ગ્રામીણ પ્રદેશોથી બનેલા કચ્છ જિલ્લામાં કચ્છ યુનિવર્સિટી મહત્વનો ભાગ ભજવે છે. 12 કોલેજો સાથે શરૂ થયેલી કચ્છ યુનિવર્સિટીના નિર્દેશમાં આજે કચ્છની 45 કોલેજો કાર્યરત છે અને લાખો વિદ્યાર્થીઓ તેમાં અભ્યાસ કરી રહ્યા છે. યુનિવર્સિટીના 12મા પદવીદાન સમારોહમાં 4968 વિદ્યાર્થીઓએ પદવી મેળવી હતી. આર્ટસ, વિજ્ઞાન, કાયદો, અભ્યાસ, વાણિજ્ય, મેડિકલ, તેમજ ફિલોસોફી વિષયના વિદ્યાર્થીઓએ આજે પદવી મેળવી હતી.
આર્ટસ વિષયના 1712 વિદ્યાર્થીઓ, વિજ્ઞાનના 653, કાયદાના 343, અભ્યાસના 209, વાણિજ્યના 1809, મેડિકલ ના 230 તો ફિલોસોફીના 12 વિદ્યાર્થીઓ મળી કુલ 4968 વિદ્યાર્થીઓએ પોતાનું અભ્યાસ પૂર્ણ કરતા તેમને પદવી આપવામાં આવી હતી. તો આમાંથી 3059 વિદ્યાર્થીઓએ હજાર રહી પદવી મેળવી હતી અને 1907 વિદ્યાર્થીઓને પદવી તેમના ઘરે પહોંચાડવામાં આવશે.
તો દરેક વિષયમાં અવ્વલ આવનાર વિદ્યાર્થીઓનું ખાસ ગોલ્ડ મેડલ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. કુલ 22 ગોલ્ડ મેડલિસ્ટમાંથી 21 વિદ્યાર્થીનીઓ હતી અને માત્ર એક જ વિદ્યાર્થી હતો. વિદ્યાર્થિનીઓએ આ પદવીદાન સમારોહમાં ડંકો વગાડ્યો હતો અને તેની નોંધ કાર્યક્રમના અધ્યક્ષ યુનિવર્સિટીના કુલાધિપતિ અને ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે પણ લીધી હતી.
પોતાના વક્તવ્યમાં આચાર્ય દેવવ્રતે વિદ્યાર્થીઓ સાથે રમૂજ ભરી વાત કરતા કહ્યું હતું કે 21 દીકરીઓ વચ્ચે આ એક પહેલવાને પુરુષ જાતિનું નામ બચાવી લીધું છે. વિદ્યાર્થિનીઓએ શુભેચ્છા પાઠવતા કહ્યું હતું કે, \”વૈદિક કાળમાં વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓ વચ્ચે કોઈ અંતર હતું નહીં. વિદ્યાર્થિનીઓ પણ મોટા મોટા ઋષિઓથી સાક્ષર્થ થતી હતી. પરંતુ મધ્યકાળમાં જ્યારે દીકરીઓને અભ્યાસથી વંચિત રાખવામાં આવ્યું ત્યારબાદ હવે લાગે છે કે વિદ્યાર્થીનીઓ એ બંધનમાંથી બહાર આવી છે અને દરેક રેકોર્ડ તોડે છે.\”
તમારા શહેરમાંથી (કચ્છ)
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર