- FIFAની ચેતવણીની અસર થઈ છે તેમાં જર્મની ઉપરાંત ઈંગ્લેન્ડ, ડેનમાર્ક, સ્વીડન, બેલ્ઝિયમ જેવા દેશ સામેલ
નવી દિલ્હી, તા. 24 નવેમ્બર 2022, ગુરૂવાર
FIFA વર્લ્ડ કપ 2022 માં બધી ટીમોએ હજી સુધી પોતપોતાના અભિયાનની શરૂઆત પણ કરી નથી પરંતુ તે પહેલા જ હંગામો થયો છે. વિવાદ વેગ પકડી રહ્યો છે. જો મામલો વધારે ગરમાયો તો શક્ય છે કે 7 દેશો ટૂર્નામેન્ટની વચ્ચે જ વર્લ્ડ કપમાંથી પાછી પાની કરી શકે છે. આ એ 7 દેશો છે જેમને FIFA દ્વારા ચેતવણી આપવામાં આવી છે. ફૂટબોલની સર્વોચ્ચ સંસ્થા ફિફાએ 7 યુરોપિયન દેશોને ચેતવણી આપી હતી કે, જો તેમનો કોઈ ખેલાડી “વન લવ આર્મબેન્ડ’ પહેરીને મેદાનમાં આવશે તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
યુરોપના 7 દેશોમાંથી જર્મનીએ પણ આ અંગે વિરોધ નોંધાવ્યો છે. જાપાન સામેની મેચ પહેલા લીધેલા ગ્રુપ ફોટોમાં તેના ખેલાડીઓએ મોઢું બંધ રાખ્યું હતું. ખેલાડીઓ ઉપરાંત જર્મનીની મંત્રી નેન્સી ફીજરે પણ વિરોધ વ્યક્ત કર્યો હતો. તે ‘વન લવ આર્મબેન્ડ’ પહેરીને મેચ જોવા સ્ટેડિયમ પહોંચી હતી, જેની તસવીરો સોશિયલ મીડિયા પર પણ ખૂબ વાયરલ થઈ હતી.
FIFAની ચેતવણીથી 7 દેશોમાં હંગામો
ફીફાએ કહ્યું હતું કે, ખેલાડીઓને સમાવેશ અને વિવિધતાના પ્રતીક તરીકે રંગીન ‘વન લવ આર્મબેન્ડ’ પહેરવા બદલ દંડ કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે, FIFAએ જેમના માટે આ વાત કહી હતી તેવા સાત યુરોપિયન દેશોના કેપ્ટનોએ ‘વન લવ આર્મબેન્ડ’ પહેરીને મેદાનમાં ઉતરવાની યોજના બનાવી હતી. ફીફાએ એમ પણ કહ્યું કે, જો કોઈપણ ટીમના ખેલાડીઓ આવું કરશે તો તેમને તરત જ યલો કાર્ડ બતાવવામાં આવશે. ફિફાના નિર્ણયની ટીકા કરનારાઓમાં જર્મનીના કોચ હેન્સી ફ્લિક અને ફૂટબોલ ફેડરેશનના પ્રમુખ બર્ન્ડ ન્યુએન્ડોર્ફ પણ સામેલ છે.
શું છે ‘વન લવ આર્મ બેન્ડ’?
‘વન લવ આર્મ બેન્ડ’ સમાનતાના સમર્થનનું પ્રતીક છે. કતર જ્યાં સમલૈંગિકતા કાયદેસર નથી ત્યાં પણ આનું મહત્વ છે. તે માત્ર LGBTQ સમુદાય સાથે સબંધ્ત નથી. ફૂટબોલ ખેલાડીઓ આ આર્મબેન્ડ પહેરીને એ જ રીતે સમાનતાનો સંદેશ આપવા માંગતા હતા જેમ ક્રિકેટમાં ઘૂંટણિયે પડીને બ્લેક લાઇવ્સ મેટરને સપોર્ટ કરવામાં આવે છે. પરંતુ ખેલાડીઓને તેની મંજૂરી ન મળી કારણ કે, આ વસ્તુઓ ફિફાના નિયમો અને કાયદાઓમાં સામેલ નથી.
જે 7 યુરોપીય દેશો પર FIFAની ચેતવણીની અસર થઈ છે તેમાં જર્મની ઉપરાંત ઈંગ્લેન્ડ, ડેનમાર્ક, સ્વીડન, બેલ્ઝિયમ જેવા દેશ સામેલ છે. ડેનમાર્ક તો તેને લઈને UEFA દેશો સાથે વાતચીત કરી FIFA વર્લ્ડ કપ છોડવાનુ મન બનાવી રહ્યો છે.