ કાર્ય શરૂ કર્યું હતું.

ઘટનાનો વીડિયો સામે આવ્યો:

આ ઘટનાના વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે, ડર્ઝનેક લોકો આગ લાગ્યા બાદ નીચે પડેલા પૂતળાના સળગતા ટુકડાઓ એકઠા કરી રહ્યા હતા. તેને ધાર્મિક અંધશ્રદ્ધા સાથે જોડવામાં આવી રહ્યો છે. આ દરમિયાન, અચાનક તેમના પર સળગતું પૂતળું પડ્યું હતુ. આ દરમિયાન, રામલીલા સમિતિના અધિકારીઓ લોકોને પૂતળા પાસે જતા રોકી રહ્યા હતા. જો તેઓએ આવું ન કર્યું હોત તો હજુ પણ વધુ લોકો ઘાયલ થયા હોત.

પૂતળું પડ્યા બાદ નાસભાગ મચી ગઈ:

સળગતું પૂતળું નીચે પડ્યા બાદ મેદાનમાં હાજર લોકોમાં નાસભાગ મચી ગઈ હતી. ઘટનાસ્થળે હાજર પોલીસકર્મીઓએ ભીડને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ગભરાયેલા લોકો જ્યાં-ત્યાં ભાગવા મંડ્યા હતા. આ દરમિયાન, અનેક લોકો ઘાયલ પણ થયા છે. ભીડને સંભાળવાની સાથે, પોલીસ દ્વારા ઘાયલોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમની સારવાર કરવામાં આવી રહી છે.

Published by:Samrat Bauddh

First published:

Tags: Dussehra 2022, Hariyana, Navratri 2022, Ravan Dahan





Source link

Leave a Comment