સૌરાષ્ટ્રમાં રાજકોટ ખાતે રાહુલ ગાંધીની પ્રથમ ચૂંટણી સભા : અરબપતિઓ લોન ન ભરે તો લાખો કરોડો રૂ।.ની NPA ગણીને માફ કરે, ખેડૂતો થોડી રકમ ન ભરે તો ડિફોલ્ટર-આ છે ભાજપ નીતિ : કોરોના કાળમાં અબજોનું બેન્ક લેણુ માફ કરાયું પણ વેપારીઓ, ખેડૂતોને સહાય ચૂકવાઈ નહીં : ઝુલતા પૂલમાં ભાજપના માનીતા જવાબદાર હોય પગલા ન લીધા, જાહેર સાહસોનું ખાનગીકરણ કરી યુવાનોની નોકરીની તકો છિનવી
રાજકોટ, : સૌરાષ્ટ્રમાં ચૂંટણી પ્રચાર વેગવંતો થયો છે ત્યારે આજે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ રાજકોટના શાસ્ત્રીમેદાનમાં ઉમટેલી જનમેદનીને 18 મિનિટના વક્તવ્યમાં જણાવ્યું કે આ સરકારે માનીતા બે ત્રણ ઉદ્યોગપતિઓનો રસ્તો સાફ કરવા માટે ગુજરાત સહિત દેશની કરોડરજ્જુ સમાન નાના અને મધ્યમ વેપાર ઉદ્યોગોને નોટબંધી અને પછી જી.એસ.ટી. ઝીંકીને તથા વેપારીઓ,ખેડૂતોને કોઈ રાહતો નહીં આપીને ભાંગી નાંખ્યા છે. બીજી તરફ ઉદ્યોગગૃહોના અબજો રૂ।.ના દેવા માફ કરી કોંગ્રેસે જે સરકારી જાહેર સાહેસો ધમધમતા કર્યા તેનું ખાનગીકરણ કરી માનીતાઓને સોંપી યુવાઓને સરકારી નોકરીની તક છિનવી છે.
તેમણે કહ્યું મોટા ઉદ્યોગગૃહો બેન્કના અબજો રૂ।.ભરે નહીં તો તેને એન.પી.એ. ગણી લેવાય અને માફ કરી દેવાય, પરંતુ, કોઈ ખેડૂત કે વેપારી પચાસ હજારની લોન ન ભરે તો તે બેન્ક ડિફોલ્ટર કહેવાય એ છે ભાજપ સરકારનો અસલી ચહેરો. કોરોનાના કમ્મરતોડ માર પછી પણ ખેડૂતોને કૃષિવિમો અપાયો નથી, વેપારીઓને કોઈ રાહતો અપાઈ નહીં. સરકારની આવી નીતિ નાના અને મધ્યમ વેપાર ઉદ્યોગોને ખતમ કરવા માટે અને તે સાથે અરબપતિઓને વધુ ધનિક બનાવવા માટેની છે. આમ નાગરિકોને મોંઘવારીમાં પીસાય છે, કોંગ્રેસ વખતે ગેસનો બાટલો રૂ।. 400નો મળતો તે આજે 1100એ પહોંચ્યો તો પેટ્રોલ રૂ.. 60નું લિટર હતું તે આજે રૂ।. 100એ પહોંચાડી દીધું. આજે હિન્દુસ્તાન એક ગરીબોનું,બીજુ અમીરોનું એમ બે ટૂકડામાં ભાજપે વહેંચી દીધું છે અમે ભારત જોડવાનું કામ કરી રહ્યા છીએ.
ભાજપ સરકાર કોંગ્રેસે જે જાહેર સાહસો સારી રીતે સંચાલન કરતી અને યુવાનોને તેમાં રોજગારી આપતી તે સાહસો કે જે પ્રજાની માલિકીના છે, તમારી પ્રજાની મુડી છે તે બે-ત્રણ અરબપતિઓના હવાલે કરી રહી છે. એ અરબપતિઓ આ સરકારમાં એરપોર્ટ, રેલવે, ટેલીકોમ, પોસ્ટ બધ્ધુ જ લઈ શકે છે અને આવી નીતિથી દેશમાં ૪૫ વર્ષમાં ન્હોતી તેવી બેરોજગારી વધી છે.
કન્યાકુમારીથી કાશ્મીર સુધી 3500 KMની પદયાત્રાનો ઉલ્લેખ કરીને કહ્યું આ યાત્રાની પ્રેરણા ગુજરાતથી, ગાંધી-સરદારથી મળી છે, 70 દિવસમાં હાલ મધ્યપ્રદેશમાં પહોંચ્યા છે,આશરે 125 દિવસમાં શ્રીનગર પહોંચીને ત્યાં તિરંગો લહેરાવીશું. આ યાત્રા દરમિયાન સર્વત્ર જનમેદની ઉમટી રહી છે, તેમ કહી રાહુલ ગાંધીએ કહ્યું, એક તરફ મને તેની ખુશી છે અને રોજ વહેલી સવારથી રાત્રિ સુધી પદયાત્રા છતાં થાક નથી લાગતો પરંતુ, જ્યારે લોકોને મળીએ છીએ અને યુવાનો કહે છે શિક્ષણમાં લાખો ખર્ચ્યા પણ નોકરી ન મળી અને રિક્ષા-ટેક્સી ચલાવવી પડે છે, ખેડૂતો,લોકોની આવી વેદના સાંભળીને બીજી બાજુ દુ:ખ પણ થાય છે. મોરબીની ઝુલતા પૂલ તૂટતા 135 ના મોતનો ઉલ્લેખ કરીને તેમણે કહ્યું આવી દુર્ઘટનામાં જવાબદાર ભાજપના માનીતા હતા તેથી પગલા લેવાયા નથી અને ચોકીદારોને જેલમાં પૂુરી દીધા છે. આજે સભામાં બે મિનિટનું મૌન પાળી શ્રધ્ધાંજલિ અપાઈ હતી.
ઈન્દ્રનીલ રાજ્યગુરૂએ સ્વાગત પ્રવચનમાં આમ આદમી પાર્ટીમાં જવું તેમની ભૂલ હતી તેમ કહીને રાહુલ ગાંધીની માફી માંગી હતી અને કહ્યું કે આમ આદમી પાર્ટી ઈમાનદાર નહીં પણ ભ્રષ્ટ છે તે ત્યાં જઈને ખબર પડી. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે ભાજપ ચૂંટણી ટાણે ગુંડાઓને છૂટા મુકશે, કાવતરાં કરશે તેનાથી કોંગ્રેસી કાર્યકરોને સાવધ રહેવા જણાવ્યું હતું. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે કહ્યું ભાજપના શાસનમાં કોઈ સ્વતંત્રતાથી બોલી શકતુ ંનથી,તેમની ટીકા કરો તો રાજદ્રોહ ગણી લે તેવો ડરનો માહૌલ સર્જાયો છે. કાર્યક્રમમાં વેણુ ગોપાલ સહિત કોંગ્રેસના અનેક નેતાઓ હાજર રહ્યા હતા.